[ad_1]

ચીને શુક્રવારે ફરી એકવાર યુનાઇટેડ નેશન્સ(UN)માં આતંકવાદને સમર્થન આપતું વલણ અપનાવ્યું હતું. અમેરિકા અને ભારત દ્વારા મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ લશ્કર-એ-તૈયબા (LeT)ના સાજિદ મીરને ‘વૈશ્વિક આતંકવાદી’ જાહેર કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. સાજિદ મીર ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે અને તે 2008ના મુંબઈ હુમલામાં સામેલ હતો. ચીને અવળચંડાઈ કરી આ પ્રસ્તાવ સામે રોક લગાવી હતી.
યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલની અલ-કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ યુ.એસ.એ મીરને વૈશ્વિક આતંકવાદી તરીકે બ્લેકલિસ્ટ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ભારતે સમર્થન આપ્યું હતું. સાજિદ મીર લશ્કર-એ-તૈયબા (LeT)નો ટોચનો કમાન્ડર છે અને તે લશ્કર-એ-તૈયબાના ‘ઇન્ડિયા સેટઅપ’નો પ્રભારી છે.
સાજિદ મીર મુંબઈ આતંકવાદી હુમલા (નવેમ્બર 26, 2008)ના માસ્ટરમાઇન્ડ્સમાંનો એક છે. મીર નવેમ્બર 2008ના મુંબઈ આતંકી હુમલા માટે લશ્કર-એ-તૈયબાનો પ્રોજેક્ટ મેનેજર હતો. તેણે સેટેલાઇટ ફોન દ્વારા હુમલામાં સામેલ આતંકવાદીઓને ઓપરેશન દરમિયાન બંધકોને મારવા માટે સૂચના આપી હતી. તે ભારતમાં લશ્કર ઓપરેટિવ્સ શરૂ કરવામાં પણ સક્રિયપણે સામેલ હતો. આ ઉપરાંત તે અત્યાર સુધીના લશ્કર-એ-તૈયબાના મોટા વિદેશી આતંકવાદી હુમલાની યોજના ઘડવામાં સામેલ હતો, જેના પરિણામે ભારત અને પશ્ચિમી દેશો સહિત અનેક દેશોના નાગરિકો માર્યા ગયા હતા.
ચીનને પાકિસ્તાનનું પરમ મિત્ર માનવામાં આવે છે જેથી તે પાકિસ્તાનમાં ચાલતી આતંકવાદી ગતિવિધીઓને સતત છાવરવાની કોશિશ કરતુ રહે છે. જૂનમાં ચીને છેલ્લી ઘડીએ અન્ય પાકિસ્તાની આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવમાં પણ અવરોધ ઊભો કર્યો હતો. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવમાં પણ ચીને અવરોધ ઊભો કર્યો હતો. 2016ના પઠાણકોટ આતંકી હુમલા બાદ મસૂદને વૈશ્વિક આતંકવાદી ઠરાવવા કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ 2019માં પુલવામા આતંકી હુમલા બાદ જ તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.
Post Views:
25
[ad_2]