[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

ગીતા-મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં જાણ્યું કે ભગવાને યોગ અને ક્ષેમ દ્વારા ભક્તોની સંપૂર્ણ જવાબદારી પોતાના શિરે લીધી છે. હવે આગળના શ્લોકમાં કૃષ્ણ ભગવાન કહે છે કે જે ભક્તો શ્રદ્ધાથી બીજા દેવોને ભજે છે તે પણ અંતે તો મને જ ભજે છે. ભલે તેઓ ઉપાસનાની વિધિ યથાર્થ ન જાણતા હોય.
આ શ્ર્લોકમાં श्रद्धयौन्यिता(૯/૨૩) શબ્દ બહુ જ અગત્યનો છે. આવો આ અંકમાં શ્રદ્ધાના મર્મ અને મહત્ત્વને સમજીએ. શ્રદ્ધાનો એક અર્થ ધીરજ (ધૈર્ય) છે. તેથી પ્રથમ આ અર્થના સંદર્ભે ઉપરોક્ત શબ્દનું મૂલ્યાંકન કરીએ.
આજના માનવીને જાણે ઉતાવળ નામનો મહારોગ લાગુ પડ્યો છે. તરત, તત્ક્ષણ અને તત્કાલના શોરમાં ધૈર્ય નામનું તત્ત્વ જ ખોવાઈ ચુક્યું છે. વળી, ઈન્સ્ટન્ટ ચા, ઈન્સ્ટન્ટ કોફી, ફાસ્ટફૂડ જેવી ખાણી-પીણીએ માનવીય મનોવૃત્તિને પણ એવી ઘડી દીધી છે કે તે પળ પણ થોભવા તૈયાર નથી.
થોડાંક વર્ષો પહેલાં જ ચેન્નઈમાં પૂરરાહત કુપનોનું વિતરણ થતું હતું. તેમાં લાઈનમાં ઊભા રહેલાએ એવી ધક્કામુક્કી મચાવી મૂકી કે પિસ્તાલીસ લોકો માર્યા ગયા. એકવાર ઉત્તર પ્રદેશમાં થઈ રહેલા વસ્ત્રવિતરણમાં લોકોએ કરેલી ઉતાવળે પચાસ જેટલાંનો દમ તોડેલો. મંદિરોમાં પ્રસાદ વહેંચતી વખતે થતી ઉતાવળમાં પગ અને પ્રસાદ બંને કચરાતાં હોય છે. રેલવે-ક્રોસિંગ બંધ હોય ત્યારના દૃશ્યના સાક્ષી આપણે બધા જ છીએ. રોડની ડાબી-જમણી બંને બાજુએ લોકો પોતાનાં વાહનો ઊભા રાખી દે છે. પરિણામે ક્રોસિંગ ખૂલે ત્યારે એવી ભીડ જામે છે કે કોઈ સરળતાથી આગળ વધી શકતું નથી. આમ બનવાનું કારણ નાહકની ઉતાવળ જ હોય છે કે બીજું કાંઈ? આ ઉતાવળ એટલે જ ધીરજનો અભાવ!
આમ, ઉતાવળમાં આંબા તો પાકતા જ નથી, ઉપરથી ગાંઠનું પરિપક્વ ફળ પણ ખોવાનો વારો આવે છે. વાતવાતમાં ધીરજ ખોઈને માણસ કેટલી અવનવી તકલીફો વહોરી લેતો હોય છે તેનું એક સુંદર કથાનક પ્રમુખસ્વામી મહારાજના મુખે ઘણી વાર સંભાળવા મળ્યું છે.
ભૂંડકેરાળા ગામમાં એક ભાઈ કપડાં સીવવાનું કાર્ય કરતો. લવિયો તેનું નામ ! લવિયો જેને ત્યાં કપડાં સીવવા જતો, તે શેઠે તેને રાજી થઈને સરસ કુણાં રીંગણાં આપ્યાં. તે તેણે પત્નીને આપતાં કહ્યું : “જો આ રીંગણાં આવ્યાં છે. હું કામકાજથી પરવારીને આવું ત્યાં સુધી તું હવેજ ભરેલું સુંદર શાક બનાવી રાખજે. આટલું કહીને પત્નીને થેલી થમાવતાં તે ઉપડી ગયો. પત્નીએ આ સમયે આંધણ મૂકી દીધેલાં. તેથી તેણે વિચાર્યું કે, “રીંગણાનું શાક કાલે કરશું. લવિયો પાછો આવ્યો અને સીધો જ ભાણે બેઠો. પણ થાળીમાં રીંગણાનું શાક ન જોયું. કારણ જાણ્યું ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને રાડ નાંખતાં કહ્યું : “મૂઈ ! આના કરતાં તો તું સાંગાભાઈના કૂવામાં ડૂબીને મરી ગઈ હોત તો સારું થાત. હું કહીને ગયો’તો છતાં તે શાક ન કર્યું? તેની પત્નીએ પણ ધીરજ ખોઈ. તે દિવસે તેણે ગળે પથરો બાંધી સાંગાભાઈનો કૂવો સાચેસાચ પૂરી દીધો.
પતિ-પત્નીની સહિયારી ધીરજના અભાવે કલ્લોલતું કુટુંબ અકાળે કડડભૂસ થઈ તૂટી પડ્યું.
આવા વિપરીત સંજોગોમાં જરા ધૈર્યનાં ડગ ભરીએ તો ઘણી હોનારતમાંથી બચી જવાય. સંવાદિતાનું રહસ્ય ધીરજ છે અને વિખવાદનું કારણ ધીરજનો અભાવ છે. ઘરમાં પરસ્પર સંવાદિતા અને સુમેળ હોય તો ગરીબી પણ કઠતી નથી. તે વિના સમૃદ્ધિ પણ સદતી નથી.
ભગવાન સ્વામિનારાયણ કહે છે કે માણસની સાચી પરીક્ષા વિપરીત સંજોગોમાં થાય છે. તે વખતે કોણે કેટલી ધીરજ અને સમજણ છે તે કળાઈ આવે.
સને ૧૯૭૭ માં એકવાર પ્રમુખસ્વામી મહારાજ ન્યૂયોર્કથી દસ માઈલ દૂર સાઉથમાં નુવર્ક શહેરમાં આઈ.વી.ટીલ કોર્ટ બિલ્ડિંગમાં પધરામણીએ ગયા. ૧૪મા માળે લિફ્ટમાં જઈ રહ્યા હતા. આ લિફ્ટમાં છ સંતો હતા અને દસેક યુવકો પણ ભેગા આવવાનો મોહ ટાળી શક્યા નહીં. બટન દબાવતાં બારણું બંધ થયું અને લિફ્ટ બેઝમેન્ટમાં ચાલી ગઈ. બારણું ચોંટી ગયું. કોઈ રીતે ઊઘડે નહીં. સૌ મૂંઝાતા હતા. એક સ્વામીશ્રી ધૈર્યથી ઊભા હતા. તેમણે શાંત ચિત્તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવ્યો. ઇમર્જન્સી બેલ વગાડવામાં આવ્યો. બહાર હરિભક્તો હતા. તે પણ લિફ્ટ ખોલવાની મથામણ કરતા હતા. લગભગ દસ મિનિટ બધા ગૂંગળાયા. બધાને અંતકાળ નજીક દેખાવા લાગ્યો હતો. પછી કેરટેકર આવી જતાં બારણું ઉઘાડ્યું અને બધાએ છુટકારાનો દમ લીધો.
આમ, સ્વામીશ્રીએ આ વિકટ પ્રસંગમાં પણ સૌને શીખવી દીધું કે વિપરીત સંજોગોમાં ઉતાવળ નહિ, ધૈર્યની જરૂર છે.

The post શ્રદ્ધાની અનિવાર્યતા appeared first on બોમ્બે સમાચાર.

[ad_2]

Google search engine