[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કર્ણાટક સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ એટલે કે બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂક્યો ત્યારથી આ મુદ્દો ગાજે છે. મુસ્લિમ સંગઠનોનું કહેવું છે કે, હિજાબ ઈસ્લામનો હિસ્સો છે તેથી તેના પર પ્રતિબંધ ના મૂકી શકાય ને કર્ણાટક સરકારે મૂકેલો હિજાબ પરનો પ્રતિબંધ ખોટો છે. આ મામલે મુસ્લિમ સંગઠનો તથા કેટલીક વિદ્યાર્થિનીઓ કર્ણાટક હાઈ કોર્ટમાં ગઈ હતી પણ ૧૫ માર્ચે કર્ણાટક હાઈ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.
ઉડુપીની સરકારી પ્રી-યુનિવર્સિટી ગર્લ્સ કૉલેજની અમુક મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ ક્લાસમાં હિજાબ પહેરવાની માગ કરી હતી હાઈ કોર્ટે આ અરજી પણ ફગાવી દીધી હતી. હાઈ કોર્ટે પોતાના જૂના આદેશને યથાવત્ રાખતાં કહ્યું હતું કે હિજાબ પહેરવો ઇસ્લામની જરૂરી પ્રથાનો ભાગ નથી. મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની ના પડાય તેના કારણે ભારતના બંધારણની કલમ ૨૫નો ભંગ થતો નથી.
હાઈ કોર્ટના આ ચુકાદાને વિદ્યાર્થિનીઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કર્ણાટક હાઈ કોર્ટના ચુકાદાની સામે ૨૩ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારની દલીલ હતી કે વિદ્યાર્થિઓની સાથે તેઓ ભારતના નાગરિક પણ છે. તેમના માટે ડ્રેસ કોડ લાગુ કરવો એ તેમના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે.
સુપ્રીમ કોર્ટ આ વિવાદનો અંત લાવીને કાયમ માટે આ ટંટાનો નિવેડો લાવી દેશે એવી આશા હતી પણ સુપ્રીમ કોર્ટની બે ન્યાયાધીશની બેંચે અલગ-અલગ મંતવ્ય આપતાં કોકડું ગૂંચવાયું છે અને મામલો હવે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા પાસે પહોંચ્યો છે. આ વિવાદ અંગે નિર્ણય હવે ચીફ જસ્ટિસ યુ.યુ. લલિત કરશે.
આ ચુકાદો આપનારી બેંચના જસ્ટિસ ધૂલિયાએ એવો મત વ્યક્ત કર્યો કે, અત્યારે સૌથી મોટો સવાલ વિદ્યાર્થિનીઓના શિક્ષણનો છે અને તેને પ્રાધાન્ય મળવું જોઈએ તેથી હું કોઈપણ બાબતને કારણે તેમનું શિક્ષણ ના બગડે તેની તરફેણ કરું છું. જસ્ટિસ હેમંત ગુપ્તાએ કર્ણાટક હાઈ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. તેમણે આ ચુકાદા સામે અરજીઓ દાખલ કરનારને ૧૧ સવાલ કર્યા હતા.
આ મતભેદોના કારણે હવે આ કેસ ચીફ જસ્ટિસ પાસે જશે અને ચીફ જસ્ટિસ પોતાની સત્તાનો ઉપયોગ કરીને આ મામલે યોગ્ય નિર્ણય લેશે. આ કેસની સુનાવણી માટે મોટી બેંચની રચના કરવી જોઈએ કે બીજી કોઈ બેંચને કેસ સોંપાશે તેનો નિર્ણય ચીફ જસ્ટિસ કરશે. સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના ચુકાદા પર સ્ટે નથી આપ્યો તેથી હિજાબ પરનો પ્રતિબંધ યથાવત્ રહેશે. કર્ણાટક હાઈ કોર્ટનો હિજાબ પરનો ચુકાદો અમલમાં રહેશે તેથી, શાળા અને કોલેજોમાં હિજાબ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે.
ચીફ જસ્ટિસ હવે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે પણ આ વિવાદ વણજોઈતો છે. કેટલાંક મુસ્લિમ સંગઠનોએ પોતાના સ્વાર્થ માટે આ વિવાદ ખડો કર્યો છે. તેના કારણે મુસ્લિમ વિદ્યાર્થીઓનાં હિત તો જોખમાઈ જ રહ્યાં છે પણ દેશમાં કોમી વિખવાદ પણ પેદા થઈ ગયો છે.
મુસ્લિમ સંગઠનોએ સાવ ફાલતું વાતને મોટી કરીને ઓડનું ચોડ કરી નાંખ્યું છે. નાદાન મુસ્લિમ છોકરીઓને બહાને મુસ્લિમ સંગઠનો પોતાના સ્વાર્થ સાધીને વણજોઈતી ઉપાધિ ઊભી કરી રહ્યાં છે. તેમના ઈશારે મુસ્લિમ છોકરીઓ કોઈપણ કપડાં પહેરવાની બંધારણે આપેલી સ્વતંત્રતાનો મુદ્દો ઉઠાવી રહ્યાં છે એ પણ બકવાસ છે ને હિજાબ પહેરવાની મંજૂરી આપવા માટે જે કારણ આપી રહ્યાં છે એ પણ વાહિયાત છે.
મુસ્લિમ સંગઠનોની દલીલ છે કે તેમના મૂળભૂત અધિકારનો ભંગ થઈ રહ્યો છે. જો કે સંગઠનો કોઈપણ કપડાં પહેરવાના બંધારણે આપેલા મૂળભૂત અધિકારની વાત કરે છે એ વાહિયાત છે. અંગત જીવનમાં દરેક નાગરિકને કોઈ પણ કપડાં પહેરવાનો અધિકાર છે પણ શૈક્ષણિક સંકુલમાં ભણતા હો કે નોકરી કરતા હો ત્યારે એ અધિકાર બાજુ પર મૂકવો પડે. વ્યક્તિ જે સંસ્થા સાથે જોડાયેલી હોય તેના નિયમો પાળવા પડે એ પણ બંધારણમાં સ્પષ્ટ કરાયેલું જ છે.
કર્ણાટકમાં મુસ્લિમ છોકરીઓએ નિયમ પાળવા તૈયાર નહોતી તેમાંથી ડખો શરૂ થયો. તેમના વાદે ચડીને બીજે પણ છોકરીઓએ ડખા કર્યા તેમાં વિવાદ ચગ્યો છે.
આ વાત સાદી સમજની છે કે તમારી ધાર્મિક માન્યતા ગમે તે હોય, તમારે યુનિફોર્મ પહેરવો જ પડે. કૉલેજ યુનિફોર્મ પહેરવાની ફરજ પાડીને કોઈ બંધારણીય અધિકારનો ભંગ નથી કરતી. કર્ણાટક સરકારે ચોક્કસ વો પર પ્રતિબંધ મૂકીને અપરિપક્વતા બતાવી પણ તેનો અર્થ એ નથી જ કે ગમે તે પહેરવાનો અધિકાર મળી જાય. આ સંજોગોમાં મુસ્લિમ સંગઠનોએ મમત છોડવી જોઈએ ને જે કૉલેજ, સ્કૂલ કે શૈક્ષણિક સંસ્થામાં પોતાનાં છોકરાં ભણતા હોય તેના નિયમો પાળવાનું વલણ અપનાવવું જોઈએ.
આ વિવાદના કારણે તોફાનો પણ થયાં છે એ ગંભીર બાબત છે. આ વિવાદની શરૂઆત ૩૧ ડિસેમ્બરે ઉડુપીમાં ગવર્નમેન્ટ પીયુ કૉલેજ ફોર ગર્લ્સમાં છ મુસ્લિમ છોકરીઓએ ક્લાસરૂમમાં હિજાબ પહેરવાની મંજૂરી માંગી તેના કારણે થઈ. કૉલેજનું કહેવું હતું કે, આ છોકરીઓને એડમિશન વખતે જ કહી દેવાયેલું કે, હિજાબ પહેરીને ક્લાસમાં નહીં બેસી શકાય. આ વાત તેમણે સ્વીકારી હતી ને કોઈ વાંધો નહોતો લીધો. હિજાબ પહેરવાની પછી તેમણે મંજૂરી માંગી. મંજૂરી ના મળી એટલે ધાર્મિક માન્યતાનો ઝંડો ઉઠાવીને બેસી ગઈ.
મુસ્લિમ છોકરીઓનો મુદ્દો યોગ્ય છે એવો દેકારો કરીને મુસ્લિમ સંગઠનો કૂદી પડ્યાં. તેની સામે હિંદુવાદી સંગઠનો પણ મેદાનમાં આવી ગયાં. હિદુંવાદી સંગઠનોએ હિંદુ વિદ્યાર્થીઓને છોકરાંને ભગવા ખેસ પહેરીને મોકલવા માંડ્યા તેમાં સંઘર્ષ શરૂ થયો. કૉલેજોએ આ કકળાટને ટાળવા હિજાબ અને ખેસ બંને પર પ્રતિબંધ મૂકી દીધો પણ ત્યાં લગીમાં મોડું થઈ ગયું હતું.
એક કૉલેજમાં હિજાબ પહેરેલી છોકરી સામે ટોળાએ જય શ્રીરામના નારા લગાવ્યા. છોકરીએ પણ વટ પર આવીને સામે અલ્લાહુ અકબર નારા લગાવ્યા એવી ઘટના પણ બની. એક કૉલેજમાં દેશનો તિરંગો ઝંડો ઉતારીને ભગવો ઝંડો ફરકાવાયો એવી ઘટના પણ બની. પથ્થરમારો ને આગ ચાંપવાની ઘટનાઓ પણ બની ને તોફાનો પણ થતાં છેવટે સ્કૂલ-કૉલેજો બંધ કરવી પડી હતી.
આ સ્થિતિ ફરી ના સર્જાય એટલે આ વિવાદનો કાયમી ઉકેલ આવવો જ જોઈએ.

[ad_2]

Google search engine