[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





ગૌતમ અદાણીએ ઈતિહાસ રચ્યો

મુંબઇ: ગૌતમ અદાણી આજે વિશ્ર્વમાં બીજા નંબરની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. હવે દુનિયાના ટોપ-૧૦ અબજપતિઓની યાદીમાં ઈલોન મસ્ક પછી ગૌતમ અદાણી આવે છે. ‘ફોર્બ્સ’ના રિયલ ટાઈમ બિલ્યોનેર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણીએ આ સ્થાન બર્નાર્ડ અર્નોલ્ટને પાછળ રાખીને મેળવ્યું છે. ‘ફોર્બ્સ’ની યાદીમાં પ્રથમ વખત ધનિક વ્યક્તિઓની યાદીમાં બીજા નંબરે આવીને ગૌતમ અદાણીએ ઈતિહાસ સર્જ્યો છે. જોકે બ્લૂમબર્ગ બિલ્યોનેર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી આજે પણ ત્રીજા નંબરે છે.
ફોર્બ્સ રિયલ ટાઈમ બિલ્યોનેર ઈન્ડેક્સ પ્રમાણે આજે બપોર સુધીમાં અદાણીની સંપત્તિમાં કુલ ૫.૫ અબજ ડૉલરનો વધારો થયો હતો. હવે તેઓ ૧૫૫.૭ અબજ ડૉલર (રૂ.૧૨.૩૪ લાખ કરોડ) સાથે દુનિયાના બીજા નંબરના અબજપતિ બની ગયા છે. તેમની આગળ પહેલા નંબરના સ્થાને હવે માત્ર એલન મસ્ક છે. જોકે ગૌતમ અદાણી થોડા કલાકો માટે આ સ્થાન પર રહ્યા હતા. તેમની પાસે ૨૭૩.૫ અબજ ડૉલરની સંપત્તિ છે. અદાણી પછી ત્રીજા નંબરે બર્નાર્ડ અર્નોલ્ટ ૧૫૫.૨ અબજ ડૉલરની નેટવર્થ સાથે ત્રીજા નંબરે છે. રિલાયન્સના ચૅરમૅન મુકેશ અંબાણીની વાત કરીએ તો તેઓ આ લિસ્ટમાં ૯૨.૬ અબજ ડૉલર સાથે આઠમા નંબરે છે.
ગૌતમ અદાણી એ પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક છે અને અદાણી ગ્રૂપમાં ઊર્જા, બંદરો અને લોજિસ્ટિક્સ, ખાણકામ અને સંસાધનો, ગૅસ, સંરક્ષણ અને એરોસ્પેસ અને એરપોર્ટ જેવા વ્યવસાયો સાથે સાત જાહેરમાં લિસ્ટેડ કંપનીનો સમાવેશ થાય છે. અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, અદાણી પાવર, અદાણી ટોટલ ગૅસ અને અદાણી ટ્રાન્સમિશન છે.
છેલ્લાં પાંચ વર્ષમાં ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે નવા વૃદ્ધિ ક્ષેત્રોમાં ભારે રોકાણ કર્યું છે, જેમાં એરપોર્ટ, સિમેન્ટ, કોપર રિફાઇનિંગ, ડેટા સેન્ટર્સ, ગ્રીન હાઇડ્રોજન, પેટ્રોકેમિકલ રિફાઇનિંગ, રોડ અને સોલાર સેલ મેન્યુફેક્ચરિંગનો સમાવેશ થાય છે. તાજેતરમાં ગ્રુપે ઓડિશામાં ૪.૧ એમટીપીએ સંકલિત એલ્યુમિના રિફાઇનરી અને ૩૦ એમટીપીએ આયર્ન ઓર બેનિફિશિયેશન પ્લાન્ટ સ્થાપવાની યોજનાની પણ જાહેરાત કરી હતી, જેનો ખર્ચ રૂ.૫૮૦ બિલ્યનથી વધુ થઈ શકે છે. તેમના જૂથે ગ્રીન એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૭૦ બિલ્યન અમેરિકન ડૉલરના રોકાણની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે.
———-
અદાણીએ અંબુજા સિમેન્ટસ, એસીસી હસ્તગત કરી
નવી દિલ્હી: અદાણી પરિવારે શુક્રવારે કહ્યું કે અંબુજા સિમેન્ટસ અને એસીસી લિમિટેડ કંપની હસ્તગત કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ભારતમાં સિમેન્ટ ક્ષેત્રે અદાણી જૂથ હવે બીજા ક્રમે છે, જ્યારે અલ્ટાટ્રેક પ્રથમ ક્રમે છે. અદાણી પરિવારે તેમના સ્પેશિયલ પર્પઝ વેહિકલ (એસપીવી – વિશેષ હેતુથી રચાયેલી કંપની) એન્ડેવર ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ દ્વારા સ્વિટઝરલેન્ડની હોલસિમ કંપની સાથેનું ટ્રાન્ઝેક્શન પૂર્ણ કર્યું છે. અદાણી પરિવારે એક નિવેદનમાં કહ્યું કે અંબુજા અને એસીસીમાં હોલસિમનો હિસ્સો હસ્તગત કરવામાં આવ્યો હતો. સેબીના નિયમો અનુસાર બંને કંપનીમાં ઓપન ઓફર આપવામાં આવ્યા પછી ટ્રાન્ઝેકશન પૂર્ણ થયું હતું.
હોલસિમના હિસ્સા અને બંને કંપનીમાં ઓપન ઓફરની રકમનું મૂલ્ય ૬.૫૦ અબજ ડૉલર છે.
અદાણી દ્વારા હસ્તગત કરવાનો આ સૌથી મોટો સોદો થયો છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મટીરિયલ્સ ક્ષેત્રે ભારતનું સૌથી મોટું મર્જર ઍન્ડ એક્વિઝિશન છે તેવું અદાણી ફેમિલીએ એક નિવેદનમાં કહ્યું હતું.
હવે અંબુજા સિમેન્ટમાં અદાણીનો હિસ્સો ૬૩.૧૫ ટકા અને એસીસીમાં ૫૬.૬૯ ટકા હિસ્સો થશે. ભારતમાં વિકાસનો ઘણો અવકાશ હોવાથી સિમેન્ટ ક્ષેત્રમાં બિઝનેસની ખૂબ સારી તક છે. અન્ય દેશની સરખામણીમાં વિકાસના ક્ષેત્રે વર્ષ ૨૦૫૦ પછી પણ ભારત ધમધમતું રહેશે તેવું અદાણીએ કહ્યું હતું. હાલમાં અંબુજા સિમેન્ટ અને એસીસી બંને મળીને ૬૭.૫ એમટીપીએ (મિલિયન ટન પર ઍનમ) ઈન્સ્ટોલ્ડ કેપેસિટી ધરાવે છે. અલ્ટ્રાટેક કંપનીની ઈન્સ્ટોલ્ડ કેેપેસિટી ૧૦૦ એમટીપીએથી વધુ છે.



Post Views:
15




[ad_2]

Google search engine