[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

આપણે ત્યાં કેટલાક નમૂના એવા છે કે જે કોઈપણ વાતને કોમવાદના ચશ્માંથી જ જોવા માટે ટેવાયેલા છે. દરેક વાતને હિંદુ વર્સીસ મુસ્લિમ એંગલ આપવાની કૂવામાંના દેડકા જેવી સંકુચિત અને હલકી માનસિકતામાંથી એ લોકો બહાર જ આવી શકતા નથી. આ હલકી માનસિકતાનો નાદાર નમૂનો આવતા મહિને રમાનારા ટી-૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી અંગે મોહમ્મદ તૌસિફ આલમે કરેલી કોમેન્ટ છે. તૌસિફે આડકતરીરીતે એવું કહી દીધું છે કે, મોહમ્મદ સિરાજ, ખલિલ અહમદ અને મોહમ્મદ શમીને મુસલમાન હોવાથી ભારતીય ટીમમાં નથી લેવાયા અને પક્ષપાત કરાયો છે, અન્યાય કરાયો છે.
મોહમ્મજદ તૌસિફ આલમ સાહેબ બિહારમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા છે, બિહારના કિશનગંજ જિલ્લાની બહાદુરગંજ વિધાનસભા બેઠકના ભૂતપૂર્વ ધારાસભ્ય છે. આ મોહમ્મદ તૌસિફ આલમે ટી-૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સામે નારાજગી વ્યક્ત કરી છે. કોઈપણ ક્રિકેટ ચાહકને કે સામાન્ય નાગરિકને પણ ટી-૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સામે નારાજગી વ્યક્ત કરવાનો અધિકાર છે જ ને તેનો ઈન્કાર ના થઈ શકે પણ તૌસિફ સાહબની નારાજગી એટલા માટે કઠે છે કે તેમણે ટી-૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ક્રિકેટ ટીમની પસંદગીની વાતને હિંદુ-મુસલમાનનો એંગલ આપી દીધો છે.
તૌસિફ આલમે ટી-૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરનારા પસંદગીકારો સામે જોરદાર નારાજગી વ્યક્ત કરી ટીમની પસંદગીને અંગે સવાલ ઉઠાવ્યા છે. તૌસિફ આલમે ફેસબુક પર લખ્યું છે કે, સોમવારે ટી-૨૦ વિશ્ર્વકપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી થઈ. પસંદગીકારોના નિર્ણયથી હું હેરાન છું. મોહમ્મદ શમી, સિરાજ, ખલીલ જેવા ખેલાડીઓને બેસાડી દેવાયા તેના કારણે મને આશ્ર્ચર્ય થયું. હવે હું ત્યાં સુધી ક્રિકેટ જોઈશ નહીં જ્યાં સુધી ભારતીય ટીમમાં નિષ્પક્ષ પસંદગી ન થાય.
મોહમ્મદ તૌસિફ ક્રિકેટ મેચ જુએ કે ના જુએ તેનાથી કોઈને કંઈ ફરક પડતો નથી. તેનાથી નથી આ દેશનાં કરોડો લોકોને ફરક પડવાનો કે નથી આ દેશ માટે ક્રિકેટરોને ફરક પડવાનો તેથી તૌસિફ ક્રિકેટ ના જુએ તેનો ખરખરો કરવા જેવો નથી કે અફસોસ કરવા જેવો પણ નથી પણ તેમણે જે વાત કરી છે એ બહુ ગંભીર છે. આ દેશમાં રહેનારો એક મુસ્લિમ આગેવાન, આ દેશમાં જનપ્રતિનિધિ રહી ચૂકેલો ટોચનો નેતા આવી વાત કરે એ સાંભળીને ખરેખર આઘાત લાગે છે.
મોહમ્મદ તૌસિફના બકવાસના કારણે ઉહાપોહ થયો એ પછી તેમણે વાતને વાળવા એક વેબસાઇટને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, મારો કહેવાનો મતલબ એ હતો કે ટીમની ખોટી પસંદગી થઈ છે. મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને ખલીલ અહમદની સાથે બીજા પણ ઘણા ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાં હોવા જોઈતા હતા. આપણી ટીમને એશિયા કપમાં હાર મળી તેમાંથી શીખવાનું હતું. હવે આપણી સામે ટી-૨૦ વિશ્ર્વકપ છે અને ભારતની લડાઈ દુનિયા સામે છે. જો ભારતીય ટીમ હારે તો આપણે પણ હારીએ છીએ. મને લાગ્યું કે ખોટું સિલેક્શન થયું અને તેના પર વિચાર થવો જોઈએ.
તૌસિફ વાતને વાળવા હવે ગમે તે કહે ને બીજા ખેલાડીઓને પણ ટીમમાં લેવા જોઈતા હતા એવી ચોખવટો ભલે કરે પણ તેમણે પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના ત્રણ મુસ્લિમ ખેલાડીઓની જ વાત કરી હતી. એ વખતે તેમનો ઈરાદો મુસ્લિમોને અન્યાય થાય છે એવું કહેવાનો જ હતો એ સ્પષ્ટ છે. પોતાના રાજકીય ફાયદા માટે એ મુસ્લિમ કાર્ડ જ રમતા હતા કેમ કે રાજકીયરીતે પોતાનું અસ્તિત્વ ટકાવવા એ હવાતિયાં મારી રહ્યા છે.
મોહમ્મદ તૌસિફ એક સમયે બિહારમાં કૉંગ્રેસનો મુસ્લિમ તહેરો મનાતા હતા. બહાદુરગંજ વિધાનસભા બેઠક પરંપરાગતરીતે મુસ્લિમ મતદારોની બેઠક છે અને આ બેઠક પર વરસોથી મુસ્લિમ ઉમેદવાર જ જીતે છે. બિહારમાં કૉંગ્રેસ ક્યારનીય પતી ગઈ છે પણ કેટલાક નેતાઓએ પોતાનો દબદબો જાળવી રાખેલો. મોહમ્મદ તૌસિફ આલમ તેમાંથી એક છે. તૌસિફ સળંગ ચારવાર આ બેઠક પરથી જીત્યા છે. પહેલીવાર અપક્ષ તરીકે જીતેલા તૌસિફ પછી કૉંગ્રેસમાં જોડાયેલા ને કૉંગ્રેસની ટિકિટ પર સળંગ ત્રણ વાર જીત્યા.
વિધાનસભાની છેલ્લી એટલે કે ૨૦૨૦ની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમના ઉમેદવાર મોહમ્મદ અંઝાર નયીમી સામે તૌસિફ બહુ ખરાબ રીતે હારી ગયેલા. સળંગ ચારવાર જીતનારા તૌસિફ ૫૫ હજાર કરતાં વધારે મતે હારેલા એ તો ઠીક પણ છેક ત્રીજા નંબરે આવેલા. આ કારણે તેમના રાજકીય અસ્તિત્વ સામે ખતરો છે તેથી મુસ્લિમોને રીઝવવા મથ્યા કરે છે. તેના ભાગરૂપે તેમણે આ વરસના ફેબ્રુઆરીમાં એવો લવારો કરેલા કે, લતા મંગેશકર તો મુસ્લિમ બની ગયાં હતાં.
આ વરસના ફેબ્રુઆરીમાં સ્વર કોકિલા ભારતરત્ન સ્વર્ગીય લતા મંગેશકરના નિધન બાદ શ્રદ્ધાંજલિ આપતી એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, છેલ્લે છેલ્લે લતા મંગેશકર મુસ્લિમ બની ગયા હતા. આ પોસ્ટ પર પણ ખુબ વિવાદ થયો હતો અને છેવટે તૌસિફે માફી માંગવી પડી હતી. આ વખતે તેમણે માફી નથી માંગી પણ સ્પષ્ટતાઓ તો કરવી જ પડી છે.
ભારતીય ક્રિકેટ ટીમની પસંદગીમાં લાગવગશાહી ચાલે છે અને ખોટા ક્રિકેટરો પસંદ થાય છે એવી ઘણા ક્રિકેટ ચાહકોની લાગણી છે પણ તેને કોઈના મુસ્લિમ હોવા સાથે કંઈ લેવાદેવા નથી. ભારતીય ક્રિકેટ પર અત્યારે જે ટોળીનું રાજ છે તેને રોહિત શર્મા ને કે.એલ. રાહુલ જેવા ટીમને મોટી ટુર્નામેન્ટ નહીં જીતાડી શકતા કે ખરા ટાણે જ નહીં રમી શકતા ખેલાડીઓ વધારે ગમે છે. તેના કારણે મોહમ્મદ સિરાજ કે ખલીલ અહમદ જ નહીં પણ બીજા ઘણા ક્રિકટરોને અન્યાય થાય છે. એ બધા મુસ્લિમ નથી પણ બોર્ડ પર ચડી બેઠેલી ગેંગના માનીતા પણ નથી તેથી ટીમમાં નથી આવતા. મોહમ્મદ શમીની સાથે શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચહરને ટીમમાં લેવાના બદલે રીઝર્વ પ્લેયર તરીકે લેવાયા છે. આ ત્રણેય ખેલાડી હિંદુ છે છતાં ટીમમાં નથી કેમ કે બોર્ડના કારભારીઓના માનીતા નથી. આ લાગવગશાહીની કિંમત ટીમ હારીને ચૂકવે છે.



Post Views:
231




[ad_2]

Google search engine