[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં ધર્મના નામે કેવાં ધતિંગ ચાલે છે તેનો વધુ એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ નરેન્દ્ર ગિરિનું બરાબર એક વરસ પહેલાં રહસ્યમય સંજોગોમાં મોત થયેલું. અયોધ્યામાં અખાડા પરિષદનું હેડક્વાર્ટર છે પણ પ્રયાગરાજમાં બાઘંબરી મઠ નામે મોટો આશ્રમ છે. નરેન્દ્ર ગિરી બાઘંબરી મઠમાં રહેતા હતા. આ મઠના રૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં ગિરિની લાશ મળી આવી હતી.
મહંતનું મૃત્યુ કેવી રીતે થયું એ હજુ સસ્પેન્સ જ છે. ઉત્તર પ્રદેશ પોલીસ આ સત્ય ના શોધી શકતાં તપાસ સીબીઆઈને સોંપાઈ છે. બાઘંબરી મઠના હાલના મહંત બલવીર ગિરિએ રૂમ ખોલવા માટે કોર્ટમાં અરજી કરી હતી. બલવીરે કોર્ટને વિનંતી કરી હતી કે, મઠમાં પહેલા માળે આવેલા મહંતના રૂમને ખોલવાની મંજૂરી આપવામાં આવે. કોર્ટે આ મંજૂરી માન્ય રાખતાં સીબીઆઈની ટીમે પ્રયાગરાજના અલ્લાપુરના મઠ બાઘંબરી ગદ્દી પહોંચીને જે રૂમમાંથી મહંતનો મૃતદેહ મળ્યો હતો તેનું તાળું ખોલાવીને તપાસ કરી તો જે મળ્યું એ જોઈને સીબીઆઈના અધિકારી પણ દંગ રહી ગયા.
મહંતના રૂમમાંથી ૩ કરોડ રૂપિયા રોકડ, ૫૦ કિલોગ્રામ સોનું અને હનુમાનજીનો સોનાનો મુગટ, કડા મળી આવ્યાં આ બધું એક લોખંડની તિજોરીમાં રાખવામાં આવ્યું હતું. આ સાંભળીને આઘાત લાગ્યો હોય તો હજુ મુખ્ય વાત સાંભળવાની બાકી છે. મહંતના રૂમમાંથી કરોડોની સંપત્તિના દસ્તાવેજ અને ૯ ક્વિન્ટલ દેશી ઘી પણ મળી આવ્યું.
મહંતનું મૃત્યુ પહેલેથી વિવાદાસ્પદ હતું ને તેમાં જાતજાતના ટ્િિવસ્ટ આવ્યા હતા. બાઘંબરી મઠના રૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં ગિરિની લાશ મળી આવી ત્યારે તેમના ગિરિના મૃતદેહ પાસેથી આઠ પાનાંની એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ સુસાઈડ નોટમાં નરેન્દ્ર ગિરિએ ત્રણ લોકોને પોતાના મોત માટે જવાબદાર ગણાવ્યા હતા. મહંતના શિષ્ય આનંદ ગિરિ ઉપરાંત આદ્યા તિવારી અને સંદીપ તિવારીનો મહંતે ઉલ્લેખ કર્યો હતો.
આદ્યા તિવારી અખાડા પરિષદની માલિકીના પ્રયાગરાજના લેટે હનુમાનજી મંદિરના મુખ્ય પૂજારી હતા. સંદીપ તિવારી આદ્યા પૂજારીનો દીકરો છે. મહંત નરેન્દ્ર ગિરિએ પોતાના મોત પહેલાં પોતાના મોબાઇલથી ચાર મિનિટનો એક વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો પણ પોલીસને હાથ લાગ્યો. વીડિયોમાં મહંતે પોતાને બ્લેકમેઈલ કરાતા હતા એવો સંકેત આપ્યો હતો. આ સુસાઈડ નોટના કારણે મહંતે આપઘાત કર્યો નથી પણ હત્યા કરાઈ છે એવું કોરસ શરૂ થઈ ગયું હતું.
આ ડ્રામા ઓછો હોય તેમ પોલીસની તપાસમાં બીજાં નવા નવા રહસ્યો બહાર આવવા માંડેલાં. યુપી પોલીસે ભારે સ્ફૂર્તિ બતાવીને સુસાઈડ નોટમાં જેમનાં નામ હતાં ત્રણેયને ઝડપી લીધા ત્યારે એવો ધડાકો થયો હતો કે, મહંત પોતાની સહી જ માંડમાંડ કરતાં શીખેલા. મહંતને સહી કરતાં માંડ આવડ્યું હોય ત્યાં આઠ પાનાંની સુસાઈડ નોટ તેમણે કઈ રીતે લખી એ સવાલ ઊભો થઈ ગયેલો.
યુપી પોલીસે આ સવાલોને અવગણીને તપાસ ચાલુ રાખી ત્યાં મહંતનો ઓટોપ્સી રિપોર્ટ આવ્યો તેમાં ગળે ફાંસો ખાવાથી શ્ર્વાસ રુંધાવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું તેથી પોલીસ ગૂંચવાઈ ગઈ હતી. પોલીસ હત્યાની તપાસ કરે કે આપઘાતનો કેસ માનીને વીંટો વાળી દે એ ધર્મસંકટ ઊભું થઈ ગયું હતું. આ ધર્મસંકટમાંથી નિકળવા યોગી આદિત્યનાથ સરકારે સીબીઆઈને તપાસ સોંપીને હાથ ખંખેરી નાંખ્યા હતા.
સીબીઆઈની તપાસ ચાલુ થઈ ત્યાં જ સીડીનો નવો ફણગો ફૂટ્યો હતો. નરેન્દ્ર ગિરિને એક સીડી દ્વારા બ્લેકમેઈલિંગ કરાતા હતા એવી વાત બહાર આવી હતી. આ સીડી શાની હતી એ મોટું રહસ્ય છે. ગિરિને સેક્સ સીડી મારફતે બ્લેકમેઈલ કરાતા હતા કે પછી બીજા કોઈ અવળા ધંધાના કારણે તેમને દબાવાતા હતા એ એક વરસ પછી પણ હજુ બહાર આવ્યું નથી પણ આ કાંડમાં અખિલેશ સરકારમાં મંત્રી ઈન્દુ પ્રકાશ મિશ્રાનું નામ પણ ચગ્યું હતું. આ સિવાય ગિરિના ડૉક્ટર યુબી યાદવ અને સુશીલ મિશ્રા નામનાં બે પાત્રોનાં નામ પણ બહાર આવ્યાં હતાં.
સીબીઆઈએ સ્પષ્ટ વાત નહોતી કરી પણ સીબીઆઈના નામે જે વાતો બહાર આવી તેમાં પાછા નવા ધડાકા થયા હતા. નરેન્દ્ર ગિરીના મોત માટે તેમના મુખ્ય શિષ્ય મનાતા આનંદ ગિરિને જેલભેગો કરી દેવાયો પછી જે વાતો બહાર આવી એ પ્રમાણે ગુરુ-શિષ્ય વચ્ચે ડખો હતો. અખાડા પરિષદ પાસે અયોધ્યા અને પ્રયાગરાજમાં મઠ છે જ પણ હિંદુઓનાં મોટાં ધર્મસ્થોનામાં પણ તેની પાસે મોટી સંપત્તિ છે. અખાડા પરિષદ પાસે કુલ એક હજાર કરોડની આસપાસ સંપત્તિ હોવાનું કહેવાય છે. આ સંપત્તિના વિવાદમાં ગુરુ-ચેલા ઝઘડ્યા ને ચેલો ગુરુને બ્લેકમેઈલ કરવા માંડ્યો હતો એવું કહેવાતું હતું.
આ બધાંના કારણે નરેન્દ્ર ગિરિ ખરેખર સાધુ હતા કે પછી સાધુ હોવાનો ઢોંગ કરતા હતા એ સવાલ થવા માંડેલો ત્યાં સીબીઆઈની તપાસમાં મળેલા દલ્લાને કારણે તો ગિરિને સાધુ કહેવામાં પણ શરમ આવે છે. ગિરિ દેખાવ ખાતર જ સાધુ હતા, બાકી એ હિંદુત્વના નામે ગોરખધંધા ચલાવતા હતા એ સ્પષ્ટ છે. એ સિવાય જેણે સંસારનો ત્યાગ કર્યો છે તેને ૩ કરોડ રૂપિયા રોકડા, ૫૦ કિલો સોના ને કરોડોની સંપત્તિની શું જરૂર? શા માટે કરોડો રૂપિયાની સંપત્તિ પોતાના રૂમમાં દબાવીને આ માણસ બેઠો હતો? પોતાના રૂમમાં ૯૦૦ કિલો દેશી ઘી શું કરવા ભરી રાખેલું?
કમનસીબે જેમના નામે ગિરિ જેવા લોકો આવી અઢળક સંપત્તિ ભેગી કરીને તેના પર સાપ થઈને બેસે છે એ હિંદુઓમાં આ બધું પૂછવાની હિંમત નથી. હિંદુઓ માનસિક રીતે એટલા પાંગળા થઈ ગયા છે કે, પોતાના ધર્મનો દુરુપયોગ કરનારાં સામે બોલવાની પણ તેમની હિંમત નથી. એ લોકો ચૂપચાપ તમાશો જોયા કરે છે ને ધર્મના નામે ચાલતાં બધાં ધતિંગને ચાલવા દે છે. હિંદુઓમાં બહુમતી વર્ગ પોતાના ધર્મના નામે ચાલતા ગોરખધંધા સામે બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી રહે છે ને ફિલ્મ સ્ટાર્સ સામે તેમની મર્દાનગી ઉછાળ મારવા માંડે છે.



Post Views:
305




[ad_2]

Google search engine