[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

કસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજએ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાય ત્યારે દરેક ક્રિકેટ દર્શક જોરદાર રોમાંચની આશા રાખતો હોય છે પણ દરેક વખતે ધારીએ એવો રોમાંચ નથી મળતો. ગુજરાતીમાં જેને કહીએ ને કે શ્ર્વાસ થંભી જાય એવી મેચ માણવાની તક દરેકવાર નથી મળતી પણ રવિવારે ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ટી-૨૦ વર્લ્ડકપની ભારત-પાકિસ્તાન મેચે એવી તક આપી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી ઘણી યાદગાર મેચ રમાઈ છે પણ રવિવારની મેચમાં જે ચડાવ ઉતાર જોવા મળ્યા એવા બહુ ઓછી મેચમાં જોવા મળ્યા છે.
એક ભારતીય તરીકે આપણને મજા એ વાતની આવી ગઈ કે, આપણે સાવ હારી ગયેલી મેચને પાકિસ્તાનના જડબામાંથી ખેંચી લાવ્યા ને અકલ્પનિય વિજય મેળવ્યો. રવિવારે કાળી ચૌદશ હતી પણ આપણા માટે પાકિસ્તાન સામેની જીત પછી રવિવારે જ દિવાળી થઈ ગઈ. છેક છેલ્લા બોલે આપણે જે રીતે જીત્યા એ જોઈને ખરેખર જલસો થઈ ગયો. છેલ્લી ઓવરમાં ૧૬ રન કરવાના હતા ને આપણી બે વિકેટો પડી ગઈ છતાં આપણે જીત મેળવી તેનાથી વધારે થ્રીલીંગ શું હોય? આ મેચમાં વિરાટ કોહલીએ જે બેટિંગ કરી તેના પર પણ ભારતીય ક્રિકટ ચાહકો આફરિન થઈ ગયા છે.
ભારત-પાકિસ્તાનની આ મેચમાં શ્ર્વાસ અધ્ધર કરી નાંખે એવી પળો છેલ્લી બે ઓવરો જ હતી ને તેમાં પણ છેલ્લા આઠ બોલમાં જે ડ્રામા થયો એ જોઈને કાચાપોચાનાં તો હૃદય જ બેસી જાય. છેલ્લી બે ઓવરમાં ભારતે જીતવા માટે ૩૧ રન કરવાના હતા. ભારતે ૧૮ ઓવરમાં ૧૨૯ રન કરેલા એ જોતાં છેલ્લી બે ઓવરમાં ૩૧ રન કરવા અઘરા લાગતા હતા. બોલિંગ પાછી છ ફૂટ ઊંચા ફાસ્ટ બોલર હેરિસ રઉફને અપાઈ કે જેણે ૩ ઓવરમાં ૨૧ જ રન આપેલા. રઉફે આ નિર્ણયને સાચો ઠેરવીને પહેલા ચાર બોલમાં ૩ જ રન આપતા આપણી જીતની આશા મરી પરવારેલી.
વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા બંને જામેલા બેટ્સમેન પણ રન નહોતા લઈ શક્યા એ જોતાં સૌને થઈ જ ગયેલું કે, આ મેચ આપણા હાથમાંથી ગઈ. રઉફની બોલિંગ જોતાં ૮ બોલમાં ૨૮ રન કરવા શક્ય જ નહોતા લાગતા પણ એ પછી જે બન્યું એ યાદ કરીને હજુય રુવાડાં ખડાં થઈ જાય છે. વિરાટે છેલ્લા બે બોલમાં બે સિક્સર ફટકારીને રઉફને તો ઠંડો કરી નાંખ્યો પણ ભારતીય ક્રિકેટ ચાહકોમાં પાછી ગરમી લાવી દીધી.
જો કે અસલી ડ્રામા એ પછી થયો. પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને સ્પિનર મોહમ્મદ નવાઝને બોલિંગ આપીને આશ્ર્ચર્ય સર્જેલું. ભારતે છ બોલમાં ૧૬ રન કરવાના હતા ને સ્પિનર સામે એ ટાર્ગેટ શક્ય લાગતો હતો પણ નવાઝે પહેલા જ બોલે હાર્દિક પંડ્યાને આઉટ કરીને સોપો પાડી દીધો હતો. નવા આવેલા દિનેશ કાર્તિક પહેલા બોલે રન લઈને વિરાટને સ્ટ્રાઈક આપી પછી ફરી આશા જાગેલી પણ વિરાટે ત્રીજા બોલે બે જ રન ફરી લેતાં આશા મરી પરવારેલી. ત્રણ બોલમાં ૧૩ રન કરવાના હતા તેથી હાર પાકી લાગતી હતી ને ત્યારે જ જબરદસ્ત ડ્રામા થયો.
નવાઝે ચોથો બોલ ફુલટોસ નાંખ્યો ને અંપાયરે કમરની ઉપર ફુલ ટોસ હોવાથી નો બોલ આપ્યો. બાકી હતું કે વિરાટે સિક્સર ઠોકી દીધી તેમાં ભારતે ૩ બોલમાં છ રન કરવાના થઈ ગયા. અંપાયરે નો બોલ આપ્યો તેમાં બાબર આઝમે તો અંપાયર સાથે જીભાજોડી કરી નાંખી. ચોથો બોલ વાઈડ ગયો તેથી ફરી નાંખેલા બોલમાં નવાઝે કોહલીને ક્લિન બોલ્ડ કરી નાંખ્યો પણ ફ્રી હીટ હતી. બોલ સ્ટમ્પને અથડાઈને દૂર ગયો તેમાં કોહલી-કાર્તિક ત્રણ રન દોડી જતાં છેલ્લા બે બોલમાં ૨ જ રન કરવાના રહી ગયા.
જો કે પિક્ચર અભી બાકી હતું. પાંચમા બોલે કાર્તિક આઉટ થતાં અશ્ર્વિન મેદાનમાં આવ્યો. અશ્ર્વિન છેલ્લા બોલે બે રન કરી શકશે કે કેમ તેમાં શંકા હતી ત્યાં નવાઝે ફરી વાઈડ નાંખતાં મેચ ટાઈ થઈ ગઈ. અશ્ર્વિનને છેલ્લા બોલે સાત ફિલ્ડરો ઘેરીને ઊભા રહી ગયેલા પણ અશ્ર્વિને ઠંડા કલેજે શોટ ફટકારીને જીતાડી દીધા ને દિવાળી સુધારી દીધી.
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં છેલ્લા ગણતરીના બોલમાં મેચ પલટાઈ જાય તેની નવાઈ નથી પણ આવો જોરદાર રોમાંચ બહુ ઓછી મેચમાં જોવા મળે. આ રોમાંચ સાથે ભારતની જીત જોડાયેલી હોવાથી રોમાંચ બેવડાઈ ગયો છે. ભારત બહુ ઓછી મેચો આ રીતે જીત્યું છે ને તેમાં પણ પાકિસ્તાન સામે જીત્યું છે તેથી રોમાંચ ચાર ગણો થઈ ગયો છે.
દિવાળીના આગલા દિવસે ભારતને દિવાળી કરાવવાનું શ્રેય વિરાટ કોહલીને જાય છે તેમાં શંકા નથી. વિરાટ કોહલીની ‘વિરાટ’ ઇનિંગના સહારે જ પાકિસ્તાનને ભારત રસાકસીભરી મેચમાં ૪ વિકેટે હરાવી શક્યું, બાકી રોહિત શર્મા, કે.એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ ને અક્ષર પટેલે કાઢેલા વરઘોડાને જોતાં આપણી જીત શક્ય જ નહોતી લાગતી. આપણા ગુજરાતી હાર્દિક પંડ્યાને પણ જશ આપવો જોઈએ કેમ કે તેણે વિરાટની સાથે મળીને આપણા વહાણને સ્થિરતા આપી.
ભારતે શરૂઆતમાં જ ૩૧ રનમાં ને સાતમી ઓવરમાં જ ૪ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે જ મેચ હાથથી જતી રહેલી ને આપણ દિવાળી બગડશે એવું લાગતું હતું. આવી ખરાબ પરિસ્થિતિમાં હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીએ ભારતની ઇનિંગને સંભાળી હતી. બંનેએ સેન્ચુરીની પાર્ટનરશિપ કરીને જીતનો પાયો નાંખ્યો ને તેમાં હાર્દિકે ૩૭ બોલમાં ૪૦ રન કરીને સારું યોગદાન આપ્યું. જો કે મેચનો અસલી હીરો તો કિંગ કોહલી જ કહેવાય કે જેણે છેલ્લા આઠ બોલમાં ત્રણ સિક્સર ફટકારીને મેચને ભારતની તરફેણમાં લાવી દીધી. વિરાટે ૫૩ બોલમાં ૮૨ રનની ’ગ્રેટેસ્ટ ઇનિંગ’ રમી છે. તેની આ ક્લાસિક ઇનિંગમાં ૬ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકારીને કોહલીએ પાકિસ્તની બોલરોનાં છોતરાં ફાડી નાખ્યાં.
વિરાટે એકલા હાથે ટીમને જીતાડીને ગયા વર્લ્ડ કપની હારનો બદલો લીધો છે ને આ વર્લ્ડ કપ જીતી શકાય છે એવી આશા બંધાવી છે.

[ad_2]

Google search engine