[ad_1]

રોકાણકારોની સંપત્તિમાં ₹ ૬.૧૮ લાખ કરોડનું ધોવાણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ભારે વધારો કરવામાં આવતા આગામી વર્ષ ૨૦૨૩માં અમુક દેશો આર્થિક મંદીની ગર્તામાં સરી જશે, એવી ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રવક્તા ગેરી રાઈસે ચિંતા વ્યક્ત કરતાં આજે વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં ગાબડાં પડતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સતત ત્રીજા સત્રમાં પીછેહઠની હેટ-ટ્રિક જોવા મળતાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ૧૦૯૩.૨૨ પૉઈન્ટનાં ગાબડાં સાથે ૫૮,૮૪૦.૭૯ની સપાટીએ બંધ રહ્યો હતો તેમ જ આજે બીએસઈ ખાતે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૬.૧૮ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું હતું તેમજ આજે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ૩૪૬.૫૫ પૉઈન્ટનાં ગાબડાં સાથે ૧૭,૫૩૦.૮૫ની સપાટીએ બંધ રહ્યો હતો.
અત્રે નોંધનીય બાબત એ છે કે છેલ્લાં ત્રણ સત્રમાં સેન્સેક્સમાં ૨.૮૫ ટકા અથવા તો ૧૭૩૦.૨૯ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૫૩૯.૨૦ પૉઈન્ટનો ઘટાડો થયો છે તેમ જ આજે બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૬,૧૮,૫૩૬.૩ કરોડ ઘટીને ૨,૭૯,૬૮,૮૨૨.૦૬ કરોડની સપાટીએ રહ્યું હતું. જોકે, છેલ્લાં ત્રણ સત્રમાં બીએસઈ ખાતે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭,૦૨,૩૭૧.૮૮ કરોડનું ધોવાણ થયું છે.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી માત્ર એક જ ઈન્ડ્સઈન્ડના શૅરના ભાવમાં ૨.૬૩ ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાયના તમામ ૨૯ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા જેમાં સૌથી વધુ ૪.૫૧ ટકાનો ઘટાડો અલ્ટ્રાટેક સિમેન્ટમાં આવ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે ટેક મહિન્દ્રામાં ૪.૪૫ ટકા, ઈન્ફોસિસમાં ૩.૬૯ ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૩.૫૮ ટકાનો, વિપ્રોમાં ૩.૧૯ ટકાનો અને નેસ્લેમાં ૩.૦૯ ટકાનો ઘટાડો આવ્યો હતો. તે જ પ્રમાણે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી માત્ર ઈન્ડ્સઈન્ડ બૅન્ક અને સિપ્લામાં અનુક્રમે ૨.૫૨ ટકા અને ૧.૦૩ ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાયના તમામ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા.
વધુમાં આજે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે ૨.૮૫ ટકા અને ૨.૩૮ ટકાનો ઘટાડો થવાની સાથે બીએસઈના તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં ૩.૫૩ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો તેમ જ આજે ૨૫૩૨ શૅરના ભાવ ઘટીને ૯૭૨ શૅરના ભાવ વધીને અને ૧૦૬ શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યાના અહેવાલ હતા.
Post Views:
44
[ad_2]