[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





કેફિયત-એ-કચ્છ -રાજેશ માહેશ્ર્વરી

નારાયણ સરોવર હિન્દુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. તે પાંચ સૌથી હિન્દુઓના પવિત્ર સરોવરો પૈકીનું એક છે. જેમ કે માનસરોવર (તિબેટ), પમ્પા સરોવર (કર્ણાટક), પુષ્કર સરોવર (રાજસ્થાન), ભુવનેશ્ર્વર (ઓરિસ્સા) અને નારાયણ સરોવર (કચ્છ) ગુજરાતમાં સ્થિત છે.
નારાયણ સરોવર, કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે. તે ભારતના સૌથી પશ્ર્ચિમ દિશાએ આવેલું પ્રાચીન અને મહત્ત્વનું યાત્રાળુનું આસ્થા સ્થાન છે. તેમાં ડુબકી લગાડવાથી અને સ્નાન કરવાથી પવિત્રતા પ્રાપ્ત થાય છે.
આ નારાયણ સરોવરનું શ્રીમદ્ ભાગવતમાં પણ ચર્ચા જોવા મળે છે. ઘણા પ્રાચીન ઋષિઓના સંદર્ભ તેમ જ આદ્ય શંકરાચાર્યે પણ અહીં આવીને ધરતીને પાવન કરી છે. ચીની મુસાફર યુએન સાંગે પણ તેના પુસ્તક ‘સ્યિુકી’માં આ સરોવરની મહિમા ગાયી છે અને વૃતાંત વર્ણવ્યો છે.
નારાયણ સરોવર સિંધુ નદી અને અરબ સાગરના સંગમ પર આવેલું છે. નારાયણ સરોવર એટલે વિષ્ણુ સરોવર.
મહાપ્રભુ વલ્લભાચાર્ય તેમના જીવનકાળ દરમિયાન અહીં આવ્યા હતા અને સમય ગાળ્યો હતો માટે પુષ્ટિ માર્ગીના અનુયાયી માટે પણ આ સ્થળ પાવન મનાય છે. તેના ઉદ્ભવ માટે એવી માન્યતા / દંતકથા છે કે અહીં કચ્છમાં અવારનવાર દુષ્કાળ પડતો હતો અને જમીન સૂકી રહેતી હતી માટે અહીં સંતો, સાધુઓ અને સિદ્ધ પુરુષોએ અહીં તપ કર્યું અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને તેમણે પોતાના પગના અંગૂઠાથી આ પવિત્ર જમીનને સ્પર્શ કર્યો અને આ સરોવરનું નિર્માણ થયું અને લોકોની તૃષ્ણા અને હાડમારીનો અંત આણ્યો ત્યારથી તે હિન્દુ ધર્મમાં પાંચ પવિત્ર સરોવરો પૈકી નારાયણ સરોવરનું સ્થાન મળ્યું.
આ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ત્રિકમજી, લક્ષ્મીનારાયણ, ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ, આદિનારાયણ, રણછોડરાયજી અને લક્ષ્મીજીનાં મંદિરો આવેલા છે. રાવ દેશળજી ત્રીજાનાં રાણીએ આ મંદિરો બંધાવ્યા છે. સમગ્ર્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. સરોવરની વાસ્તુકળા પ્રાચીન અને સુંદર છે. લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયનાં મંદિરોને દ્વારકાના મંદિર જેવી શૈલીથી જ બનાવાયાં છે. બાકીનાં પાંચ મંદિરોને ૧૭૮૦-૯૦માં વાઘેલી મહાકુંવર નામના રાવ દેશળજીના રાણી દ્વારા બનાવાયાં છે અને તે પછી કલ્યાણરાયનું મંદિર બંધાવાયું છે.
પાંચ મંદિરો એક સાથે ૬ ગુંબજ અને ૧૪ સ્તંભો અને ૪૮ કેન્દ્રીય મંડપ છે. કેન્દ્રીય મુજબ અને તીર્થસ્થાન વચ્ચેની જગ્યા સફેદ અને કાળા આરસથી મઢેલો છે. મંદિરની પૂર્વ બાજુની દીવાલમાં એક શિલાલેખ સાથે આરસની તક્તી છે. દરવાજાને ચાંદીનો ઢોળ ચડાવેલો છે. આ મંદિરમાં રજત સિંહાસન પત્ર ત્રિકમરાયની કાળી આરસની છબી છે. મૂર્તિ ગાદી નીચે વિષ્ણુ ભગવાનના ગુરુડની કાળી આરસની આકૃતિ છે. ગોવર્ધનનાથનું ત્રીજું મંદિર સરળ છે. ચોથી, આદિનારાયણને કાળા પથ્થરનો પેવમેન્ટ છે. તેની સામે ગોપાલજીનું એક નાનું મકાન છે. છેલ્લા લક્ષ્મીનારાયણ સુધી ચાંદીના ઢોળ ચડાવેલો દરવાજા અને મૂર્તિ ગાદી છે અને ચાંદીના છત્ર છે. આ પાંચ મંદિરોની એક પંક્તિમાં રાવ દેશળજી દ્વારા ૧૮૨૮માં બાંધવામાં આવેલ કલ્યાણરાયનું મંદિર છે. પ્રવેશદ્વારને પથ્થર અને લાકડાના ફ્રેમ મોટા પ્રમાણમાં કોતરવામાં આવી છે. દરવાજા ચાંદીથી મઢેલા છે. જેમાં ફૂલો, ફળ, પાંદડાં અને લત્તાનાં ચિત્રોને ખૂબ જ કૌશલ્યથી કોતરકામ કરવામાં આવ્યું છે.
આ મંદિરોથી ૩-૪ કિમી દૂર અરબ સાગર કિનારે શ્રી કોટેશ્ર્વર મહાદેવનું મંદિર છે. અને તે મંદિરનો ગુંબજ તેમ જ શિલ્પ/કોતરકામ ખૂબ જ બારિકાઈથી થયેલું છે. આ કોટેશ્ર્વરમાં ખૂબ જ પ્રાચીન શિવલિંગ છે. અને તેની પશ્ર્ચદભૂમાં પણ દંતકથા છે. રાવણે તપ કર્યું હતું અને શિવજી પ્રસન્ન થયા હતા અને આ શિવલિંગ પ્રાપ્ત થયું હતું તે શિવલિંગને ભગવાન શંકરે શરત રાખી હતી કે આ શિવલિંગ નીચે નહીં મૂકવો, પરંતુ રાવણે શરતભંગ કરતા આ શિવલિંગ કોટેશ્ર્વર મહાદેવના મંદિરમાં મુકાયો અને ત્યાં સ્થિર થયેલ અને તે કોટેશ્ર્વર મહાદેવ તરીકે સ્થાપિત થયેલ તે પણ ખૂબ જ સુંદર અને આકર્ષક મંદિર છે.
અહીં નારાયણ સરોવરમાં પિર્તઓના તર્પણ તેમ જ શ્રાદ્ધ માટેનું ખૂબ જ પાવન સ્થાન છે અને ઉત્તર ભારત તેમજ અન્ય સ્થળોએથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે.
દર વર્ષે કાર્તિક માસની પૂર્ણિમાએ અહીં ૩ દિવસ મોટો મેળો ભરાય છે. અહીં ભારતભરમાંથી હિન્દુ ધર્મના બધા જ સંપ્રદાયોના સાધુ-સંતો, સંન્યાસીઓ અને ભક્તો આમાં ભાગ લે છે અને પોતાની શ્રદ્ધા મુજબ પોતાની ભક્તિ ભાવના અર્પણ કરે છે.
આ મંદિરો ઉપરાંત કિલ્લાની નજીક નરમ રેતીના પથ્થરોની ગુફાઓ પણ આવેલ છે તેને રામગુફા, લક્ષ્મણ ગુફા અને શેષ ગુફાઓ તરીકે જાણીતી છે.
અહીં રહેવાની ધર્મશાળા અને અન્નક્ષેત્ર પણ છે. અનેક શ્રદ્ધાળુઓ આ ધર્મશાળામાં રોકાય છે અને અન્નક્ષેત્રનો લાભ લે છે.
આ ઉપરાંત નારાયણ સરોવરનું એક અન્ય આકર્ષણ અહીં ચિંકારાનું અભયારણ્ય છે. તે ૧૯૮૧ના જાહેર થયું હતું તે ઉપરાંત અહીં ધોરાડ (ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ)નું પણ અભયારણ્ય છે. પરંતુ આ ધોરાડ પક્ષી લુપ્ત થવાની કગાર પર છે. આ ઉપરાંત અહીં જંગલી બિલાડી, લોમડી, ચિત્તાઓ પણ જોવા મળે છે.
આ ઉપરાંત ૨૫૦ જાતના અલગ પક્ષીઓ પણ અહીં જોવા મળે છે. જેવા કે બુલબુલ, લાવરી, પેણ તેમ જ યાયાવાર અસંખ્ય પક્ષીઓ અહીં આવીને ઇંડાં મૂકે છે. અને સંવનન કાળ પશ્ર્ચાત પોતાના વતન પાછા ફરે છે. નારાયણ સરોવરમાં વન્યસંપદા તેમ જ સવાના ઘાસવાળા મેદાન, જૈવિક સંપદાથી ભરપૂર છે.
આમ નારાયણ સરોવર પ્રવાસન તેમ જ યાત્રાળુઓ માટે પવિત્ર સ્થાન છે. નારાયણ સરોવરનો પ્રચાર પ્રમાણમાં અન્ય કચ્છનાં પ્રવાસન સ્થળો કરતાં અલ્પ માત્રામાં થયો છે. પરંતુ ખૂબ જ સુંદર યાત્રાધામ છે અને હિન્દુ ધર્મ માટે પ્રાચીન અને પૌરાણિક આસ્થાનું સ્થળ છે. દરેક હિન્દુએ આ સ્થળની યાત્રા અચૂક કરવી જોઈએ.



Post Views:
23




[ad_2]

Google search engine