[ad_1]
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાના જોબ ડેટાની આજે સાંજે થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સોના-ચાંદીમાં રોકાણકારોના સાવચેતીના માનસ વચ્ચે ભાવમાં ધીમો સુધારો આગળ વધ્યો હોવાના અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં ઊંચા મથાળેથી સાર્વત્રિક સ્તરેથી નીગ નિરસ રહેતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨થી ૭૩નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોનું આકર્ષણ જળવાઈ રહેવાની સાથે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૭૮ની આગેકૂચ જળવાઈ રહી હોવાના અહેવાલ હતા.
આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૭૮ વધીને રૂ. ૬૦,૮૪૮ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં વિશ્ર્વ બજારથી વિપરીત તેમ જ ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવા છતાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની વેચવાલી તેમ જ ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨ ઘટીને રૂ. ૫૧,૫૫૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૭૩ વધીને રૂ. ૫૧,૭૬૫ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે મુખ્યત્વે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના જોબ ડેટા પર હોવાથી સોનામાં નવી ખરીદીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા હાજરમાં ભાવ ગઈકાલના બંધથી સાધારણ ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૭૧૩.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં અત્યાર સુધી સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ૩.૩ ટકા જેટલો સુધારો નોંધાઈ ગયો છે. જોકે, સત્રના આરંભે સોનાના વાયદામાં ભાવ ગઈકાલના સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૧૭૧૯.૮૦ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા ઉછળીને ઔંસદીઠ ૨૦.૭૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ચાંદીના ભાવમાં પણ સાપ્તાહિક ધોરણે ગત જુલાઈ પછીનો સૌથી મોટો નવ ટકા જેટલો ઉછાળો આવી ગયો છે.
આગામી ફેડરલ રિઝર્વની બેઠકમાં નાણાનીતિ કેટલા અંશે તંગ કરવી તેનો આધાર અમેરિકાના જાહેર થનારા જોબ ડેટા પર અવલંબિત હોવાથી રોકાણકારોની નજર તેના પર સ્થિર થઈ હોવાનું કેડિયા કૉમોડિટીઝના ડિરેક્ટર અજય કેડિયાએ જણાવતાં ઉમેર્યું હતું કે જો જોબ ડેટા પ્રોત્સાહક આવશે તો સોનાના ભાવ ઘટીને ઔંસદીઠ ૧૬૮૦ ડૉલર સુધી પહોંચી શકે છે. જોકે, અર્થશાસ્ત્રીઓ સપ્ટેમ્બર મહિનામાં રોજગારોની સંખ્યામાં ૨,૫૦,૦૦૦નો ઉમેરો થવાની ધારણા મૂકી રહ્યા છે.
[ad_2]