[ad_1]
નોન-પીક અવર્સમાં ટ્રેનસેવા ખોટકાતા પ્રવાસીઓ બેહાલ
(ફોટો: પીટીઆઈ)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સેન્ડ હર્સ્ટ રોડ સ્ટેશન નજીક ઓવરહેડ ઈક્વિપમેન્ટ વાયર (ઓએચઈ) તૂટવાને કારણે બપોરથી લઈને સાંજ સુધી લોકલ ટ્રેનસેવા પર અસર પડી હતી, પરિણામે મધ્ય રેલવેમાં ટ્રેનોમાં ટ્રાવેલ કરવાનું પ્રવાસીઓ માટે હાલાકીભર્યું રહ્યું હતું. ગુરુવારે બપોરના ૧૨.૩૦ વાગ્યાના સુમારે સેન્ડ હર્સ્ટ રોડ અપ સ્લો લાઈનમાં ઓએચઈ તૂટી જવાને કારણે મેઈન લાઈનની ટ્રેનસેવા સ્થગિત કરવાની ફરજ પડી હતી. ગુરુવારે બપોરના ૧.૫૦ વાગ્યાના સુમારે મરમ્મત કામગીરી પૂરી પાડવામાં આવ્યા પછી સેક્શનમાં લોકલની ટ્રેનસેવા ચાલુ કરવામાં આવી હતી, પરંતુ સમગ્ર સેક્શનમાં ટ્રેનો કલાકથી વધુ બંધ રહેવાને કારણે લોકલ ટ્રેનવ્યવહાર પર બેથી
અઢી કલાક અસર રહી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. ઓએચઈ બ્રેકડાઉનને કારણે સમગ્ર સેક્શનમાં અલગ અલગ સ્ટેશને રોકવામાં આવેલી ટ્રેનોમાં રહેલા પેસેન્જર માટે ગુરુવારનો દિવસ હાલાકીભર્યો રહ્યો હતો. દાદરથી સીએસએમટી વચ્ચે મોટા ભાગની લોકલ ટ્રેનોને રોકી દેવામાં આવતા પ્રવાસીઓ રેલવે ટ્રેક પર ચાલીને નજીકના સ્ટેશન પર પહોંચ્યા હતા. જીવના જોખમે મહિલાઓની સાથે સિનિયર સિટિઝન પ્રવાસીઓ ટ્રેનમાંથી ઊતરીને ટ્રેક પર ચાલી નીકળ્યા હતા. કલ્યાણના રહેવાસી મોહન પાંડેએ કહ્યું હતું કે મેં બપોરના ૧૨.૩૦ વાગ્યાની સીએસએમટીની લોકલ ટ્રેન પકડી હતી, જ્યારે ભાયખલાથી સીએસએમટી વચ્ચે એક કલાકથી વધુ સમય લાગ્યો હતો. ડોંબિવલીના ચેતન પંડિતે કહ્યું હતું કે મધ્ય રેલવેની લોકલ ટ્રેનો રેગ્યુલર દસેક મિનિટ મોડી દોડતી હોય છે, પરંતુ ગુરુવારે તો હદ કરી નાખી હતી. મેં ૧.૨૨ની સીએસએમટી ફાસ્ટ લોકલ ટ્રેન પકડી હતી, પણ સવા ત્રણ વાગ્યે સીએસએમટી પહોંચ્યો હતો. બપોર પછી બન્ચિંગને કારણે અપ સ્લો અને ફાસ્ટ લોકલ ટ્રેનો અડધો કલાક સુધી મોડી દોડતા પ્રવાસીઓ માટે હાલાકીભર્યું રહ્યું હતું.
આ મુદ્દે મધ્ય રેલવેના ડેપ્યૂટી સીપીઆરઓ અનિલ કુમાર જૈને કહ્યું હતું કે રિસ્ટોરેશનનું કામકાજ બપોરના ૧.૫૦ વાગ્યાના સુમારે પાર પાડવામાં આવ્યું હતું. ઓએચઈ બ્રેકડાઉન માટે અનેક કારણો (કોઈ વજનદાર વસ્તુની ટક્કર અથવા જાણી જોઈને કોઈ વાયરને ટાર્ગેટ કરવો અથવા અન્ય કોઈ બાબત) જવાબદાર હોઈ શકે છે, પરંતુ તેની યોગ્ય તપાસ કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે સાંજ સુધીમાં ૨૨થી વધુ લોકલ ટ્રેનને રદ કરવામાં આવી હતી, જ્યારે પચાસથી વધુ ટ્રેનો મોડી પડી હતી. રિસ્ટોરેશનનું કામકાજ પાર પાડવામાં આવ્યા પછી અનેક ટ્રેનોનું બન્ચિંગ થયું હોવાને કારણે લોકલ ટ્રેનો બપોરથી લઈને સાંજ સુધી અડધો કલાક સુધી મોડી દોડતી રહી હતી, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
હાલાકી અપાર
સેન્ડ હર્સ્ટ રોડ ખાતે ઓએચઈના બ્રેકડાઉનને કારણે ગુરુવારે બપોરના બેથી ત્રણ કલાક માટે મધ્ય રેલવેની લોકલ ટ્રેનસેવા પર અસર રહેવાથી પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી, જ્યારે અનેક પ્રવાસીઓ નજીકના સ્ટેશને ટ્રેક પર ચાલીને પહોંચ્યા હતા. (પીટીઆઈ)
[ad_2]