[ad_1]
સુરતના ડુમસ ગોલ્ડન બીચ પર મક્કાઇ વેચતી મહિલાની સમયસૂચકતાને કારણે 11 વર્ષની બાળકી નરાધમનો ભોગ બનતા બચી ગઈ હતી. સુરત પોલીસે સ્થાનિકો સાથે કેળવેલા સંકલનને કારણે આ શક્ય બન્યું છે. આ સંકલનને લીધે જ બાળકીને નરાધમથી બચાવી લેવામાં પોલીસ સફળ રહી હતી. પોલીસે નરાધમની ધરપકડ કરી પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની માહિતી મુજબ શહેરના વેસુ વિસ્તારમાં રહેતા નેપાળી દંપતીની 11 વર્ષની દીકરીને ઉધના વિસ્તારમાં રહેતો મૂળ રાજસ્થાનનો દીપ ચાવલા નામનો 35 વર્ષનો યુવક હોટેલમાં જમવા લઈ જવાની લાલચ આપી બાઇક પર બેસાડી ડુમસ બીચ પર બદકામના ઈરાદે લઈ ગયો હતો. આ દરમિયાન ડુમસ ચોપાટી પર મકાઈ વેચતીતા રમીલાબેન પટેલ નામના મહિલાને શંકા ગઈ હતી. રમીલાબેને તુરંત હોમગાર્ડને આ અંગે જાણ કરી હતી. હોમગાર્ડે ડુમસ પીઆઈ અંકિત સોમૈયાને જાણ કરતાં તેમણે નજીકની ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઈશ્વર બબાને જાણ કરી હતી. પોલીસની ટીમ તાત્કાલિક બીચ પર દોડી આવી નરાધમને પકડી પડ્યો હતો અને પોલીસ સ્ટેશને લઈ જઈ પૂછપરછ કરી હતી. આ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા.
બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આરોપી સામે છેડતી અને પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ગુનામાં વપરાયેલ બાઇક પણ કબજામાં લીધું છે. આરોપી અપરિણીત છે અને સાડીની ફેક્ટરીમાં મજૂરી કરે છે.
ડુમ્મસ પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્થાનિક લોકો સાથેના સંકલનને કારણે એક બાળકી નરાધમના હાથે પીંખાતા બચી ગઇ છે.
[ad_2]