[ad_1]
એસી કોચમાં રેલવેના કર્મચારીઓની ગેરકાયદે અવરજવરથી પ્રવાસીઓ પરેશાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં સુરત-બાંદ્રા ટર્મિનસ-સુરત ઈન્ટરસિટી એક્સપ્રેસમાં એસી કોચમાં પણ પ્રવાસીઓ ગંદકી કરવાની સાથે ટ્રેનમાં રેલવેના કર્મચારીઓની વધતી ગેરકાયદે અવરજવરથી પ્રવાસીઓને હાલાકી પડી રહી હોવાનું પ્રવાસીએ જણાવ્યું હતું.
મુંબઈ અને સુરત વચ્ચે ઈન્ટરસિટી પ્રીમિયમ ટ્રેન માનવામાં આવી રહી છે, જેમાં રેગ્યુલર વેપારીઓની સાથે સામાન્ય પ્રવાસીઓ ટ્રાવેલ કરે છે. આમ છતાં આ ટ્રેનમાં મોટા ભાગના કિસ્સામાં રેલવેના કર્મચારીઓ એસી કોચમાં ટ્રાવેલ કરવાનું પસંદ કરે છે તથા તેમને ટિકિટચેકર કે પછી એટેન્ડન્ટ પણ રોકતા નથી. આ મુદ્દે વિરારના રહેવાસી મૂકેશ સુરતીએ ‘મુંબઈ સમાચાર’ને કહ્યું હતું કે ઈન્ટરસિટી ટ્રેન મોટા ભાગના કિસ્સામાં સમયસર હોતી નથી. એટલું જ નહીં, રેલવેના કર્મચારી વિના રોકટોક સીધા એસી કોચમાં આવીને બેસી જાય છે અને ટ્રેનના પ્રવાસીઓની પણ કોઈ પરવા કરતા નથી. સામે પક્ષે તેમની ફરિયાદ કરવા જઈએ તો તેમની પાસે કોઈ ટિકિટ પણ માગતું નથી. રવિવારે અમે સુરત-બાંદ્રા ઈન્ટરસિટી પકડી હતી, જે ટ્રેન વિરારમાં આઠ વાગ્યે આવી હતી. એટલું જ નહીં, એસી કોચમાં એટલી બધી ગંદકી હતી કે તેમાં સફાઈ કરવામાં આવતી નથી. ટ્રેનના વોશબેસિન નજીક ઠેર ઠેર કચરાના ઢગલા પડ્યા હતા. તેને સાફ કરવા માટે ફરિયાદ કરી પણ કોઈએ ધ્યાન આપ્યું નહોતું. દિવાળીમાં પેસેન્જરનો ધસારો એટલો બધો હોઈ છે કે ટ્રેનના એસી કોચની હાલત ખરાબ હોય તો પછી સાદી ટ્રેનની તો વાત કરી શકાય નહીં, એવું તેમણે જણાવ્યું હતું. આ મુદ્દે પ્રશાસન દ્વારા જરૂરી પગલાં ભરવાનું જરૂરી છે જો એમ નહીં થાય તો સામાન્ય પ્રવાસીઓને ટ્રાવેલ કરવામાં ભારે હાલાકી પડશે, એમ તેમણે જણાવ્યું હતું.
આ મુદ્દે પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ કહ્યું હતું કે ટ્રેનોમાં ટ્રાવેલ માટે દરેક રેલવે કર્મચારીને પાસ આપવામાં આવેલો હોય છે, તેથી તેમને રોકી શકાય નહીં. આમ છતાં ટ્રેનમાં સ્વચ્છતા મુદ્દે કોઈ કોમ્પ્રોમાઈઝ કરી શકાય નહીં. વેકેશનને ધ્યાનમાં રાખીને તમામ ટ્રેનોમાં સફાઈ કરવા મુદ્દે હાઉસ કીપિંગ સ્ટાફનું ધ્યાન દોરવામાં આવ્યું છે છતાં તેમાં કોઈ બેદરકારી દાખવવામાં આવશે તો તેની સામે સખત પગલાં ભરવામાં આવશે, એવું તેમણે જણાવ્યું હતું.
The post સુરત-બાંદ્રા ઈન્ટરસિટી ટ્રેનના એસી કોચમાં સાફસફાઈ મુદ્દે આંખ આડા કાન appeared first on બોમ્બે સમાચાર.
[ad_2]