[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ઝીંકેલા જોરદાર વધારા અને રશિયાએ યુક્રેન પર અણુશસ્ત્રોનો પ્રયોગ કરવા આપેલી ચીમકીને કારણે વિશ્ર્વબજારમાં મંદીના વાયરા ફૂંકાવાથી અને સાથે વિવિધ મંદીજન્ય પરિબળો એકત્ર થયા હોવાથી સ્થાનિક સ્તરે ભાંગેલા સેન્ટિમેન્ટ વચ્ચે સાર્વત્રિક ભારે વેચવાલીનો મારો શરૂ થવાથી સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ બે ટકા જેવો જોરદાર કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સમાં ૧,૦૨૦ પોઇન્ટનો કડાકો બોલાયો હતો અને નિફ્ટી ૧૭૩૫૦ પોઇન્ટની નીચે ખાબક્યો હતો. સૌથી વધુ ધોવાણ બેન્િંકગ શેરોમાં થયું હતું. સપ્તાહના આ અંતિમ સત્રમાં આ સત્રમાં સ્મોલ કેપ અને મિડકેપ શેરોમાં પણ ધોવાણ જોવા મળ્યું હતુું. સતત ત્રીજા સત્રની પીછેહઠમાં તમામ સેક્ટરલ ઇન્ડેક્સ તીવ્ર વેચવાલી વચ્ચે નેગેટીવ ઝોનમાં બંધ થયા હતા.
સત્ર દરમિયાન ૧૧૩૭.૭૭ પોઇન્ટ અથવા તો ૧.૯૨ ટકાના કડાકા સાથે ૫૭,૯૮૧.૯૫ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ અંતે સેન્સેક્સ ૧,૦૨૦.૮૦ પોઈન્ટ અથવા ૧.૭૩ ટકા ઘટીને ૫૮,૦૯૮.૯૨ પોઇન્ટની સપાટી પર અને નિફ્ટી ૩૦૨.૪૫ પોઈન્ટ અથવા ૧.૭૨ ટકા ઘટીને ૧૭,૩૨૭.૩૫ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો. લગભગ ૯૫૯ શેર વધ્યા છે, ૨૪૧૭ શેર ઘટ્યા છે અને ૧૦૬ શેર યથાવત છે.
અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ૭૫ બેસિસ પોઇન્ટનો વધારો કરવા સાથે ફુગાવા સામેની લડત માટે આગામી સમયમાં વ્યાજદરમાં વધુ વધારો કરવાની ઘોષણા કરી હોવાથી વિશ્ર્વબજારનું માનસ ડહોળાઇ ગયું છે. ફોરેકસ માર્કેટમાં ડોલર સામે રૂપિયો રોજ નવી વિક્રમી નીચી સપાટી બતાવી રહ્યો હોવાથી પણ સેન્ટિમેન્ટને ફટકો પડ્યો છે. આ સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર વેચવાલી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં ૨.૨૮ ટકાનો કડાકો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટીના મિડકેપ-૧૦૦ ઈન્ડેક્સમાં ૨.૩૫ ટકાનો તોતિંગ કડાકો નોંધાયો હતો. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૯૨ ટકા તૂટ્યો હતો.
વિશ્ર્વભરના મોટાભાગના મહત્ત્વના ઇક્વિટી બજારોમાં મમંદીનો માહોલ હતો. ગુરુવારે અમેરિકાના ઇક્વિટી બજાર નેગેટીવ ઝોનમાં ખાબક્યાં હતા. એશિયાઇ બજારોમાં સિઓલ, ટોકિયો, શાંઘાઇ અને હોંગકોંગના ઇન્ડેક્સ નીચી સપાટીએ ગબડ્યા હતા.
યુરોપના બજારોમાં મધ્ય સત્ર સુધી નેગેટીવ ટ્રેન્ડ રહ્યો હોવાના અહેવાલ હતા. આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ વાયદો ૧.૮૭ ટકા ગબડીને ૮૮.૭૭ ડોલર પ્રતિ બેરલ બોલાયો હતો. એક્સચેન્જના ડેટા અનુસાર ગુુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ રૂ. ૨૫૦૯.૫૫ કરોડની વેચવાલી નોંધાવી હતી.
ફેડએ બુધવારે દરોમાં ૭૫ બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે, જે સળંગ ત્રીજો વધારો છે અને સંકેત આપ્યો કે તે ફુગાવા સામે લડવા માટે બોરોઈંગ કોસ્ટમાં વધારો કરવાનું ચાલુ રાખશે. એ નોંધવું રહ્યું કે ભારતની મધ્યસ્થ બેન્ક આવતા અઠવાડિયે મોનેટરી પોલિસી બેઠક યોજવાની છે.
ફેડરલ રિઝર્વ ધારણાથી વધુ અક્રમક વલમ અપનાવી રહી છે અને એવા સંકેત આપ્યા છે કે આગામી બે પોલિસી બેઠકમાં તે વધુ ૧૨૫ બેસિસ પોઇન્ટનો વધારો ઝીંકશે. આને પરિણામે યુએસ ડોલર ઇન્ડેક્સ ૧૧૧થી આગળ વધી ગયો અને રૂપિયો ૮૦થી નીચો ધકેલાઇ ગયો, એમ જણાવતાં જીઓજિતના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યું હતું કે ભારતીય બજારે ટકી રહેવાની તાકાત તો બતાવી છે પરંતુ જો રૂપિયાનું ધોવાણ ચાલુ રહેશે તો વિદેશી રોકાણકારો માટે સ્થાનિક બજાર ટૂંકાગાળામાં અનાકર્ષક બની જશે. સેન્સેક્સના શેરોમાં પાવરગ્રીડ ૭.૯૩ ટકાના કડાકા સાથે ટોપ લૂઝર બન્યો હતો. સેન્સેક્સના અન્ય ગબડનારા શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી, એચડીએફસી અને ઇન્ડસઇન્ડ બેન્કનો સમાવેશ હતો.
સનફાર્મા, ટાટા સ્ટીલ અને આઇટીસી ટોપ ગેઇનર રહ્યાં હતાં. નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, એપોલો હોસ્પિટલ્સ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ અને એસબીઆઈ સમાવિષ્ટ હતા. જ્યારે ડિવિસ લેબોરેટરીઝ, સન ફાર્મા, ટાટા સ્ટીલ, સિપ્લા અને આઈટીસીનો ટોપ ગેઇનર્સમાં સમાવેશ થાય છે.
યુએસ દસ વર્ષના બોન્ડ યીલ્ડમાં થયેલા વધારો અને ડોલર ઇન્ડેક્સની મજબૂતીને કારણે વિદેશી રોકાણકારોએ વેચવાલી શરૂ કરી દીધી છે. બેન્કિંગ સિસ્ટમમાં પ્રવાહિતામાં ઘટાડો, રૂપિયાની નબળાઇ અને વર્તમાન પ્રીમિયમ વેલ્યુએશનને કારણે નજીકના ગાળા માટે બજારનું આઉટલૂક મંદીનું હોવાનું જણાવતાં જીઓજિતના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યું હતું કે મધ્યસ્થ બેન્કો દ્વારા આક્રમક નાણાકીય નીતિના પગલાં સાથે, વૈશ્ર્વિક વૃદ્ધિનું એન્જિન મંદીની દિશામાં છે, જ્યારે ભારત હાલમાં ક્રેડિટ વૃદ્ધિમાં વધારો અને કર વસૂલાતમાં તેજી સાથે વધુ સારી સ્થિતિમાં છે. વર્તમાન અસ્થિરતા થોડા સમય માટે ચાલુ રહી શકે છે. રોકાણકારોને પરિસ્થિતિ શાંત થાય ત્યાં સુધી થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાની સલાહ આપવામાં આવે છે. સેન્સેક્સમાં સન ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીઝ ૧.૫૩ ટકા, ટાટા સ્ટીલ ૦.૫૮ ટકા અને આઈટીસી ૦.૩૩ ટકા વધ્યા હતા, જ્યારે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૭.૯૩ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૦૦ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૨.૯૯ ટકા, બજાજ ફિનસર્વ ૨.૮૦ ટકા અને બજાજ ફાઈનાન્સ ૨.૭૩ ટકા ઘટ્યા હતા.
આ સત્રમાં બી ગ્રુપની એક કંપનીને નીચલી સર્કીટ સહિત બધા ગ્રુપની કુલ ૧૯ કંપનીઓમાંથી ૧૫ કંપનીઓને ઉપલી સર્કીટ અને ચાર કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ ૭૪૧.૮૭ પોઇન્ટ અથવા તો ૧.૨૬ ટકા ગબડ્યો છે અને નિફ્ટી ૨૦૩.૫૦ પોઇન્ટ અથવા તો ૧.૧૬ ટકા ગબડ્યો છે.



Post Views:
17




[ad_2]

Google search engine