[ad_1]
બે દિવસ પહેલા 12મી તારીખે ડિંડોલીથી ચલથાણ તરફ જઈ રહેલા કેનાલ હાઈવ પર સુરતના કાપડના વેપારીની કારમાંથી 55 લાખ રોકડની લૂંટની ઘટના બની હતી. વેપારી દ્વારા પોલીસને માહિતી આપવામાં આવી હતી કે એક્ટિવા પર આવેલા બે લોકોએ કાર ના આગળના કાચ પર કાદવ ફેંકી 55 લાખની લૂંટ કરી ભાગી ગયા હતા. ત્યારબાદ પોલીસે સઘન તપાસ કરતા અલગ જ હકીકત સામે આવી છે. વેપારીએ જ પાર્ટનરશીપના રૂપિયા હડપવા લૂંટની ઘટનાનું નાટક રચ્યું હતું. પોલીસે વેપારી તથા બે એકટીવા ચાલક એમ ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડીંડોલી પોલીસે કરીલે તપાસમાં સમગ્ર કાવતરાનો ઘટસ્ફોટ થયો છે. લૂંટની ફરિયાદ નોધાયા બાદ પોલીસે તાત્કાલિક આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં ફરિયાદી વેપારી અંકિતભાઈ કાનોડીયાની શંકાસ્પદ ભૂમિકા સામે આવતા જ પોલીસે તેમની સધન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં તેઓ પોલીસ અધિકારીઓના પ્રશ્નોના યોગ્ય જવાબ ન આપી શકતા પોલીસને શંકા પડી હતી.
અંતે અંકિતભાઈ ભાંગી પડ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, તેમના મામાના દીકરા આશિષ ગુપ્તા અને તેમના જીજાજીના ભાણેજ અભય ઢીબરાએ સાથે મળી ભાગીદારીમાં ટેક્સટાઇલનો ધંધો સુરતમાં શરૂ કરવાનું નક્કી કર્યું હતું. તે માટે અરવિંદભાઈ પટેલ નામના શખ્સને મળી કડોદરા ખાતે ગાર્ડન મિલ નજીકમાં એક જગ્યા ખરીદી હતી. જેના પેમેન્ટ પેઠે 55 લાખ અરવિંદભાઈ પટેલને આપવાના હતા. જે પૈકી દસ લાખ રૂપિયા અભય તેમજ 20 લાખ રૂપિયા આશિષ દ્વારા મોકલવામાં આવ્યા હતા. જોકે, તેમના ભાગના રહેલા 25 લાખની સગવડ થઈ ન હતી. જેથી તેમણે પોતાના ઓળખીતા મિત્ર ઉંમર મહમદ યુસુફ અને ઉંમરના મિત્ર ઈમરાન પઠાણ દ્વારા રોકડ રૂપિયાની લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો.
હકીકતે બેગમાં અભયભાઈ અને આશિષભાઈએ મોકલેલા 30 લાખ રૂપિયા જ હતા. જયારે તેમણે ફરિયાદમાં પોતાના 25 લાખ સાથે 55 લાખ ચોરાયા હોવાનું જણાવ્યું હતું જેથી તે યુસુફ અને ઇમરાનને નાણા આપ્યા બાદ બાકીના પોતાની પાસે રાખી શકે.
ડીંડોલી કેનાલ રોડના મધુરમ સર્કલ ચલથાણ રોડ પર સીસીટીવી કેમેરા ન હોવાથી આ જગ્યા પસંદ કરી હતી. પોલીસે 30 લાખ રોકડા રૂપિયા તેમજ લૂંટના નાટકમાં વપરાયેલા એકટીવા મોપેડ કબજે કરી અંકિત કાનોડિયા, મોહમ્મદ ઉંમર શેખ અને ઇમરાન ઈબ્રાહીમ પઠાણ નામના ત્રણ શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[ad_2]