[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

વારાસણીની જ્ઞાનવાપીમાં મળેલા શિવલિંગનું કાર્બન ડેટિંગ એટલે કે વય જાણવાની વૈજ્ઞાનિક તપાસ કરાવવાની હિંદુઓની માંગ ફગાવી દેવાતાં સોપો પડી ગયો છે. અત્યાર લગી કોર્ટ હિંદુઓની તરફેણમાં એક પછી એક ચુકાદા આપતી હતી એ જોતાં આ મામલે પણ હિંદુવાદીઓની તરફેણમાં ચુકાદો આવશે એવું સૌને લાગતું હતું પણ એ માન્યતા ખોટી પડી છે. વારાણસી જિલ્લા કોર્ટના જજ ડૉ. અજય કૃષ્ણ વિશ્ર્વેશે આ માંગ ફગાવી દેતાં હિંદુઓમાં નિરાશા છે.
જ્ઞાનવાપી મસ્જિદ કમિટીએ શિવલિંગને ફુવારો ગણાવીને કાર્બન ડેટિંગનો વિરોધ કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ મુદ્દે અરજી કરનારી મહિલાઓમાં પણ મતભેદો હતા. રાખી સિંહના વકીલ માન બહાદુર સિંહે કાર્બન ડેટિંગની તપાસ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમની દલીલ હતી કે, કાર્બન ડેટિંગથી મળેલું શિવલિંગ ખંડિત થઈ જશે. સનાતન હિંદુ ધર્મમાં ખંડિત મૂર્તિની પૂજા કરવામાં આવતી નથી તેથી શિવલિંગનું કાર્બન ડેટિંગ ન થવું જોઈએ. આ મુદ્દે મહિલા પક્ષકારોમાં ડખો થતાં રાખી સિંહના વકીલે બીજી મહિલા પક્ષકારો સીતા સાહૂ, મંજુ વ્યાસ, રેખા પાઠક અને લક્ષ્મીદેવીને અલગ અલગ કેસ લડવા પણ કહી દીધેલું.
મસ્જિદ કમિટીની દલીલ રાખી સિંહ કરતાં અલગ હતી. તેમની દલીલ એ હતી કે, આ શિવલિંગની વૈજ્ઞાનિક તપાસની જરૂર નથી કેમ કે એ શિવલિંગ જ નથી. કોર્ટે એ દલીલ માન્ય રાખી નથી ને રાખી સિંહની દલીલ પણ માન્ય રાખી નથી પણ સુપ્રીમ કોર્ટના આદેશના આધારે કાર્બન ડેટિંગની માંગ ફગાવી છે. સુપ્રીમ કોર્ટે ૧૭મે, ૨૦૨૨ના રોજ આદેશ આપેલો કે શિવલિંગ મળ્યું છે તે સ્થાનને સુરક્ષિત રાખવું અને તેને કોઈપણ પ્રકારનું નુકસાન ના પહોંચવું જોઈએ.
જજનો મત છે કે, કાર્બન ડેટિંગ માટે કંઈ પણ કરશે તો શિવલિંગને નુકસાન થશે તેથી ખોદકામ કે બીજું કંઈ પણ કરવું યોગ્ય નથી. કશું પણ કરવા જશો તો જ્ઞાનવાપી સંકુલમાં મળેલા શિવલિંગ સાથે ચેડાં થશે ને સુપ્રીમના એ આદેશનો ભંગ થશે કે શિવલિંગ સાથે કોઈપણ રીતે ચેડાં ન થવા જોઈએ. જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલું શિવલિંગ કેટલું જૂનું છે, શિવલિંગ અને તેની આસપાસના વિસ્તારમાં થયેલું બાંધકામ કેટલું જૂનું છે તેની તપાસ જરૂરી છે પણ શિવલિંગને ચેડાં ના થાય એ વધારે જરૂરી છે. તેના કારણે લોકોની ધાર્મિક લાગણીઓ પણ દૂભાઈ શકે છે તેથી જજે ઈન્કાર કર્યો છે.
કોર્ટના આદેશ સામે હિંદુવાદી પક્ષકારો પાસે હાઈ કોર્ટમાં ને હાઈ કોર્ટ પણ એ માગણી માન્ય ના રાખે તો સુપ્રીમ કોર્ટમાં જવાનો માર્ગ ખુલ્લો જ છે. હિંદુવાદી સંગઠનો અને હિંદુ પક્ષકારો એ માર્ગ અપનાવશે જ તેમાં શંકા નથી પણ કોર્ટના આ ચુકાદાના કારણે કોકડું વધારે ગૂંચવાયું છે અને અયોધ્યાની જેમ જ્ઞાનવાપી કેસમાં પણ બહુ લાંબી કાનૂની લડત ચાલશે એ સ્પષ્ટ થઈ ગયું છે.
અત્યાર સુધીમાં આ કેસમાં હિંદુવાદીઓ તરફ પલ્લું નમચતું હોય એવું લાગતું હતું પણ હવે સ્થિતિ અલગ છે. ૧૮ ઑગસ્ટ ૨૦૨૧ના રોજ વૈદિક સનાતન સંઘના પ્રમુખ જિતેન્દ્ર બિસેનના નેતૃત્વમાં દિલ્હીની રાખી સિંહ અને વારાણસીની સીતા સાહુ, મંજુ વ્યાસ, રેખા પાઠક અને લક્ષ્મી દેવીએ સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં કેસ દાખલ કરીને માંગ કરી હતી કે, જ્ઞાનવાપી પરિસરમાં આવેલા મા શૃંગાર ગૌરી મંદિરમાં નિયમિત દર્શન-પૂજનની મંજૂરી મળવી જોઈએ. સાથે સાથે જ્ઞાનવાપી સંકુલમાં આવેલા અન્ય દેવી-દેવતાઓના રક્ષણ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવી જોઈએ.
કોર્ટે એ અરજી માન્ય રાખીને મંજૂરી આપી શકાય કે નહીં તે અંગે નિર્ણય લેવા માટે સ્થળની સ્થિતિ જાણવા માટે કમિશનની રચના કરી હતી. અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ તેનો વિરોધ કરીને કહેલું કે, શૃંગાર ગૌરી કેસ સુનાવણીને લાયક નથી. અલબત્ત સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વારાણસીની જિલ્લા ન્યાયાધીશ કોર્ટે ચુકાદો આપ્યો કે શૃંગાર ગૌરી કેસમાં સુનાવણી યોગ્ય છે. આ ચુકાદો હિંદુઓની તરફેણમાં હતો.
આ પહેલાં શ્રી કાશી વિશ્ર્વનાથ ધામ-જ્ઞાનવાપી મસ્જિદ છે ત્યાં પહેલાં મહાદેવનું મંદિર હતું કે નહીં એ નક્કી કરવા માટે વારાણસીની કોર્ટે આર્કિયોલોઝિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) એટલે કે ભારતીય પુરાતત્ત્વ વિભાગને સર્વેક્ષણ કરવા આદેશ આપેલો. વારાણસી ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયમૂર્તિ આશુતોષ તિવારીએ ૨૦૨૧ના સપ્ટેમ્બરમાં સર્વે કરાવવા માટે કમિશનની રચના કરવાનો આદેશ આપીને મસ્જિદના સ્થળે પહેલાં મંદિર હતું કે નહીં તેની તપાસ કરવા ફરમાન કરેલું.
જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનો આદેશ પણ વિશ્ર્વ વૈદિક સનાતન સંઘની અરજીના આધારે અપાયો હતો. તેના પગલે આ આદેશના પગલે ત્રણ દિવસ માટે મસ્જિદમાં વીડિયોગ્રાફી અને સર્વે કરાયાં હતાં. સર્વે દરમિયાન ભારે નાટક પણ થયાં હતાં. એડવોકેટ કમિશ્ર્નર અનિલ કુમાર મિશ્રા અને ફરિયાદ પક્ષના ૧૮ લોકો જ્ઞાનવાપી મસ્જિદ પહોંચ્યા ત્યારે હિંદુ અને મુસ્લિમ પક્ષકારો વચ્ચે નારેબાજી પણ થઈ હતી. હિંદુઓએ ‘હર હર મહાદેવ’ના નારા લગાવ્યા તો સામે મુસ્લિમોએ પણ “અલ્લાહ હૂ અકબર’ના નારા લગાવ્યા તેના કારણે થોડો તણાવ પેદા થઈ ગયો હતો. એ પછી હિંદુ પક્ષકારોની અરજી માન્ય રખાઈ હતી. હવે કોર્ટે અલગ જ વલણ અપનાવ્યું છે ને કાર્બન ડેટિંગની મંજૂરી નથી આપી.
આ મામલો હવે હાઈ કોર્ટમાં જશે એ નક્કી છે. તેમાં શું ચુકાદો આવશે એ ખબર નથી પણ કાશી વિવાદ બીજું અયોધ્યા બને એવા પૂરા સંકેત છે. તેનું એક કારણ એ પણ છે કે, કાનૂની જંગમાં કાયદો અત્યારે મુસ્લિમોની તરફેણમાં છે. ૧૯૯૧માં કેન્દ્રની નરસિંહરાવ સરકારે રામ જન્મભૂમિ સિવાયનાં તમામ ધાર્મિક સ્થળોને લગતા વિવાદોમાં યથાસ્થિતિ જાળવી રાખવા કાયદો બનાવ્યો હતો. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે દરેક ધર્મસ્થળ જે સ્થિતિમાં હતા તે એ જ સ્થિતિમાં રાખવાની જોગવાઈ આ કાયદા હેઠળ કરાઈ છે. જ્ઞાનવાપી મસ્જિદને આ કાયદા હેઠળ સુરક્ષા મળે છે તેથી મુસ્લિમોનું પલ્લું ભારે છે.
જો કે મોદી સરકાર સંસદમાં બહુમતીના જોરે કાયદો બદલીને મસ્જિદ હિંદુઓને સોંપવાની જોગવાઈ કરી શકે છે.

The post વારાણસીની મસ્જિદના કેસમાં કાયદો મુસ્લિમોની તરફેણમાં appeared first on બોમ્બે સમાચાર.

[ad_2]

Google search engine