[ad_1]
મુંબઇ: વરલી સ્થિત મરિયમ્મા નગર અને નહેરુ વિજ્ઞાન કેન્દ્રની વચ્ચેથી પસાર થનારા અને ડૉ. એની બેસન્ટ રોડથી ડૉ. ઇમોઝિસ રોડ સુધી સબ-વે અને પુલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રસ્તા પર થનારા માર્ગ અકસ્માતોની દુર્ઘટનાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના માટે પાલિકા દ્વારા ૩૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે.
ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના ઉપક્રમ અંતર્ગત આવનારા નહેરુ વિજ્ઞાન કેન્દ્ર અને નહેરુ તારામંડળમાં શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકોને રસ્તો ક્રોસ કરતા સમયે પડતી મુશ્કેલીને ધ્યાને લેતા આ સબ-વે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આના માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને પાલિકાના કમિશનરની ઓફિસે પ્રસ્તાવ મોકલી દેવામાં આવ્યો છે. કમિશનરની અંતિમ મંજૂરી મળ્યા બાદ આનું કામ શરૂ કરવામાં આવશે, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે નહેરુ વિજ્ઞાન કેન્દ્રને અડીને એક મોટું નાળું વહે છે. આના પર પાલિકા દ્વારા પુલ બનાવવાની યોજના છે. પાલિકાના ‘એફ’ દક્ષિણ વિભાગમાં આવેલ વરલીમાં ૧૮.૩ મીટર પહોળો રોડ મરિયમ્મ નગર અને નહેરુ વિજ્ઞાન કેન્દ્રના વચ્ચેથી પસાર થાય છે, જે ડૉ. એની બેસન્ટ રોડને જોડે છે.
[ad_2]