[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

છેલ્લા ૪૨ દિવસથી મોત સામે ઝઝૂમતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ અંતે ૨૧ સપ્ટેમ્બર ને બુધવારે જીવનનો જંગ હારી ગયા. ૧૦ ઑગસ્ટે દિલ્હીની હોટલમાં કસરત કરતાં કરતાં હાર્ટ એટેક આવતાં નવી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)માં દાખલ કરાયેલા રાજુ ૧૦ ઑગસ્ટથી જ વેન્ટિલેટર પર હતા. પહેલા દિવસથી તેમની તબિયત ગંભીર હતી પણ વચ્ચે વચ્ચે તબિયતમાં સુધારાના સમાચાર આવ્યા કરતા હતા. અલબત્ત પાછી તબિયત બગડી જતી ને એ રીતે શ્રીવાસ્તવની તબિયતમાં ઉતાર-ચઢાવ આવ્યા કરતા હતા.
ડૉક્ટરે એકવાર તો તેમને બ્રેન ડેડ પણ જાહેર કરી દીધા હતા પણ પછી મગજ કામ કરવા લાગેલું પણ શ્રીવાસ્તવ બેભાન જ હતા. રાજુ શ્રીવાસ્તવના મગજ સુધી ઑક્સિજન પહોંચતો નહોતો તેથી બેભાન રાજુનાં અંગોને તેની અસર થવા લાગેલી. એક પછી એક અંગ કામ કરતાં બંધ થવા લાગેલાં ને છેવટે બુધવારે શરીરે જવાબ દઈ દીધો. ૪૨ દિવસની લડત પછી મોત જીતી ગયો ને રાજુ શ્રીવાસ્તવ હારી ગયા.
રાજુ શ્રીવાસ્તવ મહાન અભિનેતા નહોતા છતાં તેમના નિધનના સમાચારે કરોડો લોકોને દુ:ખી કરી દીધા છે કેમ કે રાજુ શ્રીવાસ્તવ સામાન્ય લોકોના કોમેડિયન હતા. રાજુ શ્રીવાસ્તવે ભારતમાં કોમેડીને એક નવું સ્વરૂપ આપ્યું અને સામાન્ય લોકોને ગમે એ રીતે રજૂ કરીને છવાઈ ગયા. રાજુ શ્રીવાસ્તવ પહેલાં પણ ઘણા કોમેડિયન આવેલા પણ રાજુ શ્રીવાસ્તવને મળી એવી લોકપ્રિયતા કે નામના બીજા કોઈ કોમેડિયનને ન મળી કેમ કે રાજુ શ્રીવાસ્તવે સામાન્ય લોકોને આખી જીંદગી હસાવ્યા. સામાન્યમાં સામાન્ય માણસ પણ સમજી શકે એવી ભાષામાં, એવી અદાઓ દ્વારા ભારતમાં કોમેડીનું સ્વરૂપ જ બદલી નાંખ્યું.
રાજુ શ્રીવાસ્તવ પહેલાં પણ ઘણા કોમેડિયન્સ આવ્યા કે જે કોમેડી શો કરતા ને સફળ પણ થયા હતા. જોની લીવર જેવા કોમેડિયન તો તેના જોરે ફિલ્મોમાં પહોંચ્યા ને ફિલ્મોમાં પણ સફળ થયા. અલબત્ત જોની લીવર સહિતના એ જમાનાના લગભગ તમામ કોમેડિયન્સ મોટા ભાગે ફિલ્મી સ્ટાર્સની પેરોડી જ કરતા હતા. રાજુ શ્રીવાસ્તવે પણ કોમેડિયન તરીકે એ રીતે જ શરૂઆત કરી હતી. એ જમાનો અમિતાભ બચ્ચનનો સુપરસ્ટારપદનો હતો. રાજુ શ્રીવાસ્તવ પાસે અમિતાભના અવાજ ને અદાઓની પણ નકલ કરવાની આવડત હતી તેથી તેમણે પહેલાં બિગ બીની પેરોડી કરીને જ ગાડું ગબડાવ્યું પણ પછી ધીરે ધીરે બચ્ચનના પડછાયામાંથી બહાર નિકળીને કોમેડી શરૂ કરી.
રાજુ શ્રીવાસ્તવનો જન્મ કાનપુરમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો તેથી ઉત્તર ભારતીયોની લાઈફસ્ટાઈલને તેમણે નજીકથી જોઈ હતી. ઉત્તર ભારતીયોની ટીપીકલ આદતોની તેમને ખબર હતી. રાજુએ આ આદતો અને ખૂબીઓનો ઉપયોગ કોમેડી કરવા માટે કર્યો. તેના કારણે ઉત્તર ભારતમાં તેમને જબરદસ્ત સફળતા મળી. હિન્દી બેલ્ટમાં રાજુની કોમેડી પર લોકો ઓળઘોળ થવા માંડ્યા ને કોમેડી કિંગ તરીકે એ જામી ગયા. રાજુએ આ સફળતાને જાળવી રાખવા માટે ફિલ્મો અને ટીવી બંનેથી અંતર બનાવી લીધું. તેના કારણે તેમની ફિલ્મો કે સિરિયલોના આવી પણ શો ધૂમ થયા. લોકોની વચ્ચે લાઈવ શો કરીને રાજુ શ્રીવાસ્તવે પોતાની આગવી ઓળખ ઊભી કરી, કોમેડિયનની ઓળખ ઊભી કરી. કરિયરની શરૂઆતના દિવસોમાં રાજુને અમિતાભ બચ્ચનની મિમિક્રી કરવા માટે ૫૦ રૂપિયા મળતા હતા. કોમેડિયન તરીકે સફળતા મળ્યા બાદ રાજુ એક શોના ૧૦ લાખ રૂપિયા લેતા હતા એવું કહેવાય છે. આ મુકામે પહોંચવામાં તેમને ત્રણ દાયકા લાગ્યા હતા.
રાજુ શ્રીવાસ્તવે અભિનય પર પણ હાથ અજમાવ્યો હતો. વાસ્તવમાં રાજુની કારકિર્દીની શરૂઆત તેઝાબ અને મૈંને પ્યાર કિયા જેવી ૧૯૮૦ના દાયકાની ફિલ્મોમાં નાના નાના રોલથી જ થયેલી. રાજુએ ૧૯૮૮માં ફિલ્મ ‘તેઝાબ’માં નાનો રોલ કર્યો હતો. ત્યાર બાદ ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’, ‘બોમ્બે ટુ ગોવા’માં પણ કામ કર્યું હતું પણ તેમને સફળતા અને ઓળખ ટીવીના કારણે મળી. રાજુએ છેક ૧૯૯૪માં ટીવી શો ‘ટી ટાઇમ મનોરંજન’માં કામ કર્યું હતું પણ ખરી ઓળખ ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી મળી હતી. આ શોની પહેલી સીઝનમાં ભગવંત માન સહિતના ધુરંધરો હતા ને તેમની વચ્ચેની સ્પર્ધામાં સુનિલ પાલ ચેમ્પિયન બનેલા. જોડકણાં કરી કરીને કોમેડી પેદા કરવાનો પ્રયત્ન કરતા અહેસાન કુરેશી ફસ્ટ રનર અપ હતા જ્યારે રાજુ શ્રીવાસ્તવ સેક્ધડ રન અપ હતા.
રાજુ શ્રીવાસ્તવ ભલે ત્રીજા નંબરે આવ્યા પણ તેમને જે બ્રેકની જરૂર હતી એ ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ના કારણે મળી ગઈ. ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ના કારણે રાજુને દેશભરમાં ખ્યાતિ મળી. બાકી હતું તે કામ યુટ્યુબ સહિતનાં પ્લેટફોર્મના કારણે થઈ ગયું. આ પ્લેટફોર્મના કારણે રાજુની કોમેડી ઘેર ઘેર પહોંચી અને એ સ્ટાર બની ગયા, કોમેડીનો પર્યાય બની ગયા.
રાજુ શ્રીવાસ્તવે એકવાર રાજકારણમાં આવવાનો પણ પ્રયત્ન કર્યો હતો પણ પછી સમજીને પારોઠનાં પગલાં ભરી લીધાં હતાં. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં રાજુ શ્રીવાસ્તવને ભાજપના મુરલી મનોહર જોશી સામે કાનપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટીએ મેદાનમાં ઉતારેલા. રાજુ શ્રીવાસ્તવે લોકસભાની ચૂંટણી માટેનું ફોર્મ પણ ભરી દીધું હતું પણ ૧૧ માર્ચ, ૨૦૧૪ના રોજ રાજુએ ફોર્મ પાછું ખેંચી લીધું અને સમાજવાદી પાર્ટીને બીજા ઉમેદવાર પસંદ કરવા કહી દીધું હતું. આ ઘટનાના અઠવાડિયા પછી એટલે કે ૧૯ માર્ચ, ૨૦૧૪ના રોજ રાજુ ભાજપમાં જોડાયા હતા. રાજુ ભાજપમાં જોડાયા પણ સમજદારી બતાવીને ચૂંટણી ના લડ્યા. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા પછી તેમણે રાજુને ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના ચૅરમૅન બનાવ્યા હતાં. એ રીતે રાજુ રાજકારણ સાથે જોડાયેલા હતા પણ એ સિવાય રાજકારણથી દૂર જ રહ્યા.
રાજુ શ્રીવાસ્તવના નિધને શો બિઝનેસમાં મળતા સ્ટ્રેસની કડવી વાસ્તવિકતાને ફરી છતી કરી દીધી છે. રાજુ શ્રીવાસ્તવ એકદમ સૂકલકડી હતા પણ તેમની ત્રણ વાર તો એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી. સતત દોડધામ અને પરફોર્મ કરવાના દબાણે રાજુને પણ હૃદયના રોગી બનાવી દીધેલા ને છેવટે તેમાં જ તેમનો ભોગ લેવાયો.
રાજુએ ભલે વિદાય લીધી, આપણી યાદોમાં હંમેશાં રહેશે.



Post Views:
183




[ad_2]

Google search engine