[ad_1]
‘ખાડા હી ખાડા’
શુક્રવારના પડેલા મુશળધાર વરસાદને પગલે મુંબઈના રસ્તા પર ફરી એક વખત ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. ચેંબુરમાં રસ્તા પર પડેલા ખાડાને કારણે વાહનચાલકો તો ઠીક રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે.
(અમય ખરાડે)
——–
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દર વર્ષે મુંબઈ મહાનગરપાલિકા રસ્તાની પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરતી હોય છે, છતાં થોડા વરસાદમાં રસ્તા પર ફરી ખાડાઓ પડતા હોય છે. છેલ્લા થોડા દિવસથી વરસાદ ગાયબ થઈ જતા રસ્તા પર ખાડા પડવાનું ઘટી ગયું હોવાનો દાવો કરનારી પાલિકા પ્રશાસનના કહેવા મુજબ ચોમાસામાં સરેરાશ ૪૦૦ ખાડાને પૂરવામાં આવતા હતા, તેની સામે હાલ આ સંખ્યા ૧૫થી ૨૦ની થઈ ગઈ છે. જોકે શુક્રવારથી ફરી શરૂ થયેલા વરસાદને કારણે રસ્તા પર ફરી ખાડાઓ પડી ગયા હોવાનું જણાઈ રહ્યું છે.
મુંબઈમાં ચોમાસા દરમિયાન રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડેલા જણાતા હતા. જોકે સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ખાસ્સો વિરામ લીધો હતો. એ દરમિયાન પાલિકાના રોડ ડિપાર્ટમેન્ટે અનેક જગ્યો ખાડા પૂરી દીધા હોવાનો દાવો કર્યો હતો. પાલિકાના અધિકારીના દાવા મુજબ ચોમાસામાં રોજની ખાડાની ૪૦૦ જેટલી ફરિયાદો આવતી હતી, તે રોજની ૧૫થી ૨૦ની થઈ હતી. વરસાદે વિરામ લેતા પાલિકાએ શહેરમાં રસ્તા પર પડેલા અનેક ખાડાઓને પૂરી દીધા હતા. આ દરમિયાન પાલિકાએ મુંબઈ શહેર સહિત ઉપનગરના રસ્તાઓને ફરી સમથળ કરવા અને સમારકામ કરવા માટે ૨૦૦ કરોડ રૂપિયાના ટેન્ડર પણ બહાર પાડ્યા હતા.
પાલિકાના રોડ ડિપાર્ટમેન્ટના અધિકારીના કહેવા મુજબ મુંબઈમાં પહેલી એપ્રિલથી પાલિકાએ ૩૫,૭૯૪ ખાડાઓને પૂર્યા છે. તેની માટે ૩,૩૧૮ મેટ્રિક ટન જેટલું કોલ્ડ મિક્સ વાપરવામાં આવ્યું છે, જેમાં ૪૧ ટકા ખાડા પશ્ર્ચિમ ઉપનગરમાં હતા.
પાલિકાના રોડ ડિપાર્ટમેન્ટે આપેલા આંકડા મુજબ કે-પશ્ર્ચિમ વોર્ડના અંધેરી (પશ્ર્ચિમ)માં ૨,૪૨૬ અને પી-ઉત્તર વોર્ડ મલાડમાં ૧,૯૮૯, આર-ઉત્તર વોર્ડ દહીંસરમાં ૩૮૨ ખાડાઓ હતા. જ્યારે એ વોર્ડ કોલાબામાં ૫૯૪ ખાડા પૂરવામાં આવ્યા હતા.
સપ્ટેમ્બરમાં મુશળધાર તો નહીં, પણ છૂટક છૂટક વરસાદ પડ્યો હતો. તો હજી પણ છૂટક છૂટક વરસાદ ચાલુ જ છે. તેને કારણે રસ્તા પર ફરી ખાડાઓ પડી રહ્યા છે. શુક્રવારે એક જ દિવસે ભારે વરસાદ પડ્યો હતો, તેને કારણે મુંબઈમાં ફરી એક વખત અનેક રસ્તાઓ પર ખાડા પડી ગયા હોવાની ફરિયાદ આવી હતી. આ દરમિયાન પાલિકાએ દરેક વોર્ડ માટે પાંચ-પાંચ લાખ રૂપિયાના ભંડોળની જોગવાઈ કરી છે, જેમાંથી તે ઓપન માર્કેટમાંથી કૉલ્ડ મિક્સ ખરીદી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે રસ્તા પરના ખાડાને લઈને હાઈ કોર્ટમાં રજૂઆત કરી હતી કે મુંબઈના તમામ રસ્તા આગામી ત્રણ વર્ષમાં કૉંક્રીટના થઈ જશે. મુંબઈમાં ૨,૦૫૦ કિલોમીટરનું રસ્તાનું જાળું ફેલાયેલું છે, તેમાંથી ૯૯૦ કિલોમીટર જેટલા રસ્તાનું કૉંક્રીટાઈઝેશન થઈ ગયું છે. તો ૨૬૫ કિલોમીટરના રસ્તા માટે ટેન્ડર બહાર પાડીને કામ ચાલુ થઈ ગયું છે, તો નવેમ્બરમાં ૩૯૭ કિલોમીટરના રસ્તાના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવવાના છે
[ad_2]