[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

શરદ પવારે શેલાર સાથે બનાવી પેનલ જેમાં ઉદ્ધવ અને એકનાથ શિંદેના પણ વફાદાર

બધા રાજકીય વિરોધીઓ એમસીએમાં એકસાથે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ન સાંભળ્યું હોય કે ન જોયું હોય એવું જોવા સાંભળવા મળી રહ્યું છે. રાજ્યના રાજકારણમાં એકમેકના કટ્ટર હરીફો અને એકબીજાની સતત ટીકા કરી રહેલા નેતાઓ મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (એમસીએ)ની ચૂંટણીમાં એક થઈ ગયા છે અને તેને જોઈને એવો સવાલ થાય છે કે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ.
અહીં ઉલ્લેખનીય છે કે એમસીએ ભારતની બોર્ડ ઓફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ)ના બધા જ રાજ્ય એકમોમાંથી સૌથી શ્રીમંત સંસ્થા છે અને તેથી જ આ સંસ્થામાં બધા જ પક્ષના રાજકારણીઓને રસ છે. ૨૦મી ઓક્ટોબરના રોજ આ ચૂંટણી થવાની છે. સોમવારે ભાજપે અંધેરીની પેટાચૂંટણીનો ઉમેદવાર પાછો ખેંચી લેવાની જાહેરાત કરી ત્યારે કૉંગ્રેસના મહારાષ્ટ્ર અધ્યક્ષ નાના પટોલેએ એવો સંકેત આપ્યો હતો કે અંધેરીમાંથી ઉમેદવાર પાછો ખેંચી લેવાને એમસીએની ચૂંટણી સાથે સીધો સંબંધ છે.
એક અઠવાડિયા પહેલાં એમસીએની ચૂંટણી જાહેર થઈ ત્યારે તેમાં ત્રિપાંખિયો જંગ થવાનો હતો અને તેમાં એક પેનલ શરદ પવારની, બીજી પેનલ આશિષ શેલારની અને ત્રીજી પેનલ ભૂતપૂર્વ ક્રિકેટર સંદીપ પાટીલની હતી. સંદીપ પાટીલ એક સમયના વિખ્યાત બેટ્સમેન છે અને તેમની ધમાકેદાર બેટિંગ માટે જાણીતા છે. આ અઠવાડિયે હવે એમસીએની ચૂંટણીમાં સીધો જંગ થવાનો છે, જેમાં એક પેનલ સંદીપ પાટીલની છે અને બીજી પેનલ શેલાર-પવારની છે.
આશિષ શેલાર મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ બનવા માગતા હતા, પરંતુ મંગળવારે બીસીસીઆઈમાં ખજાનચી તરીકે તેમની વરણી થઈ ગઈ હોવાથી હવે તેઓ એમસીએમાં કોઈ હોદ્દો સ્વીકારી શકશે નહીં. આથી હવે શેલાર-પવાર પેનલના અધ્યક્ષપદના ઉમેદવાર નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના બાળપણના મિત્ર અને અત્યંત વિશ્ર્વાસુ અમોલ કાળેને બનાવવામાં આવ્યા છે, જેઓ અગાઉની કમિટીમાં વાઈસ-પ્રેસિડેન્ટ હતા. આ ઉપરાંત આ પેનલમાં એપેક્સ કાઉન્સિલના સભ્યો તરીકે ઉદ્ધવ ઠાકરેના અત્યંત વિશ્ર્વાસુ મિલિંદ નાર્વેકર, શરદ પવારના અત્યંત વિશ્ર્વાસુ જિતેન્દ્ર આવ્હાડ છે.
શિંદે જૂથના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકના પુત્ર વિહંગ સરનાઈકની મુંબઈ ટી-૨૦ લીગની ગવર્નીંગ કાઉન્સિલના ચેરમેન તરીકે બિનવિરોધ વરણી થઈ જવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. એકમેકના કટ્ટર વિરોધી ચારેય રાજકીય પક્ષોના નેતાઓ એમસીએની ચૂંટણીમાં એક જ જૂથમાં છે, એટલું જ નહીં આ ચૂંટણી માટેના પ્રચાર માટેની બેઠકમાં ખુદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. તેમને એ વાતથી કોઈ ફરક પડ્યો નહોતો કે તેમની પેનલમાં શરદ પવાર અને ઉદ્ધવના નજીકના લોકોને સ્થાન આપવામાં આવ્યું છે.
બીજી તરફ અધ્યક્ષપદના ઉમેદવાર અમોલ કાળેએ એમસીએની ચૂંટણીની પેનલને બિનરાજકીય સામાજિક જૂથ ગણાવ્યું હતું અને આ મુદ્દે કોઈ વિવાદ ન કરવાની અપીલ કરી હતી.

 

 

[ad_2]

Google search engine