[ad_1]

એકસ્ટ્રા અફેર-ભરત ભારદ્વાજ
મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર પ્રહારો પર પ્રહાર કર્યા કરે છે છતાં તેમને રાજ્યપાલપદેથી કેમ હટાવાતા નથી એ સવાલ ચર્ચાઈ રહ્યો છે. ભાજપમાં મોદીની સામે ઊંચી આંખ કરનારને પણ કદ પ્રમાણે વેતરી નંખાય છે ત્યારે મલિક તો સીધા નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા કરે છે છતાં મોદી સરકાર તેમને કશું કરતી નથી તેનું ભાજપમાં પણ સૌને આશ્ર્ચર્ય છે.
સામાન્ય સંજોગોમાં મોદી સામે ટીપ્પણી થાય તો ભાજપના નેતા બચાવ કરવા કૂદી પડતા હોય છે ત્યારે મલિકના કિસ્સામાં મજાની વાત એ છે કે, ભાજપના કોઈ નેતા મલિકની વાતનો વિરોધ કરવા કે મોદીનો બચાવ કરવા પણ નથી ઉતરતા. એવું નથી કે મલિકે એકાદ-બેવાર મોદીની ટીકા કરી હોય, છેલ્લાં બે વર્ષ કરતાં વધારે સમયથી મલિક મોદી અને તેમની સરકારની પાછળ પડી ગયા છે. આમ છતાં મોદી પોતે કોઈ પ્રતિક્રિયા આપતા નથી કે મલિક સામે કોઈ પગલાં પણ લેવાતાં નથી. ભારતના રાજકારણમાં આ અભૂતપૂર્વ ઘટના છે ને આવું કેમ બની રહ્યું છે એ કોઈને સમજાતું નથી.
સત્યપાલ મલિક જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા પણ મોદીએ તેમને કાશ્મીરમાંથી ખસેડ્યા ત્યારથી એ બગડ્યા છે. એ વખતે મોદી સરકારે બનાવેલા કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા ને દિલ્હીની સરહદે ધામા નાંખીને પડ્યા હતા. મલિકે ખેડૂતોનો ખુલ્લો પક્ષ લઈને મોદી સરકાર સામે તલવાર તાણી દીધી હતી.
મોદી સરકાર ખેડૂત આંદોલન મુદ્દે અસંવેદનશીલ હોવાનો આક્ષેપ કરીને સત્યપાલ મલિકે મોટો આંચકો આપી દીધો હતો. રાજસ્થાનના ઝુનઝુનમાં એક કાર્યક્રમમાં મલિકે સીધા નરેન્દ્ર મોદીને લપેટમાં લઈને કહેલું કે, કૂતરું પણ મરી જાય તો આપણા નેતાઓનો શોક સંદેશ આવી જાય છે પણ ૨૫૦ ખેડૂતોના મોત થવા છતાં કોઈ નેતા ચૂં પણ કરતો નથી. ખેડૂતોના મોત પર નેતાઓની ચૂપકીદી અસંવેદનશીલતા દર્શાવે છે.
મલિકે એ પછી મોદી-શાહને ખેડૂતોની વાત માની લેવાની સલાહ આપતાં કહેલું કે, સીખ પીછેહઠમાં માનતા નથી કે ૩૦૦ વર્ષ પછી પણ કોઈ વાતને ભૂલતા નથી. ઈન્દિરા ગાંધીએ ઑપરેશન બ્લુસ્ટાર પછી મહામૃત્યુંજય જાપ કરાવ્યા હતા છતાં ના બચ્યાં એ જોતાં મોદીએ પણ ખેડૂતોની વાચ માની લેવાની જરૂર છે. એ પછી મલિકે હરિયાણાના અપક્ષ ધારાસભ્ય સોમબીર સાંગવાનને લખેલા પત્રમાં લખેલું કે, પોતે મોદી અને અમિત શાહ બંનેને સાફ શબ્દોમાં કહ્યું છે કે તમે ખોટા રસ્તે છો. મેં મોદી-શાહને કહેલું કે, ખેડૂતોને દબાવવાની, ડરાવવાની કે દબાણ લાવવાની કોશિશ ન કરશો. મલિકે ખેડૂત આંદોલનમાં ૩૦૦થી વધારે ખેડૂતોના મોત પર મોદી સરકારે એકવાર પણ દુ:ખ વ્યક્ત નથી કર્યું તેને નિંદનિય અને નિર્દયતાપૂર્ણ ગણાવી હતી.
મલિકે એ પછી મોદી વિશે જે વાત કરી તેના કારણે ભાજપના નેતાઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. મલિકનો દાવો હતો કે, ખેડૂતોના મુદ્દે પોતે મોદીને મળ્યા ત્યારે મોદી અત્યંત અહંકારીરીતે વર્ત્યા હતા. તેના કારણે પોતાનો મોદી સાથે ઝઘડો થઈ ગયો હતો. મલિકના દાવા પ્રમાણે એ વખતે મોદીએ પોતાને શાહને મળવા કહેલું. પોતે શાહને મળ્યા ત્યારે શાહે કહેલું કે, મોદીની માનસિક સ્થિતિ સારી નથી તેથી તમે નચિંત રહો. મલિકની કોમેન્ટ્સના કારણે મોદી-શાહ વચ્ચે તિરાડ હોવાની વાતો પણ વહેતી થઈ હતી.
મલિકે ભાજપ શાસનમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા છે. મલિકે જમ્મુ અને કાશ્મીરના કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટમાં ૨,૨૦૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરતાં સીબીઆઈએ કેસ નોંધવો પડ્યો છે. સીબીઆઈએ મુંબઇની પટેલ એન્જિનિયરિંગ કંપનીએ સરકારી અધિકારીઓ સાથે મિલીભગત કરીને આ પ્રોજેક્ટના સિવિલ વર્કનો ૨,૨૦૦ કરોડનો કોન્ટ્રાક્ટ ટેન્ડર વિના બારોબાર મેળવી લીધાનો આરોપ મૂક્યો છે.
મલિકે આક્ષેપ મૂક્યો હતો કે, આ પ્રોજેક્ટ માટે તેમને ૩૦૦ કરોડ રૂપિયાની લાંચ આપવાની ઓફર થઇ હતી. મલિકે આ કેસમાં મોદીની નજીક મનાતા મુકેશ અંબાણી સામે સીધો આક્ષેપ કરેલો. મલિકે કહેલું કે, અંબાણી તથા સંઘ સાથે સંકળાયેલી વ્યક્તિની ફાઈલો ક્લીયર કરવા ૩૦૦ કરોડ રૂપિયાની ઓફર થઈ હતી.
કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયા પછી મોદીના માનીતા આઈએએસ અધિકારી જી.એસ. મુર્મૂને લેફ્ટનન્ટ ગવર્નર બનાવાયા એ અંગે મલિકે કટાક્ષ કરેલો કે, રાજ્યપાલોએ કશું કરવાનું હોતું નથી. તેમાં પણ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ તો સામાન્યરીતે વાઈન પીવે છે ને ગોલ્ફ રમે છે. બીજાં રાજ્યોના રાજ્યપાલ પણ સંઘર્ષથી દૂર રહેવાનું પસંદ કરે છે ત્યારે પોતે લોકોની સમસ્યાઓ વિશે સચેત છે.
થોડા સમયની શાંતિ પછી હમણાં મલિકે પાછા મોદી પર પ્રહાર શરૂ કર્યા છે. હમણાં જ મલિકે ધડાકો કર્યો કે, વડા પ્રધાનના એક મિત્ર અદાણીના કારણે પાક માટેના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) લાગુ નથી કરવામાં આવતા. અદાણીને એરપોર્ટ, પોર્ટ, મોટા પ્રોજેક્ટ આપી દેવાયા છે અને એક રીતે દેશને વેચવાની તૈયારી કરી દેવાઈ છે પણ અમે દેશને વેચાવા દઈશું નહીં. મલિકે ચીમકી આપી કે, એમએસપી લાગુ કરવાની કાયદેસર ગેરંટી આપવામાં નહીં આવે તો ભયંકર લડત લડીશું. મલિકે કટાક્ષ પણ કર્યો કે, ખેડૂતને ત્યાં તમે ઈડી કે ઈન્કમ ટેક્સ અધિકારી મોકલી શકતા નથી તો પછી તમે ખેડૂતોને કેવી રીતે ડરાવશો?
આ નિવેદનના પગલે વિવાદ થતાં મલિકે સીધો મોદીને પડકાર ફેંકીને કહેલું કે, હું છાતી ઠોકીને કહું છું કે, મોદીએ મારી સામે કરાવવી હોય એ તપાસ કરાવી લે પણ હું મને ઠીક લાગશે એ બોલીશ જ. હું બેધડક બોલી શકું છું કેમ કે મેં કશું ખોટું કર્યું નથી. બાકી મોદી સરકાર સામે આટલું બોલ્યા પછી મારે ત્યાં દરોડા પડી જ ગયા હોત. મલિકે એ પછી એવો દાવો પણ કર્યો કે, મને મોદી સામે નહીં બોલવા અને ચૂપ રહેવા માટે ઉપરાષ્ટ્રપતિપદની ઓફર પણ થઈ હતી પણ હું તૈયાર નહોતો તેથી જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા.
ફરી એ જ સવાલ આવીને ઊભો રહી જાય છે કે, આવા આકરા પ્રહારો છતાં મલિકને મોદી કેમ કશું કરતા નથી?
Post Views:
189
[ad_2]