[ad_1]
ગુજરાતમાં વિમાન પણ બનતા થશે: મોદી
સૌરઊર્જા: મોઢેરા દેશનું સૌરઊર્જાથી સંચાલિત પ્રથમ ગામ બન્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામને ચોવીસ કલાક સૌરઊર્જાથી કાર્યરત જાહેર કરતાં બિનપરંપરાગત ઊર્જાના વપરાશના ક્ષેત્રે ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે વડા પ્રધાને મોઢેરાની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાજ્ય એકમના પ્રમુખ સી. આર. પાટીલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા. (તસવીર: પીટીઆઈ)
——–
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરાને ભારતનું પ્રથમ રાઉન્ડ ધ ક્લોક સૌરઊર્જાથી ચાલતું ગામ જાહેર કરતા જણાવ્યું હતુ કે મારા શબ્દો લખી રાખજો, જે ગુજરાતમાં એક સમયે સાઇકલ નહોતી બનતી ત્યાં હવે ગાડી અને મેટ્રોના કોચ બનવા લાગ્યા છે. એ દિવસો દૂર નથી કે અહીં વિમાન પણ બનતા હશે. જાપાનવાળા ગાડી અહીં બનાવે અને અહીં બનાવેલી ગાડી જાપાન મંગાવે છે.
તેમણે એવું પણ કહ્યું હતું કે મારી જ્ઞાતિને જોયા વગર ગુજરાતના લોકોએ મને દોઢ દાયકા સુધી ગુજરાતનુ શાસન સોંપ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા હતા. મોઢેરા પહોંચેલા વડા પ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં વડા પ્રધાનના હસ્તે મહેસાણા જિલ્લાના રૂપિયા ૩,૦૯૨ કરોડનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોદીએ જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે, હજારો કરોડના પ્રોજેક્ટ રોજગારના નવા અવસર પેદા કરશે, ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં મદદ કરશે. મોઢેરા સૌરઊર્જા સંચાલતિ (સોલર પાવર્ડ) ગામ બન્યું હોવાથી તેની આજે દેશભરમાં ચર્ચા થઇ રહી છે.
પર્યાવરણવાદીઓ માટે મોઢેરા પોતાની જગ્યા બનાવી લેશે. સરકાર સૌરઊર્જા (સોલર પાવર)ને પ્રોત્સાહન આપવા માટે આર્થિક મદદ કરી રહી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતના ૨૦-૨૨ વર્ષના જુવાને કફર્યૂ શબ્દ સાંભળ્યો નથી, આ કાયદાનું કામ આપણે કરી બતાવ્યું છે. લોકોએ આંખ બંધ કરીને મને આશીર્વાદ આપ્યા છે. મને આવનારી પેઢીની ચિંતા હતી એટલે શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે તાકાત લગાવી છે. મારું ગામડું સમૃદ્ધ થાય તો મારું ગુજરાત ક્યારેય પાછું ન પડે.
આગામી સમયમાં હવે મોઢેરા ટૂરિઝમનું સેન્ટર બની જવાનું છે. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના માટે ખેડૂતોએ જે જમીન જોઈતી હતી તે આપી હતી. હવે નરેન્દ્ર અને ભૂપેન્દ્ર બંને ભેગા થયા એટલે હવે વિકાસની ગતિ જબરદસ્ત વધી છે.
વિકાસ કરવો હશે તો શિક્ષણ, કૌશલ્ય અને આરોગ્ય વિના બધું અધૂરું છે, એટલે મહેસાણામાં આના પર વિશેષ ધ્યાન આપ્યું છે.
ગુજરાતનાં બધાં તીર્થક્ષેત્રો પર એવું ભવ્ય કામ થઈ રહ્યું છે કે જેનાથી હિન્દુસ્તાનના ટૂરિસ્ટો આકર્ષાયા છે’
અત્રે ઉલ્લેખનીય છે કે, કુલ રૂપિયા ૧,૧૪૫ કરોડના વિકાસકાર્યનું લોકાર્પણ તેમજ વિકાસકાર્યમાં રૂપિયા ૫૧૧ કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ ક્ધવર્ઝન (૫૩.૪૩ કિમી). જે અમદાવાદ-મહેસાણા ગેજ ક્ધવર્ઝન પ્રોજેક્ટ (૬૮.૭૮ કિમી)નો એક ભાગ છે, તે સાથે જ રૂપિયા ૩૩૬ કરોડના ખર્ચે ઓએનજીસી નંદાસણ સરફેસ ફેસિલિટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જે વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. તેમાં એમ.એસ. પાઇપલાઇન પ્રોજેક્ટ, મોઢેરા સોલર વિલેજ, ધરોઇ ડેમ આધારિત વડનગર, ખેરાલુ અને ધરોઇ ગ્રૂપ રિફોર્મ સ્કીમ, બેચરાજી-મોઢેરા-ચાણસ્મા રોડ, ઉંઝા-દસાજ-ઉપેરા-લાડોલ રોડ એક્સપાન્શનની કામગીરી, મહેસાણા ખાતે રિજિયોનલ ટ્રેનિંગ સેન્ટર અને મોઢેરા સૂર્યમંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો સમાવેશ થાય છે. કુલ મળીને રૂપિયા ૧,૧૪૫.૬૪ કરોડના વિકાસકાર્યોનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત મોઢેરાને દેશનું પ્રથમ રાઉન્ડ-ધ-ક્લોક સોલાર પાવર વિલેજ બનાવવા માટે ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલર પાવર પ્લાન્ટ અને રહેણાંક અને સરકારી ઈમારતો પર ૧,૩૦૦થી વધુ રૂફટોપ સોલર સિસ્ટમ વિકસાવવાનો સમાવેશ થાય છે.
દરમિયાન વડા પ્રધાનના કાર્યક્રમને પગલે મોઢેરા અને તેની આસપાસના તમામ વિસ્તારોમાં ૧૮૦૦થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો. મહેસાણા સહિત આસપાસના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી એમ પાંચ જિલ્લાના ૯ એસપી કક્ષાના અધિકારીઓ, ૧૭ ડીવાયએસપી, ૫૦ પીઆઈ, ૧૪૦ પીએસઆઇ અને ૧૮૦૦ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
[ad_2]