[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

* મુંબઈ થાણેમાં સાંબેલાધાર વરસાદ: હજી બે દિવસની હવામાન ખાતાની આગાહી
* નોરુ ચક્રવાતને કારણે બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણનું ક્ષેત્ર ઊભું થયું હોવાથી મેઘરાજાની જોરદાર હાજરી
* બાર કલાકમાં તળ મુંબઈમાં ૧ ઇંચ અને પરામાં ૨.૩ ઇંચ વરસાદ
——-
મુંબઈની ગતિ મંદ પડી: શુક્રવાર સવારથી કાળા ડીબાંગ વાદળાઓએ આકાશને ઘેરી લીધું હતું. ધોધમાર વરસાદને લીધે વેસ્ટર્ન એક્સ્પ્રેસ-વૅમાં ટ્રાફિક જામ સજાર્યો હતો. મુંબઈગરાને રેઇનકોટ બહાર કાઢવાની જરૂર પડી હતી. જો કે, વિરાટ પક્ષીએ મેઘરાજાની મજા માણી હતી.
(તસવીર: જયપ્રકાશ કેળકર/અમય ખરાડે)
———-
મુંબઈ: મુંબઈ આને થાણેના અમુક ભાગોમાં શુક્રવારે બપોરના ૧૨ વાગ્યાથી વરસાદે હાજરી નોંધાવી હતી. સતત બેથી ત્રણ કલાક વરસાદ પડ્યા બાદસાંજે ફરી વરસાદનું ઝાપટું પડ્યું હતું. શુક્રવારે બપોરથી ધોધમાર વરસાદ વરસતાં મુંબઈ સહિત થાણે, પાલઘર અને કોંકણ વિસ્તારમાં આગામી બે દિવસ માટે યેલો એલર્ટની ચેતવણી હવામાન ખાતાએ આપી હતી. શુક્રવારે પાછોતરો વરસાદ પડ્યો હતો અને હજી પાંચ દિવસ સુધી વરસાદ વરસશે એવી આગાહી હવામાન ખાતાએ કરી હતી. ભારે વરસાદને કારણે મધ્ય રેલવેની ટ્રેન ૧૦થી ૧૫ મિનિટ દોડતી હતી, જ્યારે પશ્ર્ચિમ રેલવેની સેવા રાબેતા મુજબ દોડતી હતી. શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.
પ્રશાંત મહારાગરના ચીન તરફના સમુદ્રમાં નોરુ ચક્રવાતને કારણએ બંગાલના ઉપસાગરમાં ઓછા દબાણનું ક્ષેત્ર ઊભું થયું છે. આને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસ દરમિયાન સમુદ્રના વાતાવરણમાં પલટો આવ્યો હોવાને કારણે માછીમારોને મોટી અસર થઇ છે. ખરાબ હવામાન અને વરસાદને કારણે માછીમારી કરતી બોટ કિનારા પર આવી ગઇ છે. આથી
કરોડોની ઊથલપાથલ ઠપ થઇ ગઇ છે.
શુક્રવારે પડેલા મુશળધાર વરસાદને કારણે કોલાબા વેધશાળામાં શુક્રવારના રાતના ૮-૩૦ વાગ્યા સુધીના બાર કલાકના સમયગાળામાં ૨૩.૬ મિ.મી. (આશરે ૧ ઇંચ) વરસાદ નોંધાયો હતો, જ્યારે સાંતાક્રુઝ વેધશાળામાં આ સમયગાળામાં ૫૮.૦ મિ.મી. (૨.૩ ઇંચ) વરસાદ નોંધાયો હતો. શુક્રવારે સવારે ૧૦.૧૦ વાગ્યે ૪.૧૯ મીટરનાં અને રાતે ૧૦.૩૩ મીટરનાં ઊંચાં મોજાં ઉછળ્યાં હતાં.
પવન ફૂંકાવાની સાથે વરસાદ પડવાને કારણે શુક્રવારે શહેરમાં એક વૃક્ષ ધરાશાયી થયું હતું જ્યારે શોર્ટ સરકિટની ચાર ઘટના બની હતી. એક ઠેકાણે ઘર ધરાશાયી થયું હોવાની ઘટના બની હતી, જ્યારે સાંજના સમયે વરસાદને કારણે ખોરવાયેલા વાહનવ્યવહાર રાતના આઠ વાગ્યા બાદ પૂર્વવત થયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ, થાણે, ડોંબિવલી અને નવી મુંબઈમાં સવારથી વરસાદ વરસવાનું શરૂ થયું હતું. શુક્રવારે સવારથી બપોરના અઢી વાગ્યા સુધી ૯૪.૩ મિ.મી. વરસાદની નોંધ થઇ હતી. મુંબઈ શહેરમાં પણ મુશળધાર વરસ્યો હતો અને દાદર, એલ્ફિન્સટન તેમ જ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.
હાલમાં ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે અને વરસાદની મોસમમાં પડે એવો વરસાદ શુક્રવારે પડ્યો હતો. રાજ્યમાં પાછોતરા વરસાદ પડવાને કારણે અનેક ઠેકાણે ખેતીનું નુકસાન થયું હતું. કાપુસ, સોયાબીન અને ચોખાના પાકને ઘણું નુકસાન થયું હતું. રાજ્યમાં હજી ચારથી પાંચ દિવસ પડે એવી આગાહી હવામાન ખાતાએ કરી હતી. આગામી પાંચ દિવસ એટલે કે ૧૧મી ઓક્ટોબર સાથે વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડવાની શક્યતા દર્શાવીને હવામાન ખાતાએ પાંચ દિવસ માટે રાજ્યમાં યેલો એલર્ટની ચેતાવણી આપી હતી.
શનિવારે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસે એવી આગાહી હવામાન ખાતાએ કરી હતી, જ્યારે ૯ અને ૧૦મી ઓક્ટોબરે પૂર્વ વિદર્ભ અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રના અમુક જિલ્લાઓને બાદ કરતાં મહારાષ્ટ્રમાં જોરદાર વરસાદ વરસે એવી શક્યતા હવામાન ખાતાએ કરી હતી. ૧૧મી ઓક્ટોબરના રોજ કોંકણના અમુક ભાગોમાં અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રના અમુક જિલ્લાઓને બાદ કરતાં રાજ્યમાં મેઘરાજાનું જોર રહેશે.
——–
થાણેમાં ૮ કલાકમાં ૪૭.૪૯ મીમી વરસાદ
થાણેમાં શુક્રવારે રેકોર્ડ બ્રેક ૪૭.૪૯ મિ.મી. વરસાદ નોંધાયો હતો. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (આરડીએમસી)માં ૭૯ પદોને મંજૂરી આપી હતી, એવું એક અધિકારીએ જણાવ્યું હતું. થાણેના ઝડપી શહેરીકરણ અને અનિચ્છનીય ઘટનાઓ માટે ઝડપી પ્રતિસાદની જરૂરિયાતને કારણે આ પોસ્ટ્સને મંજૂરી આપવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આરડીએમસીના વડા અવિનાશ સાવંતે જણાવ્યું હતું કે શુક્રવારે સવારે સાડાઆઠથી સાંજના સાડાચાર વાગ્યાની વચ્ચે થાણે શહેરમાં ૪૭.૪૯ મિ.મી. વરસાદ થયો હતો. આને કારણે સીઝનનો એકંદર વરસાદ ૨૮૫૨.૭૩ મિ.મી. થઇ ગયો હતો. દરમિયાન ડોંબિવલીમાં વરસાદને કારણે ૬ કલાક વીજળીવ્યવહાર ખોરવાયો હતો.
——–
મુંબઈ સહિત ઉપનગરમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. બીજી બાજુ રાજ્યમાં કોલ્હાપુર, પાલઘર, નાશિક, પુણે અને રત્નાગિરિ જિલ્લામાં પણ ભારે પ્રમાણમાં વરસાદ થયો હતો. આ તમામ જિલ્લાને અતિવૃષ્ટિ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
——-

કોલ્હાપુર, પાલઘર, નાશિક, પુણે અને રત્નાગિરિ જિલ્લાને અતિવૃષ્ટિ જાહેર કરાયા

 

 

Google search engine

[ad_2]

Google search engine