[ad_1]
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
૧૯૪૨નું વર્ષ… રેડિયો પર રાત્રે ૮.૪૫ વાગે આ સ્વર સાંભળતાં જ રૈયતથી માંડીને રાજનેતાઓના કાન સરવા થઈ જતા. આ પ્રસારણમાં આઝાદીના આંદોલન સંબંધી દેશની મહત્ત્વની તમામ ઘટનાઓ આવરી લેવાતી. ‘હિન્દ છોડો’ આંદોલન દરમિયાન દેશના ખૂણે ખૂણે માહિતી પહોંચાડવા કોંગ્રેસ રેડિયોનો આરંભ થયેલો. પ્રસારણનો અંત ‘વંદે માતરમ્’ ગાનથી થતો. ૨૭ ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ આ ભૂગર્ભ કોંગ્રેસ રેડિયોનું પ્રસારણ શરૂ થયું. અંગ્રેજ સરકારને હાથે ૧૨ નવેમ્બર, ૧૯૪૨ના ઝડપાયો ત્યાં સુધીના ત્રણેક મહિના લગી સમાચારોનું પ્રસારણ કરતો રહ્યો.
આ કોંગ્રેસ રેડિયોનો વિચાર જેણે કર્યો અને સાહસભેર ભૂગર્ભ રેડિયો પર સમાચારોનું વાચન કર્યું એ વીરાંગના એટલે ઉષા મહેતા. માત્ર બાવીસ વર્ષની વયે ઉષાબહેને ભૂગર્ભ રેડિયો ચલાવીને ક્રાંતિ કરેલી.
આ સંદર્ભમાં એમના અંતરંગ સાથી રહેલાં ઉષાબહેન ઠક્કરને ‘કોંગ્રેસ રેડિયો – ઉષા મહેતા એન્ડ અન્ડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન’માં ઉષા મહેતાએ કહેલું કે ‘અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ૭ અને ૮ ઓગસ્ટ, ૧૯૪૨ના સત્રમાં બન્ને દિવસ હું મારા મિત્રો સાથે હાજર રહેલી. ‘કરો યા મરો’ સૂત્રના રંગે સહુ રંગાઈ ગયા. વ્યાપારી અને રાષ્ટ્રભાષા વર્ગના સહપાઠી વિઠ્ઠલદાસ ઉર્ફે બાબુભાઈ માધવજી ખાખર પણ ચર્ચામાં જોડાયા. એ સમયે, દુનિયાના અન્ય દેશોમાં થયેલી ક્રાંતિના ઈતિહાસ અંગેના મારા અભ્યાસના આધારે એક રેડિયો સ્ટેશન ઊભું કરવાનું સૂચન કર્યું. જો રેડિયો સ્ટેશન સ્થાપી શકાય તો પ્રજાને હિન્દ છોડો લડતની છેલ્લામાં છેલ્લી ઘટનાથી માહિતગાર કરી શકાય. પોતાનું ટ્રાન્સમીટર એ સમયની જરૂરિયાત હતી. સહુ એ બાબતે સંમત થયા. મેં, બાબુભાઈ અને સાથીઓએ સ્વાતંત્ર્ય રેડિયો પર કામ કરવાનું નક્કી કર્યું.’
રામમનોહર લોહિયાની સીધી દેખરેખ હેઠળ બાબુભાઈ રેડિયો સ્ટેશનના નિર્માણ કરવાના કામમાં પરોવાયા. મન હોય તો માળવે જવાય… ઉષાબહેન, બાબુભાઈ અને અન્ય મિત્રોના પ્રયાસથી જોતજોતામાં રેડિયો સ્ટેશન ઊભું થઈ શક્યું. માહિતીના આધારે ઉષાબહેન અને સાથીઓ રોજના સમાચાર તૈયાર કરતાં. સમાચારવાચક તરીકે ઉષાબહેન જ હોય.
અંગ્રેજ પોલીસ કોંગ્રેસ રેડિયો સ્ટેશન શોધવાના સઘળા પ્રયાસો કરી રહેલી. ઉષાબહેન અને સાથીઓએ રેડિયો સ્ટેશનનું ઠામઠેકાણું સતત બદલતા રહેવું પડતું. ઉષાબહેન અને બાબુભાઈ નવું ઠેકાણું શોધ્યા કરતાં. એક વાર ઉષાબહેન અને બાબુભાઈને મુલુંડમાં એક અત્યંત સુરક્ષિત સ્થળ મળી આવ્યું. એમ લાગ્યું કે એકાદ-બે મહિના તો આ જગ્યાએથી નિર્ભિકપણે પ્રસારણ થઈ શકશે. બન્ને મકાનમાલિકને મળીને એ ઘરનું ભાડું ચૂકવવા ગયાં. ઘરમાં એક વિચિત્ર દેખાતું સાધન જોયું. બન્નેએ પૂછ્યું: શેઠજી, આ શું છે? મકાનમાલિક કહે: ગેરકાયદે રેડિયો પકડવા માટેનું મશીન છે! ઉષાબહેનનું હૃદય એક ધબકારો ચૂકી ગયું, પણ મુખમુદ્રા પર ભયના ભાવ ન ઊપસી આવે તેની તકેદારી રાખી. બન્ને ત્યાંથી નીકળી ગયાં. ત્રણેક મહિના સુધી સ્વતંત્રતા સેનાનીઓ અને અંગ્રેજ પોલીસ વચ્ચે સંતાકૂકડી રમાઈ, પણ એ પછી પોલીસે એમને ઝડપી જ લીધા. એ દિવસ હતો ૧૨ નવેમ્બર, ૧૯૪૨… ઉષાબહેન સમાચારોનું વાચન કર્યા પછી વંદે માતરમ્ ગાનનું પ્રસારણ કરી રહ્યાં હતાં ત્યારે પોલીસે પ્રવેશ કર્યો. રેકોર્ડ બંધ કરવા કહ્યું, પણ ઉષાબહેને નીડરતાથી કહ્યું: વંદેમાતરમ બંધ નહીં થાય. આ અમારું રાષ્ટ્રગાન છે. તમે સહુ પણ સાવધાનની મુદ્રામાં ઊભા રહો.
ઉષાબહેન અને સાથીઓની ધરપકડ કરવામાં આવી. ચાર વર્ષના જેલવાસ પછી ૧૯૪૬માં કારાવાસમાંથી બહાર આવ્યાં. વિલ્સન કોલેજમાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું. મુંબઈ વિશ્ર્વવિદ્યાલયના રાજનીતિશા વિભાગમાં જોડાયાં. ૧૯૯૮માં ભારત સરકારે પદ્મવિભૂષણથી સન્માનિત કર્યાં. બે વર્ષ બાદ ૧૧ ઓગસ્ટ, ૨૦૦૦ના રોજ એંસી વર્ષની ઉંમરે તેમનું નિધન થયું.
ઉષા મહેતાનો જન્મ ૨૫ માર્ચ, ૧૯૨૦ના સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામે થયો. પિતા હરિપ્રસાદ મહેતા. માતા મહિમાગૌરી. દંપતીનાં ચાર બાળકોમાં ઉષા સૌથી નાની અને એકમાત્ર દીકરી. હરિપ્રસાદ સરકારમાં ન્યાયાધીશના હોદ્દા પર હોવાથી બદલીઓ થતી. ઉષાએ ગુજરાતમાં ખેડા અને ભરૂચની શાળાઓમાં અભ્યાસ કર્યો. છેવટનો અભ્યાસ મુંબઈમાં વિલ્સન કોલેજમાં થયો. ઉષાબહેન છ વર્ષની ઉંમરે, ૧૯૨૬માં મહાત્મા ગાંધીને પ્રથમ વાર મળ્યાં. પિતા હરિપ્રસાદ ખેડા જિલ્લામાં ફરજ બજાવતા. ઉષાને ગાંધી આશ્રમ જોવાનું મન થતું. હરિપ્રસાદ સરકારી નોકરીમાં હોવાથી ગાંધી આશ્રમે જતાં ખચકાટ અનુભવતા હતા, પણ બાળહઠ સામે એમણે નમતું જોખ્યું. સહકુટુંબ આશ્રમની મુલાકાતે ગયા. મહેતા પરિવાર ફરતાં ફરતાં આશ્રમ નિહાળી રહેલો, ત્યાં તો સામે ગાંધીજી પ્રકટ્યા. એમણે ઉષાના ગાલે હળવેકથી ટપલી મારીને વહાલ કર્યું. ગાંધીજીએ પૂછ્યું: તું શું કરવાની? ઉષાએ કહ્યું: હું તો આશ્રમમાં રહેવાની. ઉષાનો જવાબ સાંભળીને ગાંધીજી નવાઈ પામ્યા. બોલ્યા: આશ્રમમાં રહેવા માટે તું ઘણી નાની છો. તેં તારા પિતાજીની મંજૂરી લીધી છે? ત્યારે ઉષાના લાલુ કાકાએ અંગ્રેજીમાં કહ્યું: તમે ઉષાનો સ્વીકાર કરવા તૈયાર હો તો અમને કોઈ વાંધો નથી.
ગાંધીજી કહે: અરે ભાઈ, તમે હિંદી છો. હું પણ હિંદી છું. તમે ગુજરાતી છો. હું પણ ગુજરાતી છું. તો આપણે અંગ્રેજીમાં શું કામ વાત કરીએ? હું દક્ષિણ આફ્રિકામાં વર્ષો રહ્યો, પણ મારી માતૃભાષા ભૂલ્યો નથી. આટલું કહીને ગાંધીજીએ ઉષા સામે જોયું. ગાંધીજીના શબ્દોથી ઉષા માતૃભાષાને પ્રેમ કરવાનો પહેલો પાઠ શીખી.
બે વર્ષ પછી… ૧૯૨૮માં સાયમન કમિશન બંધારણીય સુધારા અંગે રાષ્ટ્રીય નેતાઓ સાથે ચર્ચા કરવા અને લોકમિજાજ પારખવા ભારત આવ્યું. જોકે દેશભરમાં કમિશન સામે ઉગ્ર વિરોધનો વંટોળ ફૂંકાયો. આખાયે દેશમાં નારા ગુંજવા લાગ્યા: સાયમન ગો બેક! ઇન્કલાબ ઝિન્દાબાદ! વંદે માતરમ્…! આઠ વર્ષની ઉષા પણ પોતાના મિત્રો સાથે આ સૂત્રોચ્ચાર કરતી. આઝાદી આંદોલનમાં પહેલું પ્રદાન!
ખાદી ધારણ કરવી એ બીજું પ્રદાન. એ પણ સ્વયં ગાંધીજીના કહેવાથી. બન્યું એવું કે ઓલપાડમાં સ્થાનિક નેતાઓએ ગાંધીવાદી સિદ્ધાંતો પર આધારિત શિબિરનું આયોજન કરેલું. ઉષાબહેન શિબિરમાં ભાગ લેવા ગયાં. ઉષાબહેને વિલાયતી વનું ફ્રોક ધારણ કરેલું. ગાંધીજીએ કહ્યું: તારે શિબિરમાં રહેવું હોય તો વિદેશી વોનો ત્યાગ કરવો પડશે. તું જાણે છે કે સ્વરાજ-સ્વદેશી-સ્વભાષા એ ત્રણ આપણાં સૂત્ર છે. આ શબ્દોની ઉષાબહેનના માનસ પર ઊંડી અસર થઈ. એમણે જીવનભર ખાદી પહેરવાનો અને આજીવન અપરિણીત રહેવાનો નિશ્ર્ચય પણ કર્યો.
૧૯૩૦-’૩૧… ઉષાબહેન અને બાળાઓની માંજરસેનાએ સરઘસ કાઢ્યું. હાથમાં રાષ્ટ્રીય ધ્વજ અને હોઠે દેશભક્તિનું ગાન: નહીં નમશે, નહીં નમશે, નિશાનભૂમિ ભારતનું… અંગ્રેજ પોલીસના એક જૂથે છોકરીઓને ધ્વજ નીચે મૂકીને વિખેરાઈ જવા આદેશ આપ્યો, પણ છોકરીઓ ન માની. બોલી: બાપુએ અમને કહ્યું છે કે ધ્વજ નીચે મૂકી શકાય નહીં. પોલીસોએ છોકરીઓ પર લાઠીમાર કર્યો, પણ એમણે બહાદુરીથી સામનો કર્યો. આ ઘટના પછી માંજરસેનાએ કેસરી ચોળી, લીલા ચણિયા અને શ્ર્વેત ઓઢણી પહેરીને સરઘસ કાઢ્યું.
આજે ઉષાબહેન મહેતા ભલે ભૂગર્ભ રેડિયો માટે જ યાદ કરાતાં હોય, પણ આઝાદીના આંદોલનમાં એમણે બીજાં ઘણાં કાર્યો દ્વારા પાયાનું કામ કરેલું. ભારતવાસીઓ ‘આઝાદીની ઉષા’ નિહાળી શક્યા એ માટે જે જે લોકોએ પાયાના પથ્થર તરીકે યોગદાન કર્યું એમાં એક આપણાં ગરવાં ગુજરાતણ ઉષા મહેતા પણ હતાં, એનો આપણને સહુને ગર્વ અને ગૌરવ છે!
[ad_2]