[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભાજપ હિંદુવાદી હોવાનો દાવો કરે છે પણ તેનું હિંદુત્વ માત્ર ને માત્ર મતલક્ષી છે એ દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારના મંત્રી રાજેન્દ્ર પાલના મુદ્દે ફરી સાબિત થઈ ગયું. ભાજપને હિંદુત્વનો ઉપયોગ સત્તા માટે કરવા સિવાય બીજો કોઈ રસ નથી એ પણ આ કિસ્સાએ સાબિત કરી દીધું. ભાજપની આ માનસિકતાની વાત કરતાં પહેલાં રાજેન્દ્ર પાલનો કિસ્સો શું છે તેની વાત કરી લઈએ.
દિલ્હીમાં થોડા દિવસ પહેલાં ધર્મપરિવર્તનનો કાર્યક્રમ થયેલો. આ કાર્યક્રમમાં દસ હજાર કરતાં વધારે દલિતોએ બૌદ્ધ ધર્મની દિક્ષા લીધી. તેમાં એક કેજરીવાલ સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ પણ હતા. આ કાર્યક્રમના વાયરલ વીડિયોમાં એક બૌદ્ધ સંત હજારો લોકોને બૌદ્ધ ધર્મમાં આવકારતી વખતે પ્રતિક્ષા લેવડાવે છે કે, હું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં વિશ્ર્વાસ નહીં કરું. હું રામ અને કૃષ્ણની પૂજા નહીં કરું. હું કોઈ હિંદુ દેવતામાં વિશ્ર્વાસ નહીં કરું.
આ વીડિયો વાઇરલ થતા જ ભાજપના નેતા આમ આદમી પાર્ટી પર તૂટી પડ્યા. કેજરીવાલના મંત્રીઓ દિલ્હીમાં હિંદુઓ, હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરી રહ્યા છે અને કેજરીવાલ ગુજરાતમાં જય શ્રી કૃષ્ણ કહેવાનો ઢોંગ કરી રહ્યા છે એવા આક્ષેપોનો મારો ચાલ્યો. ભાજપના નેતા કપિલ મિશ્રાએ તો એવું કહી દીધું કે, આમ આદમી પાર્ટી ગરીબ હિંદુઓને મફતમાં સામાન આપીને ધર્માંતરણ કરાવનારી એજન્સી બની ગઈ છે. ભાજપના સાંસદ મનોજ તિવારીએ વળી નવું વાજું વગાડીને કહ્યું કે, આ હિંદુ અને બૌદ્ધ ધર્મનું અપમાન છે. આમ આદમી પાર્ટીના મંત્રીઓ રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેજરીવાલે પાલને તાત્કાલિક પક્ષમાંથી હાંકી કાઢવા જોઈએ અને અમે આ લોકો સામે ફરિયાદ કરીશું.
ગુજરાતમાં તો કેજરીવાલને મુસ્લિમ ચિતરી નાંખીને બેનરો પણ લગાવી દેવાયાં. ભાજપ સરકારના મંત્રી અરવિંદ રૈયાણીએ પ્રેસ-કોન્ફરન્સ યોજીને બકવાસ કર્યો ને બીજા દાડે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં બેનર લાગી ગયાં. ‘હું ઈશ્ર્વરને માનીશ નહીં’ એવાં લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક અને મુસ્લિમ ટોપી સાથેનાં બેનર લગાવી દેવાયાં. કેટલાંક બેનરોમાં ‘હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ઈશ્ર્વર માનીશ નહિ, આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર’ એવું લખાણ પણ હતું. વડોદરામાં તો આ મુદ્દે ભાજપના કાર્યકરોએ તોડફોડ પણ કરી નાંખી.
આ આખી ઘટના ભાજપની હિંદુત્વનો ઉપયોગ સત્તા લાલસા માટે કરવાની માનસિકતાનો પુરાવો છે. સાથે સાથે ભાજપના ગમાર નેતાઓને ઈતિહાસનું કંઈ ભાન નથી, હિંદુત્વ વિશે કોઈ સમજ નથી તેનો પણ પુરાવો છે. હિંદુ સમાજનાં લોકો વિશે વિચારવાના બદલે હિંદુત્વને લગતા વિવાદો ચગાવીને સત્તા મેળવવા સિવાય ભાજપને હિંદુત્વનો કોઈ ખપ નથી, હિંદુ સમાજનો ખપ નથી કે હિંદુઓનું ભલું કરવામાં પણ રસ નથી તેનો પણ આ નાદાર નમૂનો છે.
આ સત્તાલાલસાના કારણે તેમણે બૌદ્ધ ધર્મને ઈસ્લામમાં ખપાવવાની અક્ષમ્ય ચેષ્ટા કરી નાંખી. કેજરીવાલના મંત્રી પાલ બૌદ્ધ ધર્મી બન્યા છે, ઈસ્લામ અંગિકાર્ય કર્યો નથી. આ વાતને કેજરીવાલ સાથે કંઈ લેવાદેવા નથી છતાં કેજરીવાલને મુસ્લિમ ચિતરવા પાછળના ઈરાદા શું છે એ કહેવાની જરૂર નથી. આ ગમારોને એ વાતની પણ ખબર નથી કે બૌદ્ધ ધર્મ હિંદુત્વનો હિસ્સો છે. હિંદુ પૌરાણિક પરંપરામાં ભગવાન વિષ્ણુના અવતારોમાં ભગવાન બુધ્ધ પણ છે. આ ગમારોએ કોઈ દિવસ હિંદુ ગ્રંથો વાંચ્યા હોય તો આ વાતની ખબર હોય ને? બૌધ્ધ ધર્મ ભલે અલગ ગણાતો હોય ને સરકારી રાહે તેને ભલે અલગ ધર્મ તરીકે માન્યતા મળી પણ એ હિંદુ ધર્મનો ફાંટો જ છે. તેને ઈસ્લામ સાથે સરખાવનારને પોતાને હિંદુ કહેવડાવવાનો જ અધિકાર નથી.
ને સૌથી મોટી વાત એ કે, જે લોકો હિંદુત્વના અપમાનના નામે કૂદાકૂદ કરી રહ્યાં છે એ ડફોળોને ખબર જ નથી કે, હું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં વિશ્ર્વાસ નહીં કરું. હું રામ અને કૃષ્ણની પૂજા નહીં કરું. હું કોઈ હિંદુ દેવતામાં વિશ્ર્વાસ નહીં કરું. આ વાત રાજેન્દ્ર પાલ કે કોઈ બૌદ્ધ સંતે નથી કરેલી પણ ડો. બાબાસાહેબ આંબેડકરે કરેલી છે. હા, ભાજપ અત્યારે જેમના નામે ચરી ખાય છે એ બાબાસાહેબ આંબેડકરે પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ વાતનું ઐતિહાસિક મહત્ત્વ છે પણ વૉટ્સએપ પર ફરતા ને સાહેબો દ્વારા ફેકાતા ગપગોળાને જ ઈતિહાસ માનતા ગમારોને આ વાતની ખબર ના જ હોય. ભાજપ અત્યારે હિંદુ ધર્મમાં દલિતોની અવગણના અને ઉપેક્ષાથી કંટાળીને ડૉ. બાબાસાહેબ આંબેડકરે ૧૪ ઓક્ટોબર ૧૯૫૬નાં રોજ વિજયાદસમીના દિવસે બૌદ્ધ ધર્મ અંગિકાર કરી લીધો બતો. બાબાસાહેબે પ્રતિજ્ઞા લીધી હતી કે, એક હિન્દૂ તરીકે જન્મ લેવો એ મારા હાથની વાત નહોતી પણ હું એક હિન્દૂ તરીકે મરીશ નહીં. વિજયાદશમીના દિવસે બાબાસાહેબ આંબેડકરે પોતાના ૫ લાખ અનુયાયીઓ સાથે નાગપુર ખાતે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી ત્યારે તેમણે ૨૨ પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી. વાઇરલ વીડિયોમાં લોકો બોલે છે એ આ ૨૨ પ્રતિજ્ઞાઓમાંથી એક છે.
આ વીડિયો જોઈને જેમનું લોહી ઉકળી ઉઠ્યું છે, જેમનું હિંદુત્વ ઉછાળા મારવા માંડ્યું છે એ લોકોમાં કે જેમના ઈશારે કેજરીવાલને મુસ્લમાન ચિતરવા નિકળ્યા છે એ લોકો પણ બાબાસાહેબ સામે બોલવાની હિંમત બતાવશે? બાબાસાહેબને પણ હિંદુ વિરોધી ગણાવીને તેમનાં પણ બેનર લગાવશે?
બાબાસાહેબે જે કરેલું એ યોગ્ય હતું ને આ ૨૨ પ્રતિજ્ઞા તેમના આક્રોશનું પ્રતીક છે. દલિતોને માણસ જ નહીં ગણનારા હિંદુ સમાજને છોડીને બાબાસાહેબે એક તમાચો માર્યો હતો. કમનસીબે હિંદુઓ ને હિંદુ ધર્મના ઠેકેદારો તેમાંથી કશું શીખ્યા નથી. બાબાસાહેબના સમયમાં હતી એ જ હાલત સાત દાયકા પછી પણ છે જ.
આજે પણ ફાલતુ વાતોને ચગાવાઈ રહી છે પણ દસ હજાર દલિતોએ હિંદુ ધર્મ કેમ છોડવો પડ્યો તેની કોઈ વાત કરતું નથી. હિંદુત્વના ઠેકેદારોને એ વાતની શરમ નથી. દલિતોની તકલીફો તરફ કોઈનું ધ્યાન નથી. દલિતો હિંદુ ધર્મનો હિસ્સો છે અને હિંદુ ધર્મને ટકાવવો હશે તો દલિતોને નહીં અવગણી શકાય તેનો અહેસાસ હજુ થતો નથી.

Google search engine

[ad_2]

Google search engine