[ad_1]
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણો વખતે સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી લીમખેડાની યુવતી બિલકિસ બાનોના બળાત્કારીઓને છોડી મૂકવાના કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને
તતડાવી નાંખી છે. બિલકિસના બળાત્કારીઓને છોડી મૂકવાનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસમાં દોષિતોને ગુજરાત સરકારે છોડી મૂક્યા તેની સામે સુહાસિની અલી અને મહુઆ મોઈત્રાએ કરેલી અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારીને એફિડેવિટ કરવા કહ્યું હતું.
ગુજરાત સરકારે કરેલી એફિડેવિટ જોઈને સુપ્રીમ કોર્ટ બગડી છે. સુપ્રીમ કોર્ટે આ એફિડેવિટને એકદમ ભારેખમ મગજ ચલાવ્યા વિના કરી દેવાયેલી ગણાવી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, આ એફિડેવિટમાં વાસ્તવિકતા પણ નથી દર્શાવાઈ. ગુજરાત સરકારે એફિડેવિટમાં દાવો કર્યો છે કે, ગુજરાત સરકારે ૧૯૯૨ની ક્ષમા નીતિ હેઠળ આ બળાત્કારીઓની મુક્તિને મંજૂરી આપી હતી અને કેન્દ્ર સરકારની સંમતિ બાદ આ નિર્ણય લેવાયો હતો.
સીબીઆઈની વિશેષ કોર્ટે ૧૧ દોષિતોને ૨૧ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ સામૂહિક દુષ્કર્મ અને બિલ્કિસ બાનોના પરિવારના ૭ સભ્યોની હત્યામાં સામેલ હોવાના ગુના હેઠળ આજીવન કારાવાસની સજા ફટકારી હતી. બોમ્બે હાઈ કોર્ટે પણ તેમની સજાને યથાવત્ રાખી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ૧૧ જુલાઈ, ૨૦૨૨ના રોજ પત્ર લખીને મંજૂરી આપી પછી બિલ્કિસ
બાનો સામૂહિક બળાત્કાર કેસમાં જન્મટીપની સજા ભોગવી રહેલા તમામ ૧૧ દોષિતોને ૧૫ ઓગસ્ટે ગોધરા જેલમાંથી મુક્ત કરાયા હતા.
રાજ્ય સરકારે એ ચોખવટ પણ કરી છે કે, રાજ્ય સરકારે ૧૧ કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો કેમ કે દોષિતોએ જેલમાં ૧૪ વર્ષ અને તેનાથી વધુની સજા પૂરી કરી હતી. તેમનું વર્તન પણ સારું હતું તેથી કેન્દ્ર રાજ્ય સરકારની મંજૂરી બાદ ૧૦ ઑગસ્ટ ૨૦૨૨ના રોજ દોષિતોને મુક્ત કરવાના આદેશ જારી કરાયા હતા.
ગુજરાત સરકારે રીમિશન એટલે કે માફીની નીતિ હેઠળ તમામ ૧૧ બળાત્કારીને મુક્ત કર્યા છે. સીઆરપીસીની કલમ ૪૩૩ અને ૪૩૩અ હેઠળ રાજ્ય સરકાર કોઈપણ દોષિતની મૃત્યુદંડને અન્ય કોઈ સજામાં બદલી શકે છે. એ જ રીતે ૧૪ વર્ષની કેદ પૂરી થયા બાદ આજીવન કેદની સજા પણ માફ કરી શકાય છે. રાજ્ય સરકાર આકરી કેદની સજાને સાદી જેલ અથવા દંડ અને સાદી કેદને માત્ર દંડમાં બદલી શકે છે. રાજ્યોને અપાયેલા આ અધિકારને રિમિશન પોલિસી કહેવામાં આવે છે. ગુજરાત સરકારે પોતાના અધિકારનો ઉપયોગ કરીને ૧૧ બળાત્કારીને મુક્ત કરી દીધા છે.
ગુજરાત સરકારે બહુ મોટો ધડાકો એ કર્યો કે, પોલીસ, સીબીઆઈ, સ્પેશિયલ ક્રાઈમ બ્રાંચ, સીબીઆઈના સ્પેશિયલ સિવિલ જજ, સિટી સિવિલ અને સ્પેશિયલ કોર્ટ સહિત બધાંએ બળાત્કારીઓને છોડી મૂકવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. એ છતાં ગુજરાત સરકારે તેમને છોડી મૂકવાનો નિર્ણય લીધો. આ બહુ મોટી વાત છે કેમ કે કાયદાના પાલન સાથે સંકળાયેલી બધી એજન્સીઓ અને અદાલતો સુદ્ધાં બળાત્કારીઓને છોડી મૂકવાનો વિરોધ કરતી હતી છતાં સરકારે તેમને છોડી મૂક્યા. તેનો અર્થ એ થાય કે, કાયદાના પાલન સાથે સંકળાયેલી એજન્સીઓ કે કોર્ટનો અભિપ્રાય મહત્ત્વનો છે જ નહીં. રાજકારણીઓ પોતાના ફાયદા માટે જે નિર્ણય લે છે એ જ સર્વોપરિ છે. આ જોઈને સવાલ થાય કે આ દેશમાં કાયદાનું શાસન છે કે કાયદાની ઐસીતૈસી કરીને ચાલતા રાજકારણીઓનું?
ગુજરાત સરકારે પોતાની એફિડેવિટમાં એક દલીલ એ કરી કે, ત્રીજો પક્ષ આ કેસમાં દખલ ન કરી શકે. સીપીએમનાં નેતા સુભાષિની અલી કે તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રાને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી અને તેમની અરજી રાજકારણથી પ્રેરિત છે. ગુજરાત સરકારના લોજિક પ્રમાણે ચાલીએ તો આ દેશમાં થતા કોઈપણ અપરાધમાં બહારની કોઈ વ્યક્તિએ પડવાનું જ ના હોય. બળાત્કાર થતો હોય તો ભલે થતો, ખૂન થતું હોય તો ભલે થતું ને બળાત્કારી કે ખૂનીને છોડી મૂકાતા હોય તો ભલે છોડી મૂકાતા પણ કોઈએ દખલગીરી કરવાની નહીં, ચૂપચાપ તમાશો જોયા કરવાનો.
સૌથી હાસ્યાસ્પદ વાત એ છે કે, ગુજરાત સરકારે કહ્યું છે કે, આ અરજી રાજકારણથી પ્રેરિત છે. ભલા માણસ રાજકારણ તમે કરો છો કે જેમણે અરજી કરી છે એ મહિલાઓ કરે છે? આ બળાત્કારનો કેસ છે, સામૂહિક બળાત્કારનો કેસ છે ને સામૂહિક હત્યાનો પણ કેસ છે. આ કેસમાં દોષિતોને સરકાર છોડી મૂકે ને તેની સામે કોઈ વાંધો ઉઠાવે તેને રાજકારણ કઈ રીતે ગણાવી શકાય એ જ સમજાતું નથી. જેમણે અરજીઓ કરી છે એ મહિલાઓ બીજા પક્ષની છે તેથી આ મુદ્દાને રાજકીય ગણાવી દેવાથી શરમજનક વાત બીજી કોઈ ના કહેવાય.
બિલકિસ બાનો ક્યા ધર્મની છે કે અરજદાર ક્યા પક્ષનાં છે એ બધી વાતો મહત્ત્વની છે જ નહીં. બિલકિસ એક ી છે ને એખ ી પર સામૂહિક બળાત્કાર થાય એ ઘટના સભ્ય સમાજ માટે કલંકરૂપ જ કહેવાય. એ સામૂહિક બળાત્કાર કરનારાઓને તમે છોડી મૂકો પછી તમને સભ્ય સમાજના ગણાવવાનો અધિકાર જ નથી.
ગુજરાત સરકારે પોતાના સોગંદનામામાં બીજી પણ ઘણી હાસ્યાસ્પદ દલીલો કરી છે. સરકારનો દાવો છે કે, જાહેરહિતની અરજી દ્વારા દોષિતોની સજાને માફ કરવાના નિર્ણયને ના પડકારી શકાય. આ નાગરિક તરીકે મળેલા અધિકારોનો દુરુપયોગ છે. ગુજરાત સરકારે તમામ દોષિતોને બોર્ડમાં સામેલ તમામ વ્યક્તિઓના અભિપ્રાયના આધારે મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો અને તેમાં દોષિતોના વ્યવહાર અંગે પણ વિચારણા કરાઈ હતી. બળાત્કારીઓના બચાવ માટે કાનૂની છટકબારીનો ઉપયોગ કરવો કે પોતાના મળતિયાઓએ ભેગા મળીને લીધેલા નિર્ણયને યોગ્ય ઠેરવવો એ આઘાતજનક કહેવાય.
જો કે બિલકિસ બાનો કેસમાં અત્યાર લગી બનેલી ઘટનાઓને જોતાં આ એટલું આઘાતજનક નથી લાગતું. જે સમાજમાં બળાત્કારીઓ અને ખૂનીઓની મુક્તિ પર મીઠાઈ વહેંચાતી હોય, હાર-તોરા કરીને સ્વાગત કરાતું હોય તેમાં આ પ્રકારની એફિડેવિટથી જરાય આંચકો ના લાગવો જોઈએ. આપણે આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ પણ ખરેખર કેવી આઝાદી ભોગવી રહ્યા છીએ તેનો આ પુરાવો છે.
[ad_2]