[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં ક્રિકેટની રમતના સંચાલનની જવાબદારી જેની પાસે છે એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખપદે કોણ આવશે તેની અટકળો લાંબા સમયથી ચાલતી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર જય શાહ અત્યારે બીસીસીઆઈના સેક્રેટરી છે જ્યારે સૌરવ ગાંગુલી પ્રમુખ હતા. ગાંગુલીની નિવૃત્તિનો સમય નજીક જ છે. ગાંગુલી ૩ વર્ષથી બીસીસીઆઈના અધ્યક્ષ છે અને ૧૮ ઑક્ટોબરે બોર્ડની વાર્ષિક સામાન્યસભા (એજીએમ) મળે એ પહેલાં નિવૃત્ત થઈ જશે.
ગાંગુલી નિવૃત્ત થાય ત્યારે જય શાહ બીસીસીઆઈ પ્રમુખ બનશે એવી અટકળો ચાલતી હતી. જય શાહને ક્રિકેટ સાથે કંઈ લેવાદેવા નથી. અમિત શાહના પુત્ર હોવાના નાતે એ બીસીસીઆઈના સેક્રેટરી બન્યા છે ને પિતાના જોરે જ બીસીસીઆઈના પ્રમુખ પણ બની જશે એવું મનાતું હતું પણ એ અટકળ ખોટી પડી છે. બીસીસીઆઈના પ્રમુખપદે જય શાહ નહીં પણ ભારતની ૧૯૮૩ની વર્લ્ડ કપ વિજેતા ટીમના હીરો રોજર બિન્ની આવશે એવું નક્કી થયું છે. ૧૮ ઑક્ટોબરે બોર્ડની વાર્ષિક સામાન્યસભા (એજીએમ)માં ૬૭ વર્ષના બિન્ની સૌરવ ગાંગુલીની જગ્યાએ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ બનશે.
જય શાહને પ્રમુખુદે બેસાડાશે કે નહીં એ મુદ્દે અઠવાડિયાથી ખેંચતાણ ચાલતી હતી. અઠવાડિયાની ખેંચતાણ પછી બિન્નીને બોર્ડના ૩૬મા પ્રમુખ બનાવવા જ્યારે જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બીસીઆઈના સચિવ બનશે એવું નક્કી થયું છે. જય શાહ પ્રમુખ ભલે ના બન્યા પણ આઈસીસી બોર્ડમાં ગાંગુલીની જગ્યા પણ લેશે.
ગાંગુલી બીસીસીઆઈ પ્રમુખ તરીકે ચાલુ રહેવા માંગતા હતા પણ તેમને ફરી બોર્ડના પ્રમુખ બનાવવા સત્તાધિશો તૈયાર નહોતા. તેના બદલે સૌરવને આઈપીએલના ચૅરમૅનપદની ઓફર કરવામાં આવી હતી પરંતુ સૌરવે આ ઓફરને નકારી કાઢી છે. સૌરવની તેમની દલીલ હતી કે બીસીસીઆઈના પ્રમુખ બન્યા પછી તેની પેટા સમિતિના પ્રમુખ બનવાનું તેમના ગૌરવને અનુરૂપ નથી. સૌરવે ના પાડી તેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના ભાઈ અરુણ ધૂમલ ફાવી ગયા. અરુણ ધૂમલને બ્રજેશ પટેલની જગ્યાએ આઈપીએલના ચૅરમૅન બનાવાયા છે.
બિન્નીને રાજકારણ સાથે લેવાદેવા નથી પણ એ સિવાયના બોર્ડના બાકીના તમામ ટોચના હોદ્દેદારો ભાજપમાંથી છે તેથી હવે બોર્ડનું સંપૂર્ણ ભાજપીકરણ થઈ ગયું છે. બીસીસીઆઈ હોદ્દેદારોમાં એકમાત્ર કૉંગ્રેસી બોર્ડના ઉપપ્રમુખ નેતા રાજીવ શુક્લા છે પણ એ સિવાય બાકીના બધા ભાજપના નેતા છે. મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય આશિષ શેલાર બોર્ડના નવા ખજાનચી બનશે જ્યારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના ખસા માણસ મનાતા દેવજિત સૈકિયા જોઈન્ટ સેક્રેટરી બનશે.
રોજર બિન્ની પસંદગી મહત્ત્વની છે કેમ કે સૌરવ પછી બિન્ની પણ ક્રિકેટને વરેલા ખેલાડી છે. રોજર બિન્નીએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં આંકડાકીય રીતે બહુ મહાન સિદ્ધિઓ નથી મેળવી છતાં ભારતના મહાનતન ક્રિકેટરોમાં સ્થાન મળે છે કેમ કે બિન્નીએ ૧૯૮૩ના વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે ૧૯૮૩નો વર્લ્ડકપ ટીમ સ્પિરિટના જોરે જીતેલો. આ વર્લ્ડકપ વિજયના ટોપ ફાઈવ પરફોર્મર્સ યશપાલ શર્મા, મોહિન્દર અમરનાથ, રોજર બિન્ની, મદનલાલ અને કપિલદેવ હતા. મીડિયમ પેસ બોલર બિન્નીએ આઠ મેચોમાં ૧૮ વિકેટ લીધી હતી. વર્લ્ડ કપમાં બિન્ની સૌથી વધારે વિકેટો લેનારા બોલર હતા. બિન્નીએ બે વર્ષ પછી ૧૯૮૫માં ઑસ્ટ્રેલિયામાં રમાયેલા મિનિ વર્લ્ડકપમાં એવો જ જોરદાર દેખાવ કરીને ૧૭ વિકેટો લઈને ભારતને ફરી ચેમ્પિયન બનાવ્યું હતું. ભારતને સળંગ બે મોટી ટુર્નામેન્ટ જીતાડનારા બિન્નીને મહાન ક્રિકેટર માનવા જ પડે.
ભારતના ૧૯૮૩ના ક્રિકેટ વર્લ્ડકપ વિજયની મહાગાથા કહેવા બેસો તો આખું પુસ્તક થાય. આ વિજયમાં ઘણા બધા હીરોએ ભૂમિકા ભજવી હતી ને બધાંના યોગદાનની વાત કરી શકાય તેમ નથી તેથી બિન્નીના યોગદાનની જ વાત કરી લઈએ. આ વિજયમાં બિન્નીનું મહત્વનું યોગદાન હતું કેમ કે બિન્ની લગભગ દરેક મેચમાં ચાલ્યા હતા.
ભારતના વર્લ્ડકપ વિજયના અભિયાનની શાનદાર શરૂઆત અજેય મનાતી વેસ્ટ ઈન્ડિઝ સામેની જીતથી થઈ હતી. ક્લાઈવ લોઈડની વેસ્ટ ઈન્ડિયન ટીમને કપિલદેવની ટીમે ૩૪ રને હરાવીને સનસનાટી મચાવી દીધેલી. ભારતે પહેલી બેટિંગ કરતાં ૬૦ ઓવરમાં ૮ વિકેટે ૨૬૨ રન કરેલા. ભારતની ૭૬ રનમાં ૩ વિકેટ હતી તેથી ભારત ૧૫૦ રન કરશે કે કેમ તેમાં શંકા હતી ત્યારે યશપાલ શર્માએ મોરચો સંભાળ્યો. સંદીપ પાટિલે ૩૬ રન, બિન્નીએ ૨૭ અને મદનલાલે ૨૧ રન કરીને શર્માને બરાબર સાથ આપ્યો. એ પછી રોજર બિન્ની અને રવિ શાીએ ૩-૩ વિકેટ લઈને જોરદાર બોલિંગ કરતાં વેસ્ટ ઈન્ડિઝનું ૨૨૮ રનમાં પડીકું થઈ ગયું હતું. આ જીત સાથે ભારતે ઈતિહાસ રચી દીધેલો. ભારતે બીજી મેચમાં સરળતાથી જીત મેળવી હતી. ભારતની વર્લ્ડકપની બીજી મેચમાં ઝિમ્બાબ્વે ૧૫૫ રનમાં સંકેલાયેલું. મદનલાલે ૩, બિન્નીએ ૨ વિકેટ લીધેલી. ત્રીજી મેચમાં ઑસ્ટ્રેલિયા સામે આપણે બહુ ખરાબ રીતે હારેલા.
બીજા રાઉન્ડની પહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે આપણને ૬૬ રને હરાવીને હારનો બદલો લેતાં આપણે ફેંકાઈ જઈશું એવું લાગતું હતું. ભારત સેમી ફાઈનલમાં પહોંચશે એવી કોઈને આશા નહોતી. ભારતની પછીની મેચ ઝિમ્બાબ્વે સામે હતી. કપિલદેવે ૧૩૮ બોલમાં ૧૬ ચોગ્ગા ને ૬ છગ્ગા વડે ૧૭૫ રન ઝૂડી નાંખેલા. કપિલને સાથ આપવામાં બિન્ની, મદનલાલ અને સૈયદ કિરમાણી હતા. બોલિંગમાં બિન્નીએ કાળો કેર વર્તાવીને ૪ વિકેટ લીધેલી. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચમાં ભારત ૨૪૭ રનમાં ઓલઆઉટ થયું હતું. ઑસ્ટ્રેલિયા માટે આ સ્કોર મોટો નહોતો પણ રોજર બિન્નીએ ૪ વિકેટ ઝડપીને ભારતને વટભેર સેમી ફાઈનલમાં પ્રવેશ કરાવેલો. સેમીફાઈનલમાં ભારતની ટક્કર ઈંગ્લેન્ડ સામે હતી તેમાં બિન્નીએ ૨ વિકેટ લીધી હતી.
ફાઈનલમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિયન ફાસ્ટ બોલરો સામે માત્ર ૧૮૩ રનમાં ખખડી ગઈ પછી મદનલાલ, બલવિંદર સંધુ અને બિન્નીએ ટોપ ઓર્ડરને સસ્તમાં આઉટ કરીને જીતનો પાયો નાંખેલો. છેલ્લે મોહિન્દર ૩ વિકેટ લઈને વિન્ડીઝને હરાવી દીધેલું.
ને છેલ્લે બિન્ની વિશે એક મહત્ત્વની વાત કરી લઈએ. બિન્ની પસંદગીકાર હતા ત્યારે તેમનો પુત્ર સ્ટુઅર્ટ ભારતીય ટીમમાં પસંદગીનો દાવેદાર હતો. પોતે લાગવગ ના કરી બેસે એટલે બિન્નીએ પસંદગી સમિતિને છોડી દીધી હતી.

[ad_2]

Google search engine