[ad_1]
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રા-વરલી સી-લિંક પર મંગળવારની મોડી રાતે થયેલા ગોઝારા અકસ્માતમાં પાંચ જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે નવ જણ ઘવાયા હતા. આટલા ભયંકર અકસ્માતની તપાસ ચીવટપૂર્વક કરવાને બદલે પોલીસે સમયસર જોઈએ તેટલી ગંભીરતા દાખવી ન હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસ તપાસમાં અનેક છીંડાં હોવાનું સામે આવી રહ્યું છે અને એટલે જ આરોપી અત્યારે અદાલતી કસ્ટડીમાં હોવાનું કહેવાય છે.
સી-લિંક પર મંગળવારની રાતે એક સ્વિફ્ટ કારનું ટાયર ફાટતાં તે રૅલિંગ સાથે ભટકાઈ હતી. એ સમયે પાછળથી આવેલી બીજી કાર સ્વિફ્ટ કાર સાથે ટકરાઈ હતી. અકસ્માતની જાણ થતાં ટોલ પ્લાઝા પરના કર્મચારીઓ ટોઈંગ વૅન અને એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. વળી ત્યાંથી પસાર થનારી અન્ય એક કારમાં હાજર લોકો પણ મદદ માટે ત્યાં રોકાયા હતા. તે જ સમયે પૂરપાટ વેગે આવેલી હ્યુન્ડાઈ ક્રેટા કાર ત્રણેય કાર અને એમ્બ્યુલન્સને ટક્કર મારી હતી. આ ઘટનામાં પાંચ જણનાં મોત નીપજ્યાં હતાં.
સૂત્રોના જણાવ્યા મુજબ અકસ્માત માટે જવાબદાર ક્રેટા કારનો ડ્રાઈવર ઈરફાન અબ્દુલ રહીમ બિલ્કિયા પણ ઘવાયો હતો. સારવાર માટે તેને ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. હૉસ્પિટલમાંથી રજા મળ્યા પછી તે દક્ષિણ મુંબઈના મોહમ્મદ અલી રોડ સ્થિત નિવાસસ્થાને ગયો હતો. વેપારીના પુત્ર ઈરફાન બિલ્કિયાને પોલીસે તેના ઘરેથી તાબામાં લીધો હતો.
ધરપકડ કરાયેલા ઈરફાનને કોર્ટે એક દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી. જોકે બાદમાં ભોઈવાડા કોર્ટે તેને ૧૯ ઑક્ટોબર સુધીની અદાલતી કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આરોપીની પોલીસ કસ્ટડી મેળવવા માટે પોલીસે જોઈએ એવાં તાત્કાલિક પગલાં લીધાં ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આરોપીને પહેલી વાર કોર્ટમાં હાજર કરાયો ત્યારે સિનિયર તપાસ અધિકારીને બદલે જુનિયર અધિકારી કોર્ટમાં હાજર રહ્યો હતો. વળી, સૂત્રોના કહેવા મુજબ આરોપીના લોહીના નમૂના પણ છેક ૧૪ કલાકે લેવામાં આવ્યા હતા. આટલા વિલંબને કારણે આરોપીએ નશો કર્યો હતો કે કેમ તેની ખાતરી કરવી મુશ્કેલ હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.
એ સિવાય આરોપીના મોબાઈલના કૉલ રેકોર્ડ પણ તાત્કાલિક મગાવાયા ન હોવાનું કહેવાય છે. બ્લડ રિપોર્ટ આવવામાં મોડું થવાનું હતું તો પછી પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પર ધ્યાન કેન્દ્રિત કેમ ન કર્યું, એવી પણ ચર્ચા છે. આરોપીનું કહેવું છે કે તે જોગેશ્ર્વરીમાં ભાઈને મળીને પાછો આવી રહ્યો હતો. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ઠેકઠેકાણે સીસીટીવી કૅમેરા લાગેલા છે. પોલીસે આ વાતની ખાતરી કરવા કૅમેરાનાં ફૂટેજ સમયસર તપાસ્યાં ન હોવાનું કહેવાય છે.
બીજી બાજુ, વરલી પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે અકસ્માત સમયે હ્યુન્ડાઈ ક્રેટા કાર ૧૦૦થી ૧૨૦ની સ્પીડે દોડતી હોવાનું જણાયું હતું.
પોલીસે કોર્ટમાં એવી પણ માહિતી આપી હતી કે અકસ્માત માટે જવાબદાર ક્રેટા કાર વિરુદ્ધ અગાઉ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ૩૫ ઈ-ચલાન ઇશ્યુ થયાં છે. આમાંથી એક ઈ-ચલાન તો ૩૦ સપ્ટેમ્બરે બાન્દ્રા-વરલી સી-લિંક પરથી નિયત વેગમર્યાદાનું ઉલ્લંઘન કરવા બદલ ઇશ્યુ કરાયું હતું.
ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે સંબંધિત કારમાલિકને અત્યાર સુધીમાં ૩૬,૮૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાંથી ૨૮,૮૦૦ રૂપિયા ચૂકવવાના હજુ
બાકી છે.
[ad_2]