[ad_1]
નિસર્ગનો નિનાદ-ધર્મેન્દ્ર ત્રિવેદી
આફ્રિકાનો બાવળ પોતાનાં ભાઈ-બહેનોને ચેતવે છે… સાબધાન બીડુ… હરણ આ રે’લે હૈ!
—————–
પ્રકૃતિના વિવિધ ઘટકો જૈવિકચક્રમાં પોતપોતાનું સ્થાન અને અસ્તિત્વ ટકાવી રાખવા જે પ્રકારે અનોખા વર્તન અને કીમિયા અજમાવે છે તે જ્યારે જાણવા સમજવા મળે ત્યારે દંગ રહી જવાય. પ્રકૃતિનો ભાગ હોય એ તમામ સજીવોની વર્તણૂકો પાછળ હંમેશ કઈંક ને કઈંક હેતુ છુપાયેલો હોય છે. મોટા ભાગના વર્તનો અને ચેષ્ઠાઓનો અર્થ આપણને દેખીતો સમજાય છે. જેમ કે કોઈ પણ પ્રકારના ભયનો સામનો કરવાનો આવે તો આપણા શેરીનાં કૂતરાં પૂંછડીને બે પગ વચ્ચે દબાવી દે, હોઠ ખેંચીને પોતાના દાંત દેખાય તેમ ઘૂરકીયા કરે છે, ગાયને ખતરો અનુભવાય તો શિંગડા ઉછાળે છે. સિંહ જેવા સિંહની વર્તણૂંકનું પણ વિજ્ઞાન છે. જંગલમાં જો સિંહનો સામનો થાય તો તે સમજવા જેવું છે. મોટે ભાગે સિંહનો આમનો સામનો માનવ સામે થાય ત્યારે સિંહની વર્તણૂંક પોતાના અને માનવ વચ્ચે રહેલા અંતરના આધારે આધારિત હોય છે. માણસ દેખાય ત્યારથી તે માણસના હલન ચલન પર ચાંપતી નજર રાખતો હોય છે. તેના અને માનવ વચ્ચે સલામત અંતર હોય ત્યાં સુધી તેની પૂંછડી હળવી હળવી ફર્યા કરતી હોય છે, પરંતુ સિંહે બાંધેલી હદથી કોઈ માણસ અથવા જીવ જો એક ડગલું પણ વધુ નજીક જાય તો તરત જ પૂંછડી ઊભી કરીને ટટ્ટાર કરી દે છે. આમ થાય તો સમજવું કે હવે સિંહ ક્યારે હુમલો કરે એ નક્કી ન કહેવાય!
આમ પ્રકૃતિના તમામ સજીવો પોતાના પર આવી રહેલા ખતરાના પ્રત્ત્યુતરમાં કોઈને કોઈ પ્રકારનું ડિફેન્સ મિકેનિઝમ વિકસાવી જ લેતા હોય છે. માનવ પાસે વર્તણૂંક સિવાય હાવભાવથી પોતાનો ભય, ગભરાટ, ગુસ્સો કે ખુશી દર્શાવવા માટે શરીરની ભાષા સિવાય વધુ ચડીયાતા એવા ચહેરા પરના હાવભાવની કળા સિદ્ધ છે. મને નથી લાગતું કે કોઈ એવી વ્યક્તિ હોય જે સામેની વ્યક્તિના ચહેરાના ભાવો જોઈને તેના ગમા અણગમા પારખી ન શકતું હોય. બિલાડીને ભય લાગે ત્યારે તે ચાર પગ પર ઊંચી થઈ જાય અને તેના શરીરના વાળ પણ ઊભા થઈ જાય છે, તેનો અવાજ પણ બદલાઈ જાય છે.
આજે વાત કરવી છે પોતાના પર હુમલો થાય ત્યારે સાવ અનોખી બચાવ પ્રયુક્તિ અજમાવતા એક વૃક્ષની. ગુજરાતના લોકપ્રિય કવિ કૃષ્ણ દવે એક કવિતામાં લખે છે,
ઉગાડે એમ કદી ઉગવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત
ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં
તો તમે સમજી જ ગયા હશો કે આજે હું જે વૃક્ષની વાત કરવાનો છું એ વૃક્ષ છે અખેયસા, ઉર્ફ અકાસીયા ઉર્ફ બાવળ. બાવળની અલગ અલગ થોડી જાતિઓ આપણી આસપાસ જોવા મળે છે, પરંતુ આપણે તેને બે સમયે યાદ કરીએ છીએ. પ્રથમ તો બાળપણમાં તેની સોનેરી સિંગોને ચુસીને જન્નતનો સ્વાદ લેતી વખતે તેના પ્રત્યે અહોભાવ જન્મે, અથવા કોઈ પણ ઉંમરે બાવળનો કાંટો પગમાં ઘુસ્યો હોય ત્યારે તેની સામે જોઈને અંગારા વરસતી આંખે તેને ગાળો ભાંડતી વખતે. વિશ્ર્વના ટ્રોપિકલ અને સબટ્રોપિકલ દેશોમાં કુલ મળીને બાવળની અંદાજે ૧૬૦ જેટલી પ્રજાતિઓ જોવા મળે છે.
હવે આજે આગળ વધીએ આજના આપણી વાતના નાયક તરફ. આજે આપણા વિષયના સિંહાસન પર આરૂઢ છે ‘આફ્રિકન અખેયસા’ એટલે કે આફ્રિકન બાવળ. અરે યાર બાવળ વિશે તો શું ધૂળ અને ઢેફાં વાત થાય? બહુ બહુ તો તેની શીંગો એટલે કે સાંગરાની મીઠાશની વાત હોય, અથવા રાડ પડાવે દેતા તેના કાંટાની વાત હોય. અરે ચાલોને સહેજ આગળ વધીએ તો હજારો વર્ષોથી માનવ જાતના દંતને ચોખ્ખા રાખતું નસિર્ગ બ્રશ કહીને તેનું સન્માન કરી દઈએ . . . બસ ખુશ? ના બોસ. શરૂઆત કરી ડિફેન્સ મિકેનિઝમથી તો આજે જે જે વાત આપણને સૌને અચંબિત કરી દેવાની છે તે એ છે કે આફ્રિકાના સવાનામાં અનેક તૃણહારીઓનો આહાર બની રહેલા બાવળની પોતાની એક બચાવ પ્રયુક્તિ છે ! આફ્રિકાના સવાના એટલે કે ખુલ્લા મેદાનોમાં કરોડોની સંખ્યામાં વસતા તૃણાહારીઓ, હરણાઓ અને તેના જેવી બીજી મૃગની જાતિઓ જ્યારે કોઈ એક વૃક્ષને પોતાનું નિશાન બનાવે ત્યારે તેની શું હાલત થાય તે સમજી શકાય એવી બાબત છે.
આફ્રિકાના બાવળો પર હરણની જાતો જ્યારે પેટ ભરવા ચડાઈ કરે ત્યારે તે એક સાવ અનોખો વ્યવહાર કરે છે. હજારો વર્ષના અનુભવ પરથી આ આફ્રિકન બાવળો જાણે છે કે જો પોતે કશું કરશે નહીં તો પોતાનો વિનાશ નક્કી છે. આફ્રિકન ધરતી પર આમ પણ પાણીની તકલીફ, અને તેમાં પણ જો તેના બધા
પાંદડા હરણા ખાઈ જાય તો મૃત્યુ નિશ્ર્ચિત જ છે. તેથી પોતાના બચાવ માટે આફ્રિકન બાવળ એક અદ્દ્ભુત પ્રક્રિયા આરંભ કરે છે. તેના પર તૃણાહારીઓ જેવો હુમલો કરે કે તરત જ બાવળ પોતાના પાંદડાઓમાં ટેનીન નામનુ એક તત્ત્વ બનાવવા લાગે છે. આ ટેનીન હરણ જેવા તૃણાહારીઓ માટે ઝેરી પુરવાર થાય છે. હરણાઓને પણ ખબર પડી જાય છે કે આ પાંદડા ખવાય નહી, એટલે તેઓ એ બાવળને છોડીને નજીકના અન્ય વૃક્ષો તરફ રવાના થાય છે.
દોસ્તો, વાત અહીંથી વધુ રસપ્રદ બને છે. આપણું એક બાવળ તો ટેનીનના સહારે બચી ગયું પરંતુ બાવળ તો સમૂહમાં ઉછરતાં વૃક્ષો છે. નજીક નજીકમાં હજારોની સંખ્યામાં ઉગેલાં હોય. તેથી આ આફ્રિકન બાવળોએ એક ડગલું આગળ વધીને પોતાના ભાઈ-ભાંડવોને બચાવવાની એક નવી તરકીબ વિકરાવી છે! હાજી, પોતાના પર હુમલો થયો છે અને ‘આલ ઈજ નોટ વેલ’ એવી આલબેલ પોકારતા આ બાવળોને આવડી ગયું છે. જેના પર હુમલો થયો હોય એ બાવળ પોતાના પાંદડાઓમાં ટેનીન વધારે ઉત્પાદિત કરવાની સાથે સાથે પોતાના પાંદડાઓમાંથી ઇથીલીન નામનો એક ગેસ મોટી માત્રામાં છોડે છે. આ ગેસ હવામાં પ્રસરીને નજીક નજીકમાં રહેલા અન્ય બાવળભાઈ-બહેનોને ચેતવે છે… સાબધાન બીડુ… હરણ આ રે’લે હૈ… અને વાયોલા . . . હરણાના આ ટોળાં બીજા બાવળ સુધી પહોંચે ત્યારે તે બાવળો પણ પોતાના પાંદડામાં ટેનીન ઉમેરીને બેઠા હોય છે અને હરણા એકાદ પાંદડુ ચાવે અને થૂં. થૂં. કરીને ઝેરી બની ગયેલા પાંદડાઓને થૂંકીને અગળ વધે છે!
આપણે તો આવળ ને બાવળની જાત
[ad_2]