[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધોનો મુદ્દો અત્યંત સંવેદનશીલ છે અને સમયાંતરે આ મુદ્દે ચર્ચા ચાલ્યા જ કરે છે. ક્રિકેટ ચાહકોનો એક વર્ગ એવું માને છે કે, ક્રિકેટમાં બીજી બધી બાબતો ના ઘુસેડવી જોઈએ અને બંને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધો હોવા જોઈએ. બીજો વર્ગ માને છે કે, પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવે છે એ સંજોગોમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ સંબધો ના જ હોવા જોઈએ.
કોઈ પણ મોટી સ્પર્ધા હોય ત્યારે આ મુદ્દો ચગે જ છે. ઓસ્ટ્રેલિયામાં અત્યારે ટી-૨૦ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે ને ભારત રવિવારે પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમે એ પહેલાં આ મુદ્દો ફરી ચગ્યો છે. આ મુદ્દો ચગવાનું કારણ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (અઈઈ)ના ચેરમેન અને બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઈન ઈન્ડિયા (ઇઈઈઈં)ના સેક્રેટરી જય શાહે સોમવારે એશિયા કપ-૨૦૨૩ અંગે આપેલું નિવેદન છે. આ નિવેદને જય શાહની અપરિપક્વતાને છતી કરી દીધી છે ને વાતને વાળવા માટે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે મેદાનમાં આવવું પડ્યું છે.
એશિયા કપ-૨૦૨૩ પાકિસ્તાનમાં રમાવાનો છે. ભારતીય ક્રિકેટ ટીમ છલ્લાં ૧૫ વર્ષથી પાકિસ્તાન ગઈ નથી તેથી એશિયા કપ-૨૦૨૩માં ભાગ લેવા જશે કે નહીં એ ચર્ચા છેલ્લાં કેટલાક સમયથી ચાલતી હતી. આ માહોલમાં જય શાહે એલાન કરી દીધું કે, ભારતીય ટીમ ૨૦૨૩ના એશિયા કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં જાય.
જય શાહનું કહેવું છે કે, ભારતીય ટીમ એશિયા કપ-૨૦૨૩માં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે નહિ એ તો ઠીક છે પણ આ ટુર્નામેન્ટને પાકિસ્તાનના બદલે અન્ય દેશમાં ખસેડવામાં આવશે, કોઈ તટસ્થ દેશમાં રમાડવામાં આવશે. આ સાંભળીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના કારભારીઓ ભડકી ગયા. તેમણે વળતી ધમકી આપી છે કે જો ભારત ૨૦૨૩ના એશિયામા રમવા માટે પોતાની ટીમને પાકિસ્તાન નહિ મોકલે તો ભારતમાં ૨૦૨૩માં જ યોજાનારા વન-ડે વર્લ્ડ કપમાં તેઓ પાકિસ્તાનની ટીમને ભારત નહિ મોકલે.
પાકિસ્તાનમાં ૨૦૨૩ના જુલાઈ-ઑગસ્ટમાં એશિયા કપનું આયોજન કરાયું છે જ્યારે જ્યારે વન-ડે વર્લ્ડ કપ ઑક્ટોબર-નવેમ્બરમાં રમાવાનો છે તેથી અમે પણ જેવા સાથે તેવા થઈશું એવો પાકિસ્તાનનો દાવો છે. પાકિસ્તાનની ધમકીને પગલે મામલો ગરમ થતાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હરકતમાં આવવું પડ્યું.
મોદી સરકારના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પાકિસ્તાનને જવાબ આપ્યો છે કે, ભારત કોઈની પણ દાદાગીરી નહીં ચલાવી લે. સાથે સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, ભારતની ટીમ ૨૦૨૩માં એશિયા કપમાં રમવા માટે પાકિસ્તાન જશે કે નહિં જાય તેનો નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કરશે, તેના માટે બીજા કોઈએ સૂચનો કરવાની જરૂર નથી.
આ બીજું કોઈ એટલે કોણ? ભારતીય ટીમ ૨૦૨૩ના એશિયા કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં જાય એવું એલાન જય શાહે કર્યું છે તેથી અનુરાગ ઠાકુરના કહેવાનો મતલબ એ થાય કે, આ અંગે બીસીસીઆઈ કે બીજા કોઈએ બોલવાની જરૂર નથી. જય શાહ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર છે તેથી અનુરાગ ઠાકુર સીધી રીતે જય શાહના નામનો ઉલ્લેખ કરીને કશું કરી શકે તેમ નથી. તેમણે આડકતરી રીતે કહી જ દીધું છે કે, બીસીસીઆઈ કે બીજા કોઈને આ વિશે બોલવાનો અધિકાર નથી અને માત્ર ગૃહ મંત્રાલય જ નિર્ણય લઈ શકે.
અનુરાગ ઠાકુર મોદી સરકારના મંત્રી છે તેથી તેમણે જે વાત કરી એ મોદી સરકારનું સત્તાવાર વલણ કહેવાય. આ વલણ બિલકુલ યોગ્ય છે કેમ કે ભારતીય ટીમ ૨૦૨૩ના એશિયા કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે કે નહીં જાય એ નક્કી કરવાનો અધિકાર માત્ર ને માત્ર કેન્દ્ર સરકારને છે, બીસીસીઆઈના બીજા કોઈ અધિકારી કે જય શાહના અધિકારક્ષેત્રમાં એ વાત આવતી જ નથી.
ભારતીય ટીમ ૨૦૨૩ના એશિયા કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં જાય એ નક્કી કરવાનો અધિકાર જય શાહ કે બીજા કોઈને છે જ નહીં. જય શાહે પોતાના અધિકારક્ષેત્રમાં ના આવે એવી વાત કરીને ભાંગરો વાટી દીધો. પોતે દેશના ગૃહ મંત્રીના પુત્ર છે તેથી પોતાને આ વાત કરવાનો અધિકાર છે એવું જય શાહ માને છે કે નહીં એ ખબર નથી પણ આ નિર્ણય લેવાનો અધિકાર તેમને નથી. હા, એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચૅરમૅન તરીકે એશિયા કપ પાકિસ્તાન બહાર લઈ જવાની વાત એ કરી શકે. એશિયા કપ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધિકારક્ષેત્રમાં આવે છે તેથી જય શાહ એ વાત કરી શકે પણ બીજી કોઈ વાત ના કરી શકે.
બીજું એ કે, પાકિસ્તાનમાં ૨૦૨૩ના જુલાઈ-ઑગસ્ટમાં એશિયા કપ રમાવાનો છે. એ વાતને હજુ નવ મહિના જેટલો સમય બાકી છે. આ નવ મહિનામાં કંઈ પણ બદલાઈ શકે છે એ જોતાં અત્યારથી જ ભારતીય ટીમ ૨૦૨૩ના એશિયા કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં જાય એવી વાત કરવી એ પણ અપરિપક્વતા જ કહેવાય. બે દેશો વચ્ચેના સંબંધોમાં ગમે ત્યારે ગમે તે બની શકે એ જોતાં અત્યારથી કશું પણ કહેવું એ વહેલું જ ગણાય.
ભારત પાસે ભારતની ક્રિકેટ ટીમને પાકિસ્તાન નહીં મોકલવા માટે પૂરતાં કારણો છે. પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવે છે અને નિર્દોષ લોકોની હત્યાઓ કરે છે એ જોતાં ભારતીય ટીમ પાકિસ્તાન ના જાય એ નિર્ણય લેવાય તેમાં તો કશું ખોટું નથી જ પણ ભારત જો પાકિસ્તાન સાથેના ક્રિકેટ સંબધો પર સંપૂર્ણ પૂર્ણવિરામ મૂકી દે તો એ પણ યોગ્ય જ ગણાય. પાકિસ્તાન સાથે આપણે બીજા બધા સંબંધો લગભગ કપાયેલા જેવા જ છે ત્યારે ક્રિકેટના સંબંધો કપાઈ જાય તો પણ કોઈ તકલીફ ના પડે.
આ સંજોગોમાં મોદી સરકાર પાકિસ્તાન સાથે ક્રિકેટ સંબંધો પર પૂર્ણવિરામ મૂકવાનો કે ભારતીય ટીમ ૨૦૨૩ના એશિયા કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં જાય એવો નિર્ણય લે એ તેનો અધિકાર છે. મોદી સરકાર એવો નિર્ણય લે તો તેને તમામ ભારતીયોનો ટેકો પણ મળવો જોઈએ પણ એ નિર્ણય મોદી સરકારે લેવો પડે, બીજા કોઈએ નહીં.

[ad_2]

Google search engine