[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વિરારમાં બનેલી આંચકાજનક ઘટનામાં પત્નીને ડરાવવા ખાતર આત્મહત્યાનો ખેલ કરવા જતાં પતિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ગળાફાંસો ખાવાનું નાટક કરવા સીલિંગ ફૅન સાથે બાંધેલું કપડું અકસ્માતે ગળા ફરતે વીંટળાઈ જતાં પતિનું મૃત્યુ થયું હોવાનો દાવો પત્નીએ પોલીસ ફરિયાદમાં કર્યો હતો. આ પ્રકરણે વિરાર પોલીસે એડીઆર નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ ભગવાન શર્મા (૩૫) તરીકે થઈ હતી. શર્મા અને તેની પત્ની ચાંદનીદેવી (૨૬) છ દિવસ અગાઉ જ વિરાર પશ્ર્ચિમમાં વીર સાવરકર માર્ગ પરની લક્ષ્મી નિવાસ બિલ્ડિંગમાં રહેવા આવ્યાં હતાં. ભગવાન શર્મા ભાયંદરમાં કાપડના કારખાનામાં કામ કરતો હતો.
પોેલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નવાં કપડાં ખરીદવા માટે શર્માએ ૨૦૦૦ રૂપિયા પત્નીને આપ્યાં હતાં. બચેલા ૫૦૦ રૂપિયા શર્માએ પાછા માગતાં પત્નીએ આપવાનો ઇનકાર કર્યો હતો. આ વાતને લઈ સોમવારે રાતે દંપતી વચ્ચે રકઝક થઈ હતી. ૫૦૦ રૂપિયા પાછા ન આપે તો પોતે આત્મહત્યા કરશે, એવી ધમકી શર્માએ પત્નીને આપી હતી.
પત્નીને ડરાવવા માટે શર્મા બેડરૂમમાં ગયો હતો અને દરવાજો અંદરથી લૉક કરી લીધો હતો. પોતે આત્મહત્યા કરી રહ્યો હોવાનું પત્નીને દેખાડવા શર્માએ બેડરૂમની બારી ખુલ્લી રાખી હતી અને સીલિંગ ફૅન સાથે કપડું બાંધ્યું હતું. જોકે નાટક કરવા જતાં કપડું અકસ્માતે શર્માના ગળા ફરતે વીંટળાઈ ગયું હતું. ગળાફાંસો લાગી જતાં શર્મા બેભાન થઈ ગયો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર પત્નીએ મદદ માટે બૂમો પાડતાં પડોશીઓ દોડી આવ્યા હતા અને બેડરૂમનો દરવાજો તોડ્યો હતો. નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયેલા શર્માને તબીબે મૃત જાહેર કર્યો હતો. આ પ્રકરણે પોલીસે ચાંદનીદેવીનું નિવેદન નોંધ્યું હતું.Post Views:
108
[ad_2]

Google search engine