[ad_1]
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભાજપના ભક્તો કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર આવી પછી દેશે કેવી પ્રગતિ કરી તેની વાતો કરીને ખુશ થાય છે. દુનિયામાં આપણો કેવો દબદબો વધ્યો ને મોદી સાહેબે ભારતનો કેવો વટ કરી દીધો તેની વાતો કર કરીને જાતે જ પોતાની પીઠ થાબડીને એ લોકો પોરસાયા કરે છે ત્યારે ૨૦૨૨નો ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (ૠઇંઈં) એટલે કે ભૂખમરામાં ક્યો દેશ ક્યા ક્રમે છે તેના આંકડા બહાર પડ્યા છે. આ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ માં ૧૨૧ દેશમાં ભારત છેક ૧૦૭મા સ્થાને છે.
ગ્લોબલ હંગર ઈન્ડેક્સની વેબસાઈટ વિશ્ર્વના તમામ દેશોમાં ભૂખમરા અને કુપોષણની સ્થિતિ પર નજર રાખે છે. તેના આધારે પોઈન્ટ્સ આપીને ગ્લોબલ હંગર ઈન્ડેક્સ તૈયાર કરે છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સની વેબસાઈટે શનિવારે અહેવાલ આપ્યો તેમાં ભારત ૧૦૧મા ક્રમે હતું તેમાંથી ૧૦૭મા ક્રમે આવી ગયું છે. મતલબ કે આપણ દેશમાં ભૂખમરો વધ્યો છે. ભારતનો ભૂખમરા અને કુપોષણનો સ્કોર ૨૯.૧ ટકા છે. મતલબ કે બહુ મોટી વસતીને બે ટંક ખાવાનું નથી મળતું. આઇરિશ એઈડ એજન્સી ક્ધસર્ન વર્લ્ડવાઇડ અને જર્મન સંસ્થા વેલ્ટ હંગર હિલ્ફેએ સંયુક્ત રીતે તૈયાર કરેલા રિપોર્ટમાં ભારતમાં ભૂખમરાનો સ્તર ગંભીર હોવાનું જણાવાયું છે.
ગ્લોબલ હંગર ઈન્ડેક્સ પ્રમાણે ચીન, તુર્કી અને કુવૈત સહિતના ૧૭ દેશ ટોપ પર છે. આઘાતજનક વાત એ છે કે, આપણા પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા ઈન્ડેક્સમાં ભારતથી આગળ છે. આ દેશોમાં ભારત કરતાં સારી સ્થિતી છે. ભાજપના નેતા પાકિસ્તાન આખી દુનિયામાં ભીખ માગતું ફરી રહ્યું છે એવી વાતો કરી રહ્યા છે પણ પાકિસ્તાનમાં ભારત કરતાં ઓછો ભૂખમરો છે. આ લિસ્ટમાં શ્રીલંકા ૬૪મા, નેપાળ ૮૧મા, બાંગ્લાદેશ ૮૪મા અને પાકિસ્તાન ૯૯મા નંબરે છે. દક્ષિણ એશિયામાં માત્ર અફઘાનિસ્તાન ૧૦૯મા નંબર સાથે ભારતથી પાછળ છે, બાકી નાના નાના દેશો પણ ભારતથી આગળ છે.
વધારે આઘાતજનક વાત એ છે કે, આફ્રિકાના એકદમ ગરીબ ગણાતા દેશો પણ ભારતથી આગળ છે, આ દેશોમાં ઓછો ભૂખમરો અને કુપોષણ છે. સુદાન, ઈથોપિયા, રવાન્ડા, નાઈજીરિયા, કેન્યા, ગામ્બિયા, નામીબિયા, કંબોડિયા, મ્યાનમાર, ઘાના, ઈરાક, વિયેતનામ, લેબેનોન, ગુયાના, યુક્રેન અને જમૈકા જેવા દેશો એક સમયે ભૂખમરાનો પર્યાય ગણાતા હતા. આ દેશોમાં સ્થિતી સુધરી રહી છે અને આ બધા દેશો હંગર ઈન્ડેક્સમાં ભારતથી ઘણા ઉપર છે ત્યારે આપણે નીચે ને નીચે સરકી રહ્યા છીએ.
આપણું રેન્કિંગ ઘટ્યું પછી મોદી સરકારે આ રીપોર્ટને ફગાવી દીધો છે. મોદી સરકારનું કહેવું છે કે, હંગર ઈન્ડેક્સની ગણતરી કરવા માટે ઉપયોગમાં લેવાયલાં માપદંડ ખોટા છે. આ ઉપરાંત બહુ નાના પાયે સેમ્પલ સર્વે કરીને આ રીપોર્ટ તૈયાર કરાયો છે તેથી તેને માની ના શકાય. મોદી સરકારે ગયા વર્ષે ૧૦૧મા સ્થાને આવ્યા ત્યારે પણ હંગર ઈન્ડેક્સના રિપોર્ટની ટીકા કરતાં કહ્યું હતું કે, ગ્લોબલ હંગર ઇન્ડેક્સની ગણતરી કરવા માટે વપરાતી પદ્ધતિ અવૈજ્ઞાનિક છે.
આ વાત બહુ હાસ્યાસ્પદ છે કેમ કે વૈશ્ર્વિક સ્તરે થતા કોઈ પણ સર્વે આ રીતે જ તૈયાર થતા હોય છે. મોદીને વિશ્ર્વમાં સૌથી લોકપ્રિય નેતા ગણાવતા સર્વે હોય કે ભૂખમરાનો સર્વે હોય, એ બધા જ નાના નાના સેમ્પલ્સના આધારે જ તૈયાર કરાય છે. ભાજપ અને મોદી સરકારને પોતાને માફક આવે એવા સર્વે સામે વાંધો નથી હોતો. બલકે ભાજપ અને મોદી સરકાર પણ તેનો જોરશોરથી પ્રચાર કરે છે. ભક્તો પણ બહુ મોટી સિધ્ધિ મેળવી લીધી હોય એમ ફૂલાય છે પણ જરાક પોતાની તરફેણનું ના આવે એ સાથે જ નાનાં છોકરાંની જેમ ફૂંગરાઈને ઊભા થઈ જાય છે. આ વલણ એ વાતનો પુરાવો છે કે, ભાજપ અને મોદી સરકારમાં ખેલદિલી નથી, પોતાની ટીકાને હકારાત્મક રીતે લેવાની તાકાત નથી.
ખેર, ભારતમાં ભૂખમરાની સ્થિતી ગંભીર છે એ વાત સાબિત કરવા માટે કોઈ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ કે બીજા રિપોર્ટની જરૂર જ નથી. મોદી સરકાર જે રીતે છેલ્લા કેટલાય મહિનાઓથી સતત મફત અનાજની લહાણી કરી રહી છે તેના પરથી જ સ્પષ્ટ છે કે, ભારતમાં કરોડો લોકોને બે ટંક માટે પૂરતું ખાવાનું મળતું નથી. એ સિવાય સરકારે શું કરવા તેમને મફત અનાજ આપવું પડે?
આ યોજના કોરોના કાળથી ચાલે છે. મોદી સરકારે લોકડાઉન લાદ્યું તેના કારણે કામધંધા બંધ થઈ જતાં ગરીબોને ખાવાનાં ફાંફાં પડી ગયેલાં. એ વખતે મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દેશના ગરીબ લોકોને મફતમાં અનાજ, દાળ, ખાંડ વગેરે જીવન જરૂરીયાતની ચીજો આપવાની જાહેરાત કરેલી. એ વખતે જાહેર કરાયેલું કે, ત્રણ મહિના લગી બધું મફતમાં અપાશે. મતલબ કે, મે મહિના લગી ગરીબોને સરકાર નિભાવશે એવું એલાન કરાયેલું. એ પછી બીજા ત્રણ મહિના માટે આ યોજના લંબાવીને ઓગસ્ટના અંત લગી ગરીબોને મફતમાં અનાજ સહિતની ચીજો આપવાની જાહેરાત કરાયેલી. એ પછી બીજા ત્રણ મહિના એટલે કે નવેમ્બર લગી આ યોજના લંબાવાયેલી. પછી ઉત્તર પ્રદેશની ચૂંટણી આવી એટલે છ મહિના માટે લંબાવાયેલી. ગયા મહિને તેની મુદત પૂરી થતી હતી એટલે મોદી સરકારે વધુ ત્રણ મહિના લગી એટલે ડિસેમ્બર સુધી તેને લંબાવી છે. મતલબ કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના નામથી ૨૦૨૦થી શરૂ થયેલી યોજના અઢી વર્ષથી ચાલે છે.
મોદી સરકારે પોતે સત્તાવાર રીતે કહ્યું છે કે, ૮૦ કરોડ લોકોને આ યોજનાનો લાભ અપાયો છે. મોદી સરકારે કપરા સમયમાં ગરીબોને મદદ કરીને સારું કર્યું છે તેની ના નથી પણ તેના કારણે આપણા દેશની સ્થિતિ ખુલ્લી પડી ગઈ છે. આપણે આવી યોજના કરવી પડે છે એ આપણા માટે શરમજનક કહેવાય. દેશની કુલ ૧૩૦ કરોડની વસતીમાંથી ૮૦ કરોડ કરતાં વધારે એટલે કે ૬૦ ટકા કરતાં વધારે લોકોને સરકારે અઢી વરસ લગી મફત અનાજ આપીને ટકાવવાં પડે તેના પરથી જ ભૂખમરાની સ્થિતિનો અંદાજ આવી જાય.
આ તો ભૂખમરાની જ વાત કરી, ભાજપના નેતા રેવડીની વાતો કરે છે તેની તો વાત જ નથી કરતા.
[ad_2]