[ad_1]
પ્રિય પપ્પા… -અરુણા ઈરાની
મારા પિતાજી ૧૦-૧૧ વર્ષની ઉંમરે ઇરાનથી મુંબઇ આવીને પરિવારને સેટ કર્યું. પપ્પા પારસી ઇરાની હતા. પપ્પાનું નામ ફરેદુન ઇરાની અને મમ્મીનું નામ સગુણા. મારા મમ્મી અભિનેત્રી હતા. પપ્પા ગુજરાતી નાટક કંપનીના માલિક હતા. એમની કંપનીમાં પદ્મા રાણીજી, સરીતા જોશી જેવા દિગ્ગજ કલાકારો કામ કરતા હતા. એમની પાસેથી હું અભિનયના પાઠ શીખી. એ વખતે મેં કોઇ ઇન્સ્ટિટયૂટમાં જઇને અભિનયની પદ્ધતિસરની તાલીમ તો લીધી નહોતી! એમના નાટકો હોય ત્યારે હોલમાં બેસીને તેમનો અભિનય જોતી અને શીખતી. એ બે બહેનોમાં એક બહેન કોમેડીમાં સુર્પબ જ્યારે બીજી બહેન ટ્રેડેજીમાં અફલાતૂન અભિનય કરે. એમના થકી અમને ઘણું બધું શીખવા મળ્યું.
ખેર, પપ્પાની વાત પર પાછા આવીએ. મોટેભાગે બાપ અને દીકરી તથા મા અને દીકરાના સંબંધો હંમેશાં ખાસ રહેતા હોય છે. એનો મતલબ એ નથી કે તેઓ તેમના બીજા સંતાનોને પ્રેમ નથી કરતા, પરંતુ કહેવાનો મતલબ એટલો કે જેટલું જોડાણ આ બે સંબંધોમાં હોય છે એ અદ્ભુત હોય છે. મને લાગે છે આ બધુ કુદરતે જ નિર્માણ કર્યું છે.
મારા પપ્પા મને ખૂબ જ પ્રેમ કરતા અને હું પણ મારા પપ્પાને ખૂબ જ ચાહતી હતી. મારા પપ્પાને રેસ રમવાની એક ખરાબ આદત હતી. એમને એવું લાગતુ હતુ કે તેમને એક દિવસ રેસમાં એવો જેકપોટ લાગશે કે તેઓ તેમના પરિવારને દુનિયાની તમામ સુખ સાહ્યબી આપી શકશે. અમારો પરિવાર મધ્યમ વર્ગનો. પપ્પાની નાટક કંપની ચાલતી હતી, પણ એમાંથી ઘરખર્ચના પૈસા સિવાયના પૈસા પપ્પા રેસમાં હારી જતા. દરેક વખતે જેકપોટ જીતવાની આશા સાથે તેઓ પૈસા લગાવતા. પપ્પા ઘોડાની રેસ રમતા જરૂર પણ એની પાછળનો એમનો હેતુ પરિવારને સારું જીવન આપવાનો હતો, કારણ કે અમે લોકો આઠ ભાઇ-બહેન. હું છઠ્ઠા ધોરણ સુધી ભણી અને પછી પૈસાના અભાવને કારણે પપ્પાએ મારો અભ્યાસ છોડાવી દીધો. એ જમાનામાં એવી પણ માન્યતા હતી કે છોકરીઓને શું કામ ભણાવવી? એ તો લગ્ન કરીને પારકા ઘરે જ જવાની છે. ત્યાર બાદ પપ્પાની સાથે જ મેં સ્ટેજ પર કામ કરવાની શરૂઆત કરી. દરમિયાન, એક એવી ઘટના બની જેણે અમારા પરિવારની તસવીર બદલી નાખી. એક દિવસ પપ્પાને એવો વિચાર આવ્યો કે જો પચીસ હજારના ઘોડાના જેકપોટ પર દાવ લગાડે અને એમાં તેઓ જીતી જાય તો પરિવારનું દળદળ ફીટી જાય. એ વખતે અમારી પાસે એટલા પૈસા ક્યાંથી હોય . તેથી એમણે એક હૂંડીવાળા પાસેથી એ પૈસા ઉધાર માગ્યા. પપ્પા સાથે કામ કરતા-કરતા ધીરે-ધીરે મારી શાખ પણ બંધાઇ ગઇ હતી અટલે હૂંડીવાળાએ મારી સહી હોય તો જ પૈસા આપવાની વાત કરી. એ પણ આઠથી નવ ટકા વ્યાજ સાથે. હું એ લોકોને બ્લેમ નથી કરતી કે એ લોકો આટલું તગડું વ્યાજ વસૂલતા કારણ કે એ એમનો વ્યવસાય છે. અમારી જરૂરત છે, તો અમે એમની પાસે પૈસા માટે ગયા હતા. એ લોકોએ અમને ક્યાં આમંત્રણ આપીને બોલાવ્યા હતા? ખેર, પપ્પા રેસમાં પૈસા હારતા ગયા અને હૂંડીવાળા પાસેથી પૈસા લેતા ગયા. એમ કરતા કરતા મેં ૬,૫૦,૦૦૦ (છ લાખ પચાસ હજાર રૂપિયા)ની હૂંડી સાઇન કરી લીધી હતી અને એ પણ ૮-૯ ટકા જેટલા ઊંચા વ્યાજની. ત્યાર બાદ ધીરે-ધીરે પપ્પાની તબિયત બગડવા લાગી. મારી કમાણી એમની સારવારમાં જ ખર્ચાઇ જતી. હું પપ્પાને ખૂબ જ પ્રેમ કરતી હતી. એક દિવસ અચાનક એમને હૃદય રોગનો હુમલો આવ્યો અને એમનું નિધન થઇ ગયું. મને એમનું ખૂબ જ વળગણ હતું, તેથી હું ખૂબ જ દુ:ખી થઇ ગઇ અને બહુ રડી હતી. એમના નિધન બાદ જે લોકોએ હૂંડી સાઇન કરાવી હતી એ લોકો વસૂલી કરવા માટે અમારા ઘરે આવવા લાગ્યા. એ એમનો હક છે. પૈસા આપ્યા હતા એમણે પણ એ વખતે આટલી મોટી રકમ ક્યાંથી ભેગી કરવી? એ અમારા માટે યક્ષ પ્રશ્ર્ન હતો. હું જે થોડુ ઘણું કામ કરતી એમાંથી આટલી મોટી રકમ ભેગી થવી શક્ય નહોતી. ત્યારે એક દિવસ મને વિચાર આવ્યો કે વિધાતાએ અમારા આ કેવા લેખ લખ્યા છે કે અમારે આવા દિવસો જોવાનો વારો આવ્યો. પિતા એમના સંતાનો માટે વારસો મુકી જાય પણ મારા પિતાએ મારા માટે શું મુક્યું? ૬,૫૦,૦૦૦નું દેવું અને સાત ભાઇ-બહેનની જવાબદારી. ત્યારે થોડા સમય માટે પપ્પા પ્રત્યે મારું મન બહું ખાટું થઇ ગયું હતું કે પપ્પાએ આ શું કર્યું? મને તો ડુબાડી જ દીધી. એ વખતે મને મમ્મીની વાત પણ યાદ આવવા લાગી. પપ્પા જ્યારે હયાત હતા, ત્યારે મારી મમ્મી મને કહેતી હતી કે તું તારા પપ્પાની વાત બહુ નહીં સાંભળ. આ બધુ વિચારીને એ સમયે પપ્પા પ્રત્યેનો મારો પ્રેમ ઓછો થવા લાગ્યો. જો કે હું એવું માનું છું કે આ બધા સંજોગો માટે પપ્પાનો કોઇ વાંક ન હોતો. એમણે જે પણ કઇં કર્યું એ એમના મોજ- શોખ માટે નહીં, પણ એમના પરિવાર માટે કર્યું હતું.
હું વાત કરું છું ૧૯૬૮ની. એ જમાનામાં મહિલાઓ બહાર જઇને નોકરી કે કામ કરી શકતી નહોતી અને જો કોઇ કામ કરવા જાય તો બધા લોકો તરફથી એના પરિવારને ટોણાં મારવામાં આવતા કે એના બાપ-ભાઇ કેવા છે જે બૈરા પાસે કામ કરાવે છે. એવી પરિસ્થિતિમાં મેં આ બધાની પરવા કર્યાં વગર મક્કમ મનોબળ સાથે નિર્ણય લીધો હતો કે મારે કામ કરવા ઘરની બહાર જવું જ છે. જેને જે કહેવું એ કહે. મારે મારે દેવું ચૂકવવાનું હતું અને સાથે-સાથે સાત ભાઇ-બહેનોનો ઉછેર પણ કરવાનો હતો. મારે પોતે પણ જિંદગીમાં આગળ વધવું છે. આ બધા વિચાર કરીને હું કામ કરવા લાગી.
આજે જ્યારે હું પાછળ ફરીને જોઉ છું, ત્યારે મારા પપ્પાનો હું આભાર માનું છું. હું એમને કહું છું ‘થેન્કયું પપ્પા, તમે મારા માટે કોઇ વારસો ન મુક્યો પણ જવાબદારી મુકી. એ વખતે મને એ જવાબદારી બહુ ભારે લાગતી હતી, પણ આજે મને એવું લાગે છે કે મેં આજે જે પણ મુકામ હાંસિલ કર્યો છે, તે ફક્ત તમારા લીધે. તમે મારા માથા પર જવાબદારી મૂકી તો હું મારી જિંદગીમાં સફળ થઇ શકી.
પપ્પાને મારા પર ખૂબ જ ગર્વ હતો. તેઓ બીમાર હતા, ત્યારે મને કહેતા ‘મારી તબિયત સારી નથી રહેતી. જો કાલે મને કઇ થઇ ગયું તો પરિવારને કોણ સાચવશે? મોટી તો દીકરી છે. દીકરો નથી કે જે આખા પરિવારને સંભાળી લે.
એમને હંમેશાં એક રંજ રહેતો હતો કે કાશ, અરુણાની જગ્યાએ મારે કોઇ મોટો દીકરો હોત તો હું શાંતિથી મરી શક્યો હોત. એમના નિધનના બે દિવસ પહેલાની વાત છે. શૂટિંગ પેકઅપ કરીને હું એમને મળવા માટે હૉસ્પિટલ પહોંચી. ત્યારે પપ્પાએ મને કહ્યું હતું કે મારી એ વિચારસરણી ખોટી હતી કે મારે સૌથી મોટો દીકરો હોવો જોઇએ. તું મારી દીકરી નથી, પણ દીકરો છે. મારે અરુણા નથી, પણ અરુણ છે. આ દિવસ મારા માટે મારા જીવનનો સૌથી વધારે ખુશીનો દિવસ હતો. હું મારા પપ્પાને ખૂબ જ પ્રેમ કરતી હતી અને આજે પણ કરું છું. એક થોડો એવો સમય આવી ગયો હતો જ્યાં મને પપ્પા માટે મન ખાટું થઇ ગયું હતું, પરંતુ હું ખોટી હતી. હું મારા પપ્પાને પ્રેમ કરતી હતી, કરું છું અને કરતી રહીશ.
[ad_2]