[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

હેલ્થ વેલ્થ – પૂજા શાહ

તત્કાલીન વડા પ્રધાન ડો. મનમોહન સિંહે વર્ષ ૨૦૧૨માં કુપોષણ અંગેના એક અહેવાલ બાદ જણાવ્યું હતું કે દેશના ૪૨ ટકા બાળકો (પાંચ વર્ષ નીચેના) કુપોષિત છે અને તે દેશ માટે રાષ્ટ્રીય શરમ છે. આ સ્થિતિ હોય તો આપણે સ્વસ્થ ભવિષ્યની અપેક્ષા કઈ રીતે રાખી શકાય… કુપોષણ એક ખૂબ જ મોટી સમસ્યા છે અને ભારત વર્ષોથી આનો સામનો કરી રહ્યું છે. દરેક સમયની સરકારના પ્રયત્નોથી થોડો સુધાર આવ્યો છે, પરંતુ સમસ્યા ખૂબ ગંભીર છે અને આનો ભોગ બાળકો બનતા હોવાથી દેશની આવનારી પેઢી નબળી પડવાનો ભય રહે છે. જ્યારે કુપોષણની વાત આવે ત્યારે સાવ નમાલા, જીવ વિનાના, અત્યંત દુબળુ શરીર ધરાવતા બાળકો કે માતાની તસવીર આપણી નજરની સામે આવે, પણ કુપોષણનો બીજો પણ એક પ્રકાર છે અને તે છે સ્થૂળતા. કુપોષિત કે અતિ પોષિત (અન્ડરનરિશ્ડ કે ઓવરનરિશ્ડ) બાળકો કે યુવાપેઢી સ્વસ્થ ભારતની કલ્પનાને સાકાર થવા દેશે નહીં. ગરીબ દેશો કરતા પણ વિકસતા દેશોમાં સ્થૂળતા (ઓબેસિટી)ની સમસ્યા વધારે છે અને ભારત આમાંનો એક દેશ છે. જાડા કે સ્થૂળ હોવાને દેખાવ નહીં, પરંતુ આરોગ્ય સાથે સીધો નિસ્બત છે અને આ સ્થૂળકાય લોકોનું આરોગ્ય કે તેમની બીમારી દેશને દર વર્ષે રૂ. ૨.૮ લાખ કરોડમાં પડે છે તે તમે જાણો છો…?
એક ગ્લોબલ હેલ્થ સર્વેમાં આ વાત બહાર આવી છે. સામાન્ય રીતે જે તે બીમારી કે શારીરિક સ્થિતિનો આર્થિક બોજ કેટલો તે અંગે માહિતી હોતી નથી અને માહિતી મેળવવી પણ અઘરી બને છે. આ અંગે વૈશ્ર્વિક સંસ્થાઓએ સ્થૂળતા પાછળ થતાં પ્રત્યક્ષ અને પરોક્ષ ખર્ચનો ક્યાસ કાઢ્યો છે. જેમાં પ્રત્યક્ષ ખર્ચમાં દવા કે સારવાર અને તેની સાથે જોડાયેલો ખર્ચ જ્યારે પરોક્ષ ખર્ચમાં અકાળે થતાં મૃત્યુ (પ્રિમેચ્યોર મોર્ટાલિટી) કામના દિવસો-કલાકોમાં નોંધાતો ઘટાડો અને કામના સ્થળે ઘટતી ઉત્પાદકતા તેમજ જીવન જીવવાની ગુણવત્તા. પરોક્ષ ખર્ચની જીડીપી પર અસર પ્રત્યક્ષ ખર્ચ કરતા વધારે થાય છે. એક આંકડા પ્રમાણે એક વ્યકિતના સ્થૂળ હોવાથી જો તેનો પ્રત્યક્ષ ખર્ચ રૂ. ૨૦૦૦થી ૨૫૦૦ હોઈ (વર્ષદીઠ) તો પરોક્ષ ખર્ચ ૨૫,૦૦૦ જેટલો થાય છે. હાઈ બોડી માસ ઈન્ડેક્સ (બીએમઆઈ)ને લીધે ૨૮ રોગ થવાની સંભાવના રહે છે, જેમાં ડાયાબિટીસથી માંડી લીવર કેન્સરનો સમાવેશ થાય છે. દેશની ૧૭ ટકા વસતિ સ્થૂળતાથી પીડાઈ છે. ચીન અને અમેરિકા બાદ સ્થૂળતાને લીધે થતાં આર્થિક નુકસાનમાં ભારત ત્રીજા ક્રમાંકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થૂળતા માત્ર ભારેખમ શરીર જ નહીં, પરંતુ પોષકતત્ત્વો વિનાનું શરીર હોય તેને પણ કહેવાય છે. ખૂબ જ તંદુરસ્ત અને વજનદાર લાગતું બાળક કે વ્યક્તિમાં જરૂરી પોષકતત્ત્વોનો અભાવ હોય તેવું ઘણીખરી વાર બને છે.
ભારત જેવા બહોળી વસતિ ધરાવતા અને વિકાસશીલ દેશ માટે સ્થૂળતા બમણી ચિંતાનો વિષય છે કારણ કે આપણા દેશમાં એક બહુ મોટો વર્ગ, ખાસ કરીને બાળકો અને મહિલાઓ કુપોષણથી પીડાય છે. કુપોષણમાં સ્થૂળતા કે મેદસ્વીપણું પણ સમાવિષ્ટ છે. આ અંગે થયેલા સંશોધનો જણાવે છે કે ભારત પર ઝળુંબી રહેલું સ્થૂળતાનું જોખમ સમયસર હટાવવામાં નહીં આવે તો તે વિકરાળ રૂપ ધારણ કરશે. વર્ષ ૨૦૧૯માં સ્થૂળતા અને મેદસ્વીતાનો આર્થિક બોજો ૨૮.૯૫ બિલ્યન યુએસ ડોલર આંકવામાં આવ્યો હતો જે જીડીપીનો એક ટકો છે. આ સ્થિતિ આમ જ રહેશે તો વર્ષ ૨૦૬૦માં ભારતમાં આ ખર્ચ ૬૯ લાખ કરોડ અંદાજવામા આવ્યો છે. જે જીડીપીના ૨.૫ ટકા જેટલો હશે. કોઈપણ દેશ જ્યાં સુધી સ્વસ્થ નહીં રહે ત્યાં સુધી સમૃદ્ધ નહીં બને. એકવાર અશિક્ષિત વ્યક્તિ પોતાના કૌશલ્યોને આધારે, મહેનત કે સૂઝને આધારે દેશ અને સમાજને કંઈક આપતી જશે, પરંતુ બીમાર સમાજ ક્યારેય વિકાસના માર્ગે જઈ શકશે નહીં. દેશમાં અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓના દરદીઓ વધતા જાય છે. જો એક સ્થૂળતાની સમસ્યા આપણને આટલું નુકસાન કરતી હોય તો વિચારો કે તમામ બીમારીઓ દેશને કેટલામાં પડતી હશે…? વળી, લાઈફસ્ટાઈલ ડિસિઝના નામે જાણીતી બીમારીઓનો ભોગ યુવાનો પણ બહુ મોટા પ્રમાણમાં બની રહ્યા છે, આથી દેશની ઉત્પાદકતા કેટલી હદે ઘટી રહી છે તેનો ક્યાસ કાઢવો પણ મુશ્કેલ છે. વળી, વધી ગયેલા વજનને ઘટાડવા માટે કરવામાં આવતો ખર્ચ અને તેનાંથી થતા અન્ય રોગનું તો આખું એક અલગ જ અર્થશાસ્ત્ર છે. જીમથી માંડી કેટકેટલા સપ્લીમેન્ટ અને નતનવીન નુસખાઓ યુવાપેઢીનો સમય અને શક્તિ બગાડે છે અને વધારે પડતા પ્રયાસોને લીધે જીવ ગુમાવવાનો કે શરીરને નુકસાન કરવાનો વારો પણ આવે છે. એક સમયે છોકરી કે છોકરો થોડો જાડો થાય એટલે તેને ઘરના ઠપકો આપતા અને મિત્રો જાડીયો કહીને ચીડવતા. દરેક સ્કૂલમાં દરેક વર્ગમા આવા એક કે બે વિદ્યાર્થી હોય અને તેને તેના નામથી બોલાવવાને બદલે જાડીયો કે જાડડી કહીને જ બોલાવતા. પણ સમય જતા આ ટીકાને પાત્ર બન્યું. કોઈપણ વ્યક્તિને તેના બાહ્ય રંગરૂપ કે કદ-કાઠી મામલે નીચું પાડવું કે તેની હાંસી ઉડાડવી યોગ્ય નથી તે લોકોને સમજાયું. બોડીશેમ ન કરવા માટે સોશિયલ મીડિયા પર મુવમેન્ટ ચાલી. વાત પણ સાચી. કોઈપણ વ્યક્તિને તેના બાહ્ય દેખાવ, રંગરૂપ, કદ-કાઠી, ભાષા કે કપડાં, આભૂષણ, હાલચાલ મામલે અલગ તારવવું, જાહેરમાં સૂચનો કરવા, ટીખળ કરવી કે મજાક ઉડાડવી સભ્ય સમાજને ન શોભે, પણ આપણે ત્યાં જ ભૂલ કરી ગયા. નાના બાળક કે ઘરના યુવાનોને દેખાવ-સુંદરતા પર ધ્યાન આપવાને બદલે સ્વાસ્થ્ય પણ ધ્યાન આપવાનું શિખવાડવાનું આપણે ચૂકી ગયા. લાઈફસ્ટાઈલ ડિસિઝ આપણે જ આધુનિકતાના નામે આમંત્રેલા રાક્ષસો છે, જે આપણને ધીમે ધીમે ભરખી રહ્યા છે અને આપણે જાણવા છતાં તેના સકંજામાંથી છૂટી શકતા નથી. બ્રેડ પર બટર લગાવતી કે બહારથી સ્વિગી પર ખાવાનું ઓર્ડર કરતી આજની પેઢીને આપણે સ્વતંત્ર અને શાણી માની બેઠા છે. એક તરફ વિવિધ ઉપકરણોને લીધે-વ્યસ્તતાને લીધે શરીરનો વ્યાયામ ઘટે છે અને બીજી બાજુ ખાણી-પીણીમાં કોઈ નિયમો કે નિયંત્રણો પાડવામાં આવતા નથી. રસોઈમાં માત્ર સ્વાદને જ ધ્યાનમાં રાખતા આપણે સ્વાસ્થ્યનો છેદ ઉડાડી દઈએ છીએ. આ ઉપરાંત તાણ અને અપ્રાકૃતિક જીવન પણ સ્થૂળતા માટે જવાબદાર છે. આજની પેઢી ચોક્કસ ઘણી જાગૃત બની છે, શિક્ષિત છે અને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના પણ તેમનામાં પ્રબળ છે. ત્યારે એટલું સમજી લેજો કે જો તમે સ્વસ્થ નહીં રહો તો દેશ સ્વસ્થ નહીં રહે અને બીમાર કે માંદો દેશ કેટલો અને ક્યારે આગળ વધશે…
વર્ષો પહેલા કહેવાયું હતું પહેલું સુખ તે જાતે નર્યા. આ વાત વર્ષો પછી પણ સાચી જ છે અને રહેશે. ઉ

[ad_2]

Google search engine