[ad_1]
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત ૮ નવેમ્બરે નિવૃત્ત થવાના છે ત્યારે જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ એટલે કે ડી.વાય. ચંદ્રચૂડ દેશના નવા ચીફ જસ્ટિસ બનશે એ નક્કી થઈ ગયું છે. યોગાનુયોગ દેશની આઝાદીના પંચોતેરમા વર્ષમાં દેશને પચાસમા નવા ચીફ જસ્ટિસ મળવશે.
આપણે ત્યાં એક તંદુરસ્ત પરંપરા રહી છે કે, વિદાય લેતા ચીફ જસ્ટિસ પોતાના અનુગામી કોણ બને તેના નામની ભલામણ કરે છે. કાયદા મંત્રાલય તેને માન્ય રાખીને વડા પ્રધાનની મંજૂરીની મહોર મરાય પછી રાષ્ટ્રપતિને મોકલે છે અને રાષ્ટ્રપતિ નવા ચીફ જસ્ટિસની ભલામણ કરે છે. આવતા મહિને નિવૃત્ત થનારા વર્તમાન ચીફ જસ્ટિસ યુ.યુ. લલિતે કાયદામંત્રી કિરણ રિજિજુને તેમના નામની ભલામણ કરી દેતાં હવે ડી.વાય. ચંદ્રચૂડ દેશના નવા ચીફ જસ્ટિસ બનશે એ નક્કી થઈ ગયું છે. ચીફ જસ્ટિસ લલિતે મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની હાજરીમાં વ્યક્તિગત રીતે જસ્ટિસ ચંદ્રચૂડને તેમના પત્રની નકલ પણ આપી હતી. જસ્ટિસ લલિત ૮ નવેમ્બરે નિવૃત્ત થશે અને જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ ૯ નવેમ્બરે ચીફ જસ્ટિસ તરીકે શપથ લેશે.
જસ્ટિસ ચંદ્રચૂડ દેશના ચીફ જસ્ટિસ બનશે એ સાથે ઈતિહાસ રચાશે કેમ કે પહેલી વાર એવું બનશે કે કોઈ ચીફ જસ્ટિસના પુત્ર પણ ચીફ જસ્ટિસ બન્યા હતા. જસ્ટિસ ચંદ્રચૂડના પિતા જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ દેશના ૧૬મા ચીફ જસ્ટિસ હતા. જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડનો કાર્યકાળ ફેબ્રુઆરી, ૧૯૭૮થી ૧૧ જુલાઈ, ૧૯૮૫ સુધી એટલે કે લગભગ સાત વર્ષનો રહ્યો હતો. ભારતના ઈતિહાસમાં સૌથી લાંબો સમય સુધી ચીફ જસ્ટિસ તરીકે રહેવાનો રેકોર્ડ જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડના નામે છે.
જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડના નામે ઘણા યાદગાર ચુકાદા છે પણ સૌથી મોટો ચુકાદો શાહબાનો કેસનો છે. આ કેસે ભારતીય રાજકારણની તરાહ બદલી નાંખી હતી. મધ્ય પ્રદેશના ઈન્દોરની શાહબાનો બેગમના નિકાહ ૧૯૩૨માં ૧૮ વર્ષની વયે
મોહમ્મદ અહમદ ખાન સાથે થયેલાં. ઈન્દોરના માલદાર ને વગદાર વકીલ ખાન સાથેનાં લગ્નથી શાહબાનોને પાંચ સંતાન થયાં.
લગ્નના ૧૪ વર્ષ પછી ખાને વીસેક વરસની બીજી યુવતી સાથે નિકાહ પઢી લીધા.
શાહબાનો વાસ્તવિકતાને સ્વીકારીને જીવતાં હતાં ત્યાં ખાને ૧૯૮૬માં શાહબાનો અને પાંચ સંતાનોને તગેડી મૂક્યાં. ૬૨ વર્ષનાં શાહબાનોને મદદ કરવા સગાં વચ્ચે પડ્યાં એટલે ખાને ભરણપોષણ માટે મહિને ૨૦૦ રૂપિયા આપવાની હા પાડી. બે વર્ષ પછી એટલે કે એપ્રિલ ૧૯૭૮માં ખાને એ રકમ આપવાની બંધ કરીને શાહબાનોને તલાક આપી દીધા. શાહબાનોએ કોર્ટમાં કેસ કરીને ભરણપોષણની માગણી કરી.
ખાનનું કહેવું હતું કે, ઈસ્લામના કાયદા પ્રમાણે તેણે મહેરની રકમ આપી દીધી છે એટલે ભરણપોષણ આપવાનો સવાલ નથી. બધી શાહબાનોની અરજીને માન્ય રાખીને ભરણપોષણ આપવાનું ફરમાન કર્યું તેથી મુસ્લિમોના ઠેકેદારો ઉકળેલા હતા. તેમની મદદથી ખાન સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમિત ઉલેમા-એ-હિંદ ખાનને પડખે હતાં પણ સુપ્રીમ કોર્ટની લાર્જર બેંચે ૨૩ એપ્રિલ, ૧૯૮૫ના રોજ ઐતિહાસિક ચુકાદો આપીને શાહબાનોને ભરણુપોષણ આપવાનું ફરમાન કર્યું.
સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો કે, આઈપીસીની કલમ ૧૨૫ દરેક ધર્મ, સંપ્રદાય અને જ્ઞાતિનાં લોકોને એકસરખી લાગુ પડે છે તેથી શાહબાનોને ભરણપોષણની રકમ આપવામાં આવે. મુસ્લિમ મતોના ઠેકેદારો ભડક્યા ને તેમણે દબાણ લાવીને આ ચુકાદો બદલાવી નાંખેલો. રાજીવ ગાંધી સરકારનું આ પગલું કૉંગ્રેસને ભારે પડી ગયું. કૉંગ્રેસ મુસ્લિમોનું તુષ્ટિકરણ કરે છે એવો પ્રચાર શરૂ થયો ને તેમાં ભાજપનો ઉદય થયો. જસ્ટિસ ચંદ્રચૂડે આ ચુકાદો આપેલો તેથી તેમને દેશમાં નવી લહેર લાવવામાં નિમિત્ત માની શકાય.
જસ્ટિસ ધનંજ્ય ચંદ્રચૂડ પણ પિતાના રસ્તે ચાલીને સુપ્રીમ કોર્ટના જજ બન્યા છે. જસ્ટિસ ચંદ્રચૂડે ૧૩ મે ૨૦૧૬ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ તરીકે પદભાર સંભાળ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આવતાં પહેલાં તેઓ અલાહાબાદ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. એ પહેલાં બોમ્બે હાઈ કોર્ટમાં પણ જજ તરીકે કામ કરી ચૂક્યા છે. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ દેશના એડિશનલ સોલિસિટર જનરલ પણ રહી ચૂક્યા છે.
અલબત્ત જસ્ટિસ ધનંજ્ય ચંદ્રચૂડને પણ તેમના પિતાની જેમ અનેક યાદગાર ચુકાદા માટે યાદ કરાય છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ, ભીમા કોરેગાંવ, સમલૈંગિકતા, આધાર અને અયોધ્યા કેસમાં જજ રહી ચૂકેલા જસ્ટિસ ધનંજ્ય ચંદ્રચૂડની કારકિર્દી પણ એ રીતે યશસ્વી રહી છે.
થોડા સમય પહેલાં નોઈડા ટ્વીન ટાવર તોડી પાડવામાં આવ્યા. નોઈડામાં બનેલા સુપ્રાટેકના બંને ટાવરનું ૨૮ ઑગસ્ટના રોજ ડીમોલિશન થયું ને તેનો ચુકાદો તેમણે આપેલો. એ પહેલાં બહુ ગાજેલા હાદિયા લવ જિહાદ કેસમાં પણ હાઈકોર્ટના ચુકાદાને બદલીને તેમણે મહત્ત્વનો ચુકાદો આપેલો.
કેરળની ૨૩ વર્ષની અખિલા અશોકને શફીન નામના મુસ્લિમ છોકરા સાથે ૨૦૧૬માં લગ્ન કર્યા હતા. છોકરીના પિતાનો આરોપ હતો કે, આ લવ-જેહાદનો કેસ છે. પોતાની દીકરીનું પરાણે ધર્મપરિવર્તન કરાવી લગ્ન કરવામાં આવ્યા છે. કેરળ પોલીસે આ વાતને સમર્થન આપેલું ને એનઆઈએએ પણ તેની તપાસમાં આ જ વાત કરતાં હાઈ કોર્ટે લગ્ન રદ કરીને અખિલા ઉર્ફે હાદિયાને તેનાં માતા-પિતા પાસે મોકલવા આદેશ આપ્યો હતો. જો કે આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ત્યારે હાઈ કોર્ટનો ચુકાદો રદ કરી દેવાયેલો.
સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસના વડપણ હેઠળની બેંચે ૨૦૧૭માં પ્રાઈવસીને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકાર્યો એ બેન્ચમાં જસ્ટિસ ચંદ્રચૂડ પણ હતા. ચંદ્રચૂડે તેમના ચુકાદામાં લખ્યું હતું કે, આ દેશના બંધારણનો સ્વીકાર કરીને, ભારતના લોકોએ તેમના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા સરકારને સોંપી નથી. થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે, અપરિણીતાને ગર્ભપાતનો અધિકાર છે, પછી તે પરિણીત હોય કે ના હોય. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ દરેક મહિલાને ૨૨થી ૨૪ અઠવાડિયાં સુધી ગર્ભપાત કરવાનો અધિકાર છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની બેંચે આ ચુકાદો આપ્યો હતો.
બંધારણીય બાબતોના આવા જાણકાર ન્યાયાધીશ દેશના નવા ચીફ જસ્ટિસ બને એ ગર્વની વાત છે.
[ad_2]