[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: ગુજરાતના સમુદ્રીકાંઠાનો આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓએ ઉપયોગ ફરી વધાર્યો હોવાના અને એક ઇરાનિયન બોટ ૨૦૦ કિલો જેટલું ડ્રગ્સ લઇ, ગુજરાતના સાગરકાંઠે આવી રહી હોવાના બિનસત્તાવાર અહેવાલો વચ્ચે દેશની પશ્ર્ચિમ સરહદે આવેલા ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ભૂમિ અને જળસીમાને અડીને આવેલા કચ્છના સમુદ્ર વિસ્તારોમાંથી છેલ્લાં ત્રણ વર્ષમાં સામેપારથી ઠાલવ્યા બાદ બિનવારસુ હાલતમાં માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો હોય તેમ ફરી સીમાવર્તી અબડાસા તાલુકાના જખૌ પાસેના સંવેદનશીલ ક્રિક વિસ્તારમાંથી ચરસનું બિનવારસુ પેકેટ મળી આવતાં અહીં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
જખૌ મરીન પોલીસે આ અંગે આપેલી સત્તાવાર માહિતી પ્રમાણે, વિજયાદશમીના દિવસે જખૌ મરીન કમાન્ડો ફોર્સના જવાનો શિયાળ ક્રિક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ચેરિયાના ઝાડમાં ફસાયેલું ચરસનું અંદાજિત ૧૦૦ ગ્રામ વજન ધરાવતું પડીકું મળી આવતાં તેને જપ્ત કરી લઇ વધુ તપાસ માટે મોકલવામાં આવ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષથી કચ્છના અલગ અલગ સ્થળોએથી મળી આવેલા ચરસના પેકેટથી જે પેકેટ શિયાળ ક્રીકમાંથી મળ્યું તે અલગ હોવાથી તેની ઝીણવટભરી તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના પડીકાં મળવાની શરૂઆત ત્રણ વર્ષ અગાઉ થઇ હતી અને અત્યારસુધી ૧૬૦૦થી વધારે ડ્રગ્સના ફેંકી દીધેલા પેકેટ્સ મળી આવ્યા છે. હજુ વધુ પેકેટ પડ્યા હોવાની સંભાવનાને પગલે સલામતી દળે તપાસ ચાલુ રાખી હોવાનું સલામતી દળના પ્રવક્તાએ જણાવ્યું હતું અને કચ્છના તમામ સીમાવર્તી વિસ્તારો તેમજ અટપટી ક્રીકમાં સઘન સર્ચ ઓપરેશન સતત ચાલુ હોઈ આવનારા દિવસોમાં કોઈ મોટું સીઝર મળી આવવાની પૂરેપૂરી શક્યતા નકારી શકાય નહિ તેમ તપાસકર્તાએ ઉમેર્યું હતું.

Google search engine

[ad_2]

Google search engine