[ad_1]
દિવાળી નજીક આવી રહી છે અને ફટાકડા અને દિવાળીનો સંબંધ વર્ષો જૂનો છે, પરંતુ થોડા સમયથી ફટાકડાને લીધે હવા અને ધ્વનિ નું પ્રદૂષણ થતું હોવાથી વિવાદો સર્જાયા છે અને ઘણા રાજ્યોએ તેનાં પર પ્રતિબંધ મૂક્યો છે અથવા તો ક્યારે ફોડવા અને કેવી રીતે ફોડવા એની માર્ગદર્શિકા આપી છે. આ બધા વચ્ચે એક શબ્દ સંભળાય છે અને એ છે ગ્રીન ક્રેકર્સ એટલે કે ઇકો ફ્રેન્ડલી, પર્યાવરણને અનુકૂળ એવા ફટાકડા. આ ફટાકડા ઓછા પ્રદુષણ ફેલાય તેવા હોય તેવું માનવામાં આવે છે. સામાન્ય ફટાકડાઓ કરતા આનું જે કેમિકલ કમ્પોઝિશન છે તે ઓછો ધુમાડો કરે છે, ઓછો અવાજ કરે છે અને ધૂળ પણ તેનાથી ઓછી ઉડે છે તેવું માનવામાં આવે છે. એવા ઘણા ગ્રીન ક્રેકર્સ પણ બને છે જેમાં નુકસાન કારક કેમિકલનો જરા પણ ઉપયોગ કરવામાં આવતો નથી . આ ફટાકડા આમ તો સાદા ફટાકડા જેવા દેખાય છે અને ફૂટે છે . આ ફટાકડામાં પ્રદૂષણ ફેલાવનારા રસાયણ જેવા કે અરસેનિક, લિથિયમ ,બેરિયમ વગેરે હોતા નથી. આ સાથે એલ્યુમિનિયમ, લીડ, કાર્બન વગેરે ઘણી ઓછી માત્રામાં વાપરવામાં આવે છે. આ સાથે આ ફટાકડા જ્યારે ફૂટે છે ત્યારે તેમાંથી વોટર વેપર એટલે કે વરાળ નીકળે છે જેના લીધે ધૂળ વધારે પડતી ઉડતી નથી. આવા ફટાકડા બનાવવાનો શ્રેય સી.એસ.આઇ.આર અને નીરીને જાય છે. આ બંને કેન્દ્રીય સંસ્થાઓએ 2019 માં ગ્રીન ક્રેકસૅ લોન્ચ કર્યા હતા. ત્રણ પ્રકારના ગ્રીન ક્રેકર્સ અવેલેબલ હોય છે. જેમાં શ્વાસ સ્ટાર અને સફળ એવી ત્રણ કેટેગરી બનાવવામાં આવે છે. આ ફટાકડા બનાવવા માટે જે તે કંપનીએ સીએસઆઈઆર અને નીરી સાથે કરાર કરવાનો હોય છે .આ સાથે ધ પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝીવ ઓર્ગેનાઇઝેશન તેનો ટેસ્ટ કરે, તેમાંથી કેટલું ધુવાડો અને પ્રદૂષણ બહાર જાય છે તેની ખાતરી કરે તે બાદ જ લાયસન્સ મળે છે અને તે બાદ જે તે કંપની તેને બનાવી શકે છે . એક સાદો સીધો સવાલ સૌને થાય છે કે શું આ ફટાકડા ખરેખર પર્યાવરણ પૂરક છે? એનો જવાબ હા માં આપી શકાય. સામાન્ય ફટાકડામાં જે અવાજની માત્રા હોય છે એ 160 ડેસીબલ જેટલી હોય છે જ્યારે ગ્રીન ક્રેકર્સમાં આ માત્રા લગભગ 110 થી 125 વચ્ચેની હોય છે. ગ્રીન ક્રેકર્સમાં જે પ્રદૂષણ બહાર આવે છે અથવા તો જે ધુમાડો થાય છે તે સામાન્ય ફટાકડા કરતા 30 ટકા કે તેનાથી વધુ પણ ઓછું હોય છે . આ ફટાકડા કિંમતમાં થોડા મોંઘા હોય છે, પરંતુ જો ફટાકડા ફોડવાની મજા લેવી હોય અને પર્યાવરણનું જતન પણ કરવું હોય તો સરકારે આપેલો આ એક ઘણો સારો વિકલ્પ છે.
[ad_2]