[ad_1]
ડીસામાં એરબેઝનું લોકાર્પણ: ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પોનો પ્રારંભ
ડિફેન્સ એક્સ્પો અને મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સનું ઉદ્ઘાટન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પોના ઉદ્ઘાટન બાદ ઇન્ડિયા મિલ એરવર્ધીનેસ પ્રોસિજર (આઇએમએપી) લૉન્ચ કર્યું હતું. ત્યારપછી અમદાવાદ પાસે અડાલજના ત્રિમંદિર ખાતે મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ લૉન્ચ કર્યું હતું. (તસવીરો: પીટીઆઈ)
——
(અમારા પ્રતિનિધિ તરફથી)
જૂનાગઢ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરનારા તેમ જ બદનામ કરનારા લોકોને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. ગુજરાતની છબિ બગાડનારા લોકોને માફ નહિ કરતા.
ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમાથી માત્ર ૧૩૦ કિલોમીટરના અંતરે આકાર લેનારા ડીસા એરબેઝથી ભારતીય વાયુસેના દેશની પશ્ર્ચિમી સીમા પર કોઈ પણ દુ:સાહસનો વધુ બહેતર જવાબ આપી શકશે અને આ એરબેઝથી દેશની સુરક્ષા માટે બનાસકાંઠા અને પાટણ મહત્ત્વનું કેન્દ્ર બનશે એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨નો શુભારંભ અને ડીસા એરબેઝનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતાં કહ્યું હતું. આ ઉપરાંત, જૂનાગઢમાં જનસભાને સંબોધતાં વડા પ્રધાને કોઇ પણ રાજકીય પાર્ટીનું નામ લીધા વગર કહ્યું હતું કે કેટલીક રાજકીય પાર્ટીઓને ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કર્યા વગર તેમને તેમનું કામ અધૂરું લાગે છે, પરંતુ આ વખતે ગુજરાતને બદનામ કરનારાને પાઠ ભણાવજો.
નરેન્દ્ર મોદીએ ડિફેન્સ એક્સ્પોને નૂતન ભારતની ભવ્ય તસવીર ગણાવતાં કહ્યું હતું કે સશક્ત રાષ્ટ્ર માટે ભવિષ્યમાં સુરક્ષાનાં પરિણામો કેવા હોવા જોઈએ એનું આકલન જરૂરી છે. સ્પેસ ટેક્નોલોજીનો વિકાસ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. ત્રણેય સેનાઓ દ્વારા સ્પેસ ટેક્નોલોજીના ક્ષેત્રમાં વિભિન્ન પડકારોની ઓળખ કરવામાં આવી છે. વિસ્તૃત સમીક્ષા થઈ છે અને તેના સમાધાન માટે મિશન ડિફેન્સ સ્પેસ હાથ ધરવામાં આવ્યું છે. સ્પેસમાં ભારતની શક્તિ સીમિત ન રહે, ભારતના આ મિશન અને વિઝનનો લાભ અન્ય દેશોને પણ મળે તે જરૂરી છે. ઇન્ટેન્શન, ઇનોવેશન અને ઇમ્પ્લિમેન્ટેશન આ ત્રણેય ક્ષેત્રે ભારત આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી સમગ્ર વિશ્ર્વમાં ડિફેન્સ ક્ષેત્રે ભારતની ઓળખ સૌથી મોટા આયાતકાર તરીકે રહી છે, પરંતુ મેક ઇન ઇન્ડિયા આજે રક્ષાક્ષેત્રની સૌથી મોટી સક્સેસ સ્ટોરી બન્યું છે. આજે રક્ષાક્ષેત્રમાં ભારતની નિકાસ આઠ ગણી વધી છે. ભારત ૭૫થી વધુ દેશોમાં રક્ષાસામગ્રી અને ઉપકરણોની નિકાસ કરી રહ્યું છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે વર્ષ ૨૦૨૧-૨૨માં રક્ષાક્ષેત્રે ડિફેન્સ નિકાસ ૧.૫૯ બિલ્યન ડૉલર એટલે કે ૧૩,૦૦૦ કરોડ રૂપિયાએ પહોંચી છે. આગામી પાંચ વર્ષમાં પાંચ બિલ્યન ડૉલર એટલે કે રૂપિયા ૪૦,૦૦૦ કરોડ સુધી રક્ષાક્ષેત્રની નિકાસ પહોંચાડવાનું લક્ષ્ય છે. આજે ભારતની રક્ષા ઉત્પાદન કંપનીઓ ગ્લોબલ સપ્લાયચેનનો મહત્ત્વનો ભાગ બની છે. ભારતના ‘સ્ટેટ ઓફ ધ આર્ટ તેજસ’ આધુનિક ફાઈટર પ્લેનની વૈશ્ર્વિક માંગ છે.અમેરિકા, ઇઝરાયેલ અને ઇટાલી જેવા દેશોમાં પણ રક્ષા ઉપકરણોના પાર્ટ્સ સપ્લાય કરી રહ્યા છીએ. ભારતનું બ્રહ્મોસ’ મિસાઈલ આજે વિશ્ર્વમાં સૌથી વધુ ઘાતક અને સૌથી વધુ આધુનિક મનાઈ રહ્યું છે. બ્રહ્મોસ મિસાઈલ અનેક દેશોની પસંદગીમાં અગ્રસ્થાને છે. મેડ ઇન ઈન્ડિયાની ટેક્નોલોજીના પ્રતીકસમું ‘આઈએનએસ વિક્રાંત’ જહાજ ભારતનું સૌથી ગૌરવશાળી ઉદાહરણ છે. આધુનિક એન્જિનિયરિંગનું વિશાળ અને વિરાટ માસ્ટરપીસ એવું ‘આઈએનએસ વિક્રાંત’ સ્વદેશી ટેક્નિકનો માસ્ટરપીસ છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે વાયુ સેનાનું પ્રચંડ લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર અને થલસેનાની કોમ્બેટગન ભારતીય ઉત્પાદનોમાં શિરમોર છે. ગુજરાતના હજીરામાં ઉત્પાદિત આધુનિક હથિયારો સીમાની સુરક્ષા કરી રહ્યા છે. ભારત સરકારની નીતિ, રિફોર્મ્સ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ આ માટે મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રક્ષા બજેટના ૬૮ ટકા ભારતીય કંપનીઓને ફાળવાઈ રહ્યા છે. પહેલાં રાજકીય ઈચ્છાશક્તિથી ભારતીય સેના માટે નિર્ણયો લેવાઇ રહ્યા હતા. આજે સૈન્યની ઈચ્છાશક્તિથી ભારતમાં નિર્ણયો લેવાઈ રહ્યા છે. રક્ષા મંત્રાલયમાં રિસર્ચ, ઇનોવેશન અને સ્ટાર્ટ અપ માટે ૨૫ ટકા બજેટની ફાળવણી કરાઈ રહી છે.
મોદીએ કહ્યું હતું કે ભારતમાં આ પહેલાં પણ ડિફેન્સ એક્સ્પોના આયોજનો થયા છે, પરંતુ ગુજરાતના આંગણે થયેલું આ આયોજન અભૂતપૂર્વ છે. આ એવો પ્રથમ એક્સ્પો છે જ્યાં માત્ર ભારતીય કંપનીઓ જ ભાગ લઈ રહી છે. મેડ ઇન ઇન્ડિયાના રક્ષા ઉપકરણો અહીં પ્રદર્શિત થઈ રહ્યાં છે.આ એક્સ્પોમાં ૧૩૦૦થી વધારે પ્રદર્શકો, ૧૦૦થી વધારે સ્ટાર્ટ અપ્સ અને એમ.એસ.એમ.ઈ ભાગ લઈ રહ્યા છે. આજે સમગ્ર દેશ અને દુનિયાના અન્ય દેશો ભારતની ક્ષમતા અને સંભાવનાની ઝલક એકી સાથે જોઈ રહ્યા છે. ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ દરમિયાન ૪૫૦થી વધુ એમઓયુ અને એગ્રીમેન્ટ પર હસ્તાક્ષરો થશે.
૨૦૦૯માં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ડીસા એરબેઝના નિર્માણ માટે કરેલા પ્રયત્નો ઉલ્લેખ કરીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તત્કાલીન કેન્દ્ર સરકારે ૧૪ વર્ષ સુધી આ મહત્ત્વના વિષય ઉપર કોઈ જ નિર્ણય ન કર્યો અને એવા પ્રશ્ર્નો ઊભા કર્યા કે પ્રધાનમંત્રી થયા પછી પણ તેના ઉકેલ માટે ઘણો સમય ગયો. આજે ડીસા એરબેઝથી ભારતીય વાયુ સેનાની અપેક્ષાઓ પૂરી થઈ રહી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતીય સેનાઓ સૈન્ય સામગ્રીની ખરીદી માટે બે લિસ્ટ તૈયાર કરે છે. એક લિસ્ટ ભારતમાં જ બનેલી ચીજવસ્તુઓની ખરીદીનું હોય છે. હવે અનિવાર્ય હોય એવાં જ ઉપકરણો બહારથી ખરીદવામાં આવે છે. મને કહેતા ગર્વ થાય છે કે વધુ ૧૦૧ વસ્તુઓ ભારતમાંથી જ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે આત્મનિર્ભર ભારત અને દેશનાં ઉત્પાદનો પર વધી રહેલા ભરોસાનું પ્રતીક છે. આજે ભારતીય સેનાઓમાં ઉપયોગમાં લેવાતી ૪૧૧ જેટલી વસ્તુઓ અને ઉપકરણો ભારતમાં નિર્મિત છે.
તેમણે એવું ઉમેર્યું હતું કે પહેલાં અમે કબૂતરો છોડતા હતા અને હવે અમે ચિત્તા છોડીએ છીએ. તેમ દેશ ઘણો આગળ નીકળી ગયો છે.
દરમિયાન મોડી સાંજે જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાને રૂ. ૪,૧૫૫ કરોડનાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરતાં વડા પ્રધાને ખેડૂત, પશુપાલકો અને સાગરખેડૂના જીવનમાં કઈ રીતે બદલાવ લાવ્યા તેની વાત કરી હતી. તો સાથે ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરતા રાજકીય પક્ષો પર પણ આકરા પ્રહાર કર્યા હતા.
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો બુધવારે પ્રથમ દિવસે સાંજે રાજકોટમાં રોડ શો યોજાયો હતો. રોડ શો બાદ વડા પ્રધાને જનસભાને સંબોધતા કહ્યું હતું કે, મહાત્મા ગાંધી પોરબંદરમાં જન્મ્યા હતા અને તેમની પાઠશાળા રાજકોટમાં હતી એવું મારું છે, હું ઉત્તર ગુજરાતમાં જન્મ્યો પણ મારી પ્રથમ રાજકીય પાઠશાળા રાજકોટ હતી. રાજકોટના આશીર્વાદથી બે દાયકાથી લોકોને સેવા કરી રહ્યો છે.
ગાંધીનગર અને જૂનાગઢ બાદ વડા પ્રધાને મોડી સાંજે રાજકોટમાં રાજકોટ જિલ્લાના પાંચ હજાર કરોડના વિકાસ કામોને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે રાજકોટની જનતાએ મને આશીર્વાદ આપ્યા તો બે દાયકાથી જવાબદારી આપી છે. વજુભાઈએ સીટ ખાલી કરી અને મને તમે વધાવી લીધો. આ રાજકોટનું ઋણ ક્યારેય ન પૂરું કરી શકું, હું તમારો કર્જદાર છું. આપના ચરણોમાં આજે વિકાસના કામોની ભેટ ધરું છું.
તેમણે કહ્યું હતું કે જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી ગુજરાતમાં સુખ અને શાંતિ સહજ બન્યા છે. ગુજરાતે સતત પ્રગતિ કરી છે.
વડાપ્રધાને રીમોટ કંટ્રોલથી સાયન્સ મ્યુઝિયમ, લાઈટ હાઉસ, અમુલ પ્લાન્ટ, રાજકોટ-જેતપુર સિક્સ લેન સહિત પાંચ હજાર કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું.
[ad_2]