[ad_1]

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં સેલિબ્રિટિઝ નાણાંને ખાતર ક્યારેક એવી હરકતો કરી નાંખે છે કે જે જોઈને હસવું કે રડવું એ જ ખબર ના પડે. મનમા સવાલ પણ ઊઠે કે, માણસમાં પૈસાની એવી તે કેવી ભૂખ હશે કે પોતાના ગૌરવને ભૂલીને આવી સાવ હાસ્યાસ્પદ કરવા તૈયાર થઈ જતો હશે? ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટ-કીપર મહેન્દ્ર સિંહ ધોનીએ રવિવારે કરેલી હરકત પછી મનમાં આ જ સવાલ ઊઠી રહ્યો છે.
ધોનીએ શનિવારે સોશિયલ મીડિયા પર એવી જાહેરાત કરી હતી કે પોતે એક ‘એક્સાઈટિંગ ન્યુઝ’ અથવા તો ’રોમાંચક સમાચાર’ શેર કરવા માટે રવિવાર ૨૫ સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર લાઈવ આવશે. ધોનીએ ફેસબુક પોસ્ટ મૂકીને જાહેર કરેલું કે, હું ૨૫ સપ્ટેમ્બરે બપોરે ૨ વાગ્યે તમારા બધા સાથે કેટલાક ‘એક્સાઈટિંગ ન્યુઝ’ શેર કરીશ. આશા છે કે તમે બધા હાજર રહેશો.
ધોનીએ પોતાની કહેવાતી ‘એક્સાઈટિંગ ’ જાહેરાત શેના વિશે છે તેનો કોઈ ખુલાસો નહોતો કર્યો કે કોઈની પાસે તેની કોઈ જાણકારી નહોતી તેથી ઉત્તેજનાનો માહોલ પેદા થઈ ગયો છે. ધોનીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાસ લીધાના બે વર્ષ થઈ ગયાં છે પણ હજુ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રમે છે તેથી લોકો અનુમાન લગાવી રહ્યાં હતાં કે, હવે ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માંથી પણ સંન્યાસ લેવાની જાહેરાત કરી શકે છે.
આ સિવાય બીજી પણ ઘણી અટકળો ચાલી હતી ને સૌને ધોની કોઈ જોરદાર જાહેરાત કરશે એવું લાગતું હતું. સોશિયલ મીડિયા પર ધોનીના હજારો ચાહકો છે. જાન્યુઆરી ૨૦૨૧થી ઇન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ શેર કરી નહોતી તેના કારણે પણ ઉત્તેજના હતી ને હજારો સોશિયલ મીડિયા યુઝર્સ તેના લાઈવ થવાની રાહ જોઈ રહ્યા હતા.
ધોની લાઈવ પણ થયો પણ તેમાં ખોદ્યો ડુંગર ને નિકળ્યો ઉંદર જેવી હાલત થઈ ગઈ. ધોની પોતાની ક્રિકેટ કારકિર્દી કે બીજા કોઈ વિશે વાત કરવાના બદલે એક બિસ્કિટ બ્રાન્ડને લોંચ કરવાની જાહેરાત કરી. ધોની બિસ્કિટનું પ્રમોશન કરે કે બીજું કશું કરે તેની સામે આપણને વાંધો નથી પણ તેણે આ બિસ્કિટના કારણે ભારત ૨૦૧૧માં વર્લ્ડ કપ જીતેલું ને ૨૦૨૨નો ટી ૨૦ વર્લ્ડકપ પણ જીતાડી શકે છે એવું કહીને સૌને આઘાત આપી દીધો.
ધોનીએ કહ્યું કે, આ પ્રોડક્ટ આપણને વર્લ્ડ કપ જીતાડી શકે છે. આવતા મહિનાથી ઓસ્ટ્રેલિયામાં ટી-૨૦ વર્લ્ડ કપ શરૂ થવાનો છે અને આ પ્રોડક્ટના કારણે ભારત ટી-૨૦ વર્લ્ડ કપ જીતી શકે છે. આ વાત કરવા પાછળું લોજિક સાંભળશો તો તમે માથું ખંજવાળતા થઈ જશો. ધોનીનું કહેવું છે કે, ૨૦૧૧માં ભારતે વર્લ્ડ કપ જીત્યો એ પહેલાં આ પ્રોડક્ટ લોંચ થઈ હતી. આ પ્રોડક્ટ હવે ફરી લોંચ થાય તો આપણે ફરી વર્લ્ડ કપ જીતી શકીએ છીએ.
ધોનીની વાત માત્ર આઘાતજનક નથી પણ શરમજનક પણ છે. ધોની આડકતરી રીતે અંધશ્રદ્ધાને પોષી રહ્યો છે. આપણે ત્યાં અંધશ્રદ્ધાને લગતી ઘણી માન્યતાઓ પ્રચલિત છે. બિલાડી આડી ઉતરે તો અશુભ ગણાય ને નુકસાન જાય એવી અંધશ્રદ્ધા છે. એ રીતે ગાય સામે મળે તો શુકન ગણાય ને કામ કરવા નિકળ્યા હો એ પાર પડે એવી પણ માન્યતા છે. આ માન્યતાઓ ખોટી છે ને તેની પાછળ ધર્મના નામે ચાલતાં ધતિંગ જવાબદાર છે. ધોની એક બિસ્કિટની બ્રાન્ડ લોંચ થવાથી ભારત વર્લ્ડ કપ જીતશે એવી વાત કરીને એ જ ધતિંગને પોષી રહ્યો છે. આ રીતે વર્લ્ડ કપ જીતાતા હોય તો કશું કરવાની જરૂર જ નથી. દર વર્લ્ડ કપ પહેલાં આ બિસ્કિટને લોંચ કરી દો, ભારત આપોઆપ જીતી જશે.
ધોનીએ આ વાત કેમ કરી એ કહેવાની જરૂર નથી. કંપનીએ ધોનીને અઢળક નાણાં આપ્યાં હશે એટલે ધોનીએ આ વાત કરી નાંખી પણ ધોનીને આવી વાહિયાત વાત કરવાનો જરાય અધિકાર નથી. આ વાત કરીને ધોનીએ પોતાની સિદ્ધિને તો ઝાંખપ લગાડી જ પણ ૨૦૧૧ની ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ કપ વિજયના તમામ હીરોના યોગદાનને પણ સાવ ઓછું હોય એ રીતે રજૂ કરી દીધું.
ભારત ૨૦૧૧નો વર્લ્ડ કપ જીત્યું તેમાં સચિન તેંડુલકર, યુવરાજસિંહ, ગૌતમ ગંભીર વગેરે ખેલાડીઓએ બહુ મહત્ત્વનું યોગદાન આપેલું. ધોની કેપ્ટન તરીકે જ લાજવાબ નથી પણ એક ખેલાડી તરીકે પણ લાજવાબ છે તેનો ઈન્કાર ના થઈ શકે પણ ૨૦૧૧નો વર્લ્ડ કપ વિજય માત્ર ધોનીના કારણે નહોતા જીત્યા.
ધોની પોતાની ક્રિકેટ કારકિર્દીમાં અનેક યાદગાર મેચો રમ્યો પણ પીક પોઈન્ટ એટલે કે સર્વોચ્ચ શિખર ૨૦૧૧ના વર્લ્ડકપની ફાઈનલ છે. આ ફાઈનલમાં ધોનીએ ભારતને સિક્સર રને જીતાડ્યું તેથી વર્લ્ડ કપ વિજયનો હીરો બની ગયો પણ વાસ્તવમાં ગૌતમ ગંભીર સહિતના ખેલાડીઓએ ફાઈનલમાં વધારે યોગદાન આપેલું.
શ્રીલંકાએ એ ફાઈનલમાં ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૨૭૪ રનનો સ્કોર ખડકેલો. ભારતની શરૂઆત ખરાબ હતી ને સચિન તેંડુલકર તથા વિરેન્દ્ર સેહવાગ ૩૧ રનના સ્કોરે તો આઉટ થઈ ગયેલા. એ પછી ગૌતમ ગંભીરે મોરચો સંભાળીને જે બેટિંગ કરી એ જોઈને આજેય ગર્વ થાય. વિરાટ કોહલી ૨૨મી ઓવરમાં ૩૫ રને આઉટ થયો ત્યારે ભારતે જીતવા ૧૬૧ રન કરવાના હતા ને લોકો નિરાશ થઈ ગયેલા. એ વખતે ધોની પોતે બેટિંગ કરવા ઉતર્યો. ઘણાંએ ધોનીને ગાળો આપેલી કેમ કે યુવરાજ જબરજસ્ત ફોર્મમાં હતો.
ધોનીએ એ બધી ગાળોને ખોટી પાડી ને તેણે ગંભીર સાથે જે બેટિંગ કરી તેને વખાણવા આજેય શબ્દો નથી મળતા. ફાઈનલની એ બેટિંગ ધોનીના ચમત્કારની ચરમસીમા જેવી હતી. ધોનીએ જે બેટિંગ કરી તે અકલ્પનિય હતી ને ન ભૂતો ન ભવષ્યતિ હતી. ધોનીએ ગૌતમ ગંભીર સાથે મળીને શ્રીલંકાના જડબામાંથી વિજય આંચકી લઈ ભારતને ચેમ્પિયન બનાવ્યું તેનો ઈન્કાર ના થઈ શકે પણ ગંભીરે રમેલી ૯૭ રનની ઈનિંગ વધારે મહત્ત્વની હતી એ ના ભૂલવું જોઈએ.
ધોનીએ પૈસાને ખાતર એ બધાંનો કચરો કરીને બિસ્કિટને જશ આપીને પોતાનું ગૌરવ ઘટાડી દીધું.
Post Views:
121
[ad_2]