[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા છેવટે પૂરી થઈ ને હવે ત્રણ મૂરતિયા મેદાનમાં છે. કેરળમાંથી સાંસદ શશિ થરુર, રાજ્યસભામાં કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે એ બે જાણીતા ચહેરા મેદાનમાં છે. આ બે સિવાય ઝારખંડ કૉંગ્રેસના નેતા કે.એન. ત્રિપાઠીએ પણ ઉમેદવારી નોંધાવી છે તેથી પ્રમુખપદ માટે સત્તાવાર રીતે ત્રણ ઉમેદવારો પણ મેદાનમાં છે પણ જીત મલ્લિકાર્જુન ખડગેની પાકી મનાય છે. નહેરુ-ગાંધી પરિવારના માનીતા મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીના કહેવાથી જ ઉમેદવારી નોંધાવી છે તેથી ખડગે પ્રમુખ બનશે એ નિશ્ર્ચિત માનવામાં આવી રહ્યું છે.
ખડગે ઉમેદવારી નોંધાવવા ગયા ત્યારે સોનિયા-રાહુલ ગાંધીના સમર્થકો ઉપરાંત જી-૨૩ ગ્રુપના મળીને કૉંગ્રેસના ૩૦ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. એ.કે. એન્ટોની, અશોક ગહલોત, અંબિકા સોની, મુકુલ વાસનિક, આનંદ શર્મા, અભિષેક મનુ સિંઘવી, અજય માકન, ભૂપિન્દર હુડ્ડા, દિગ્વિજય સિંહ, મનીષ તિવારી, પૃથ્વીરાજ ચવાણ સહિતના દિગ્ગજ નેતા હાજર રહ્યા હતા. ઝારખંડના ત્રિપાઠી તો ચિત્રમાં જ નથી તેથી તેમની તો વાત જ ના કરી શકાય પણ થરુર પણ એકલા ફોર્મ ભરવા આવ્યા હતા. તેના પરથી જ સ્પષ્ટ છે કે, કૉંગ્રેસમાં ખડગેને જોરદાર સમર્થન છે અને થરુર ભલે લોકશાહીને જીવંત રાખવા માટે મેદાનમાં ઉતર્યા હોય પણ તેમનો ગજ વાગવાનો નથી.
ખડગે નહેરુ-ગાંધી ખાનદાનના કહ્યાગરા હોવાથી મેદાનમાં ઉતર્યા છે એ સાચું પણ તેમની પોતાની પણ લાંબી રાજકીય કારકિર્દી છે જ. ૫૦ વર્ષથી વધુ સમયથી રાજકારણમાં સક્રિય ખડગે કર્ણાટકના ગુલબર્ગ શહેરમાંથી આવે છે. ૧૯૬૯માં ગુલબર્ગ શહેર પ્રમુખ તરીકે કારકિર્દી શરૂ કરનારા ખડગે ૧૯૭૨માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. ત્યાર પછી ૨૦૦૮ સુધી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યા. સળંગ ૯ ટર્મ માટે વિધાનસભામાં ચૂંટાયેલા ખડગેને ૨૦૦૯માં કૉંગ્રેસે ગુલબર્ગ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવતાં રાષ્ટ્રીય રાજકારણમાં તેમનો પ્રવેશ થયો.
કર્ણાટક વિધાનસભાની ૨૦૧૩ની ચૂંટણીમાં કૉંગ્રેસની જીત થતાં ખડગે મુખ્ય પ્રધાનની રેસમાં સૌથી આગળ હતા. ખડગે એ વખતે ડૉ. મનમોહન સિંહની કેબિનેટમાં શ્રમ મંત્રી હતા. ખડગે મુખ્યમંત્રી બનશે એ નક્કી જ હતું પણ સોનિયાએ તેમને રાષ્ટ્રીય રાજકારણમાં રહેવા માટે કહ્યું હતું. ખડગેએ સોનિયાની વાત માનીને મુખ્યમંત્રીપદની રેસમાંથી નામ પાછું લઈ લીધું અને તેમના સ્થાને સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ખડગેની શિસ્તની કદર કરીને તેમને રેલવે મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી.
ખડગે ૨૦૦૯ પછી ૨૦૧૪માં પણ લોકસભાની ચૂંટણીમાં જીતીને સતત બીજી વખત સાંસદ બન્યા હતા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ ૪૪ બેઠકો પર સમેટાઈ ગઈ હતી. કૉંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ મોદી લહેરમાં ચૂંટણી હારી ગયા હતા પણ ખડગે જીત્યા હતા. કૉંગ્રેસ પાસે બીજા કોઈ દિગ્ગજ નેતા નહીં હોવાથી કૉંગ્રેસે તેમને લોકસભામાં પાર્ટીના નેતા બનાવ્યા હતા. રાષ્ટ્રીય રાજકારણમાં ખડગેનું મહત્ત્વ એ સાથે જ વધ્યું. ખડગે ૨૦૧૯ની ચૂંટણીમાં હારી ગયેલા પણ સોનિયાની નજીક હોવાથી રાજ્યસભામાં મોકલયા.
ખડગેએ લોકસભામાં કૉંગ્રેસના નેતા તરીકે અસરકારક કામગીરી બજાવી હતી. દક્ષિણ ભારતના હોવા છતાં ખડગે લોકસભામાં હિન્દીમાં જ બોલતા કે જેથી સામાન્ય લોકોને સમજ પડે. રાહુલ ગાંધીએ ઉઠાવેલા રાફેલથી લઈને નોટબંધી સુધીના મુદ્દાને ખડગેએ લોકસભામાં આક્રમકતાથી ઉઠાવતાં ખડગે રાહુલની ટીમમાં પણ આવી ગયા હતા. રાહુલ અને સોનિયા બંનેની નજીક હોવાથી તેમનો દબદબો વધ્યો હતો. આ કારણે જ ૨૦૧૯ની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ટૂંક સમયમાં જ ખડગેને સોનિયાએ રાજ્યસભામાં મોકલી દીધા હતા. ગુલામ નબી આઝાદને સ્થાને ખડગેને રાજ્યસભામાં વિપક્ષના નેતા પણ બનાવાયા હતા. ખડગે અત્યારે રાજ્યસભામાં કૉંગ્રેસના નેતા છે.
ખડગેએ સોનિયાના વફાદાર તરીકે ૨૦૧૯માં મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે જોડાણનું મિશન પાર પાડેલું. મોટા ભાગના કૉંગ્રેસી ઉદ્ધવ સાથે સરકાર બનાવવાની વિરુદ્ધ હતા. સોનિયાએ ખડગેને મહારાષ્ટ્ર મોકલ્યા હતા. ખડગે કૉંગ્રેસના નેતાઓને સમજાવીને સોનિયાની ઈચ્છા પ્રમાણે ઉદ્ધવ સાથે જોડાણ કરાવવામાં સફળ રહ્યા હતા. ત્રણ મહિના પહેલાં જુલાઈમાં સોનિયા-રાહુલને ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા ત્યારે પણ ખડગેએ સંસદમાં વિરોધનો મોરચો સંભાળીને સોનિયા-રાહુલ તરફની વફાદારી બતાવી હતી. આ કારણે ખડગેને ગાંધી પરિવારનું સંપૂર્ણ સમર્થન છે ને તેના કારણે ખડગેનું કૉંગ્રેસ પ્રમુખ બનવાનું લગભગ નક્કી છે.
ખડગે નાના મોટા વિવાદોમાં સપડાયા છે. ક્ધનડ ફિલ્મોના સુપરસ્ટાર ડૉ. રાજકુમારનું ૨૦૦૦માં ચંદનના દાણચોર વીરપ્પને અપહરણ કર્યું ત્યારે ખડગે કર્ણાટકના ગૃહમંત્રી હતા. એ વખતે ખડગેએ રાજકુમારને છોડાવવા કોઈ પ્રયત્ન ના કર્યા તેની ભારે ટીકા થઈ હતી. અત્યારે ગાજી રહેલા શનલ હેરાલ્ડ કેસમાં પણ ઈડી દ્વારા ખડગેની પૂછપરછ કરવામાં આવી છે. નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના લગતા ગંભીર આરોપો છે એ જોતાં ખડગે ભવિષ્યમાં સાણસામાં આવી શકે છે. ઈડી કે બીજી એજન્સી દ્વારા હજુ સુધી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પણ કૉંગ્રેસના પ્રમુખ બને તો તેમનો વારો પડી શકે છે.
ખડગે લાંબા સમયથી રાજકારણમાં હોવાથી મીડિયા માટે જાણીતો ચહેરો છે પણ રાષ્ટ્રીયસ્તરે એ કૉંગ્રેસને પાયદો કરાવી શકશે કે કેમ તેમાં સવાલ છે. તેનું કારણ એ કે, ખડગે લોકપ્રિય નેતા નથી ને આખા દેશમાં અપીલ કરી શકે એવી ઈમેજ ધરાવતા નથી. અલબત્ત સોનિયા ગાંધી ખાનદાનની અગાઉની પસંદ દિગ્વિજયસિંહ કરતાં તો ખડગે વધારે સારી પસંદ જ છે.
દિગ્વિજયસિંહે કૉંગ્રેસની મુસ્લિમ પાર્ટી તરીકેની છાપ ઊભી કરીને તેને પતાવી દેવામાં મુખ્ય યોગદાન આપ્યું છે. બેફામ લવારા કરી કરીને મુસ્લિમોનું તુષ્ટિકરણ કર્યા કરતા દિગ્વિજયસિંહને કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવાયા હોત તો ભાજપે કશું કરવાની જરૂર જ ના રહી હોત. દિગ્વિજયનાં જૂનાં પ્રવચનો બતાવી દો તેમાં જ રહ્યાસહ્યા હિંદુ કૉંગ્રેસથી દૂર જતા રહે. તેના કારણે કૉંગ્રેસ ફરી બેઠી થાય એ વાત તો છોડો પણ જે છે એ પણ ના સચવાત.
થરુર જીતવાના નથી જ પણ એ પણ દિગ્વિજયના નાના ભાઈ જ છે એ જોતાં ખડગે કૉંગ્રેસ માટે સલામત બેટ છે.

Google search engine

[ad_2]

Google search engine