[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કૉંગ્રેસમાં મલ્લિાકાર્જુન ખડગે અને શશિ થરુર વચ્ચે પ્રમુખપદની ચૂંટણીનો તખ્તો તૈયાર છે. કૉંગ્રેસે લાંબી ગડમથલના અંતે કૉંગ્રેસે નવા પ્રમુખની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કર્યો ત્યારથી સૌને શંકા હતી કે, કૉંગ્રેસે ભલે જાહેરાત કરી પણ ખરેખર ચૂંટણી થશે જ નહીં પણ ઘરમેળે બધું પતાવી દેવાશે. તેના બદલે આ તો ખરેખર ચૂંટણી થશે અને ૧૭ ઓક્ટોબરે મતદાન થશે.
કૉંગ્રેસમાં ચૂંટણી નહીં થાય એવી આશંકા થવાનું કારણ એ કે છેલ્લાં ૨૨ વર્ષથી કૉંગ્રેસમાં પ્રમુખપદની ચૂંટણી જ યોજાઈ નથી. સોનિયા ગાંધી વરસોથી કૉંગ્રેસના પ્રમુખપદે જામેલાં છે. ચૂંટણી વિના જ સોનિયાને દર વર્ષે પ્રમુખ બનાવી દેવાતાં હતાં. સોનિયા પછી રાહુલને પણ એ રીતે સર્વસંમતિના નામે કુલડીમાં ગોળ ભાંગીને પ્રમુખ બનાવાયેલા. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કારમી હારના પગલે રાહુલે રાજીનામું આપ્યું પછી ફરી સોનિયાને ચૂંટણી વિના જ પ્રમુખ બનાવી દેવાયાં.
અત્યારે પણ સોનિયા ગાંધી અને રાહુલના વફાદારો ચૂંટણી ઈચ્છતા જ નહોતા. નહેરૂ-ગાંધી ખાનદાનના ચમચા તો ફરી રાહુલને જ પ્રમુખ બનાવવા માગતા હતા પણ બળવાખોર નેતાઓએ બાંયો ચડાવતાં ચૂંટણીની તારીખ જાહેર કરવી પડી. નહેરૂ-ગાંધી ખાનદાનના વફાદારો તો છેલ્લી ઘડી સુધી રાહુલને મનાવી લઈને પ્રમુખપદે બેસાડવા સમજાવી લેવા માગતા હતા. તેના કારણે પ્રમુખપદની ચૂંટણી થવા વિશે શંકા હતી. કૉંગ્રેસના બળવાખોર નેતાઓના ધમપછાડાને કારણે ચૂંટણીને ફારસ ગણાવી રહ્યા હતા પણ રાહુલ ના જ માનતાં છેવટે સોનિયાએ પોતાના માનીતા ખડગેને મેદાનમાં ઉતાર્યા. બીજી તરફ શશિ થરુર પણ મેદાનમાં ઉતરતાં જંગ નક્કી છે.
આ જંગમાં કોણ જીતશે એ ખબર નથી પણ જે પણ જીતશે એ નહેરૂ-ગાંધી ખાનદાનની બહારની વ્યક્તિ હશે. એ સાથે જ ઈતિહાસ સર્જાશે કેમ કે કૉંગ્રેસમાં વરસો પછી એવું બનશે કે નહેરૂ-ગાંધી ખાનદાન સિવાયની વ્યક્તિ પ્રમુખ બની હોય. કૉંગ્રેસમાં નહેરૂ-ગાંધી ખાનદાનના ના હોય છતાં પ્રમુખ બન્યા હોય એવા છેલ્લા નેતા સીતારામ કેસરી હતા. એ પછી ૨૪ વર્ષથી સોનિયા ગાંધી પ્રમુખ છે. અલબત્ત કેસરી પહેલાં પણ નહેરૂ-ગાંધી ખાનદાનની બહારના બહુ ઓછા લોકો કૉંગ્રેસ પ્રમુખપદે આવ્યા છે. આઝાદી બાદ પુરૂષોત્તમદાસ ટંડન, આચાર્ય કૃપલાની, કે. કામરાજ, સી. સુબ્રમણ્યમમ, જગજીવનરામ, ડો. શંકર દયાલ શર્મા, પી.વી. નરસિંહરાવ, સીતારામ કેસરી વગેરે ગણ્યાગાંઠ્યા ખાનદાનની બહારના નેતા કૉંગ્રેસ પ્રમુખપદે આવ્યા પણ મોટા ભાગનો સમય પ્રમુખપદ નહેરૂ-ગાંધી ખાનદાન પાસે જ રહ્યું.
ભારત આઝાદ થયું એ પછીનાં વરસોમાં કૉંગ્રેસના પ્રમુખપદે નહેરૂ-ગાંધી ખાનદાનના ના હોય તેવા ૧૨ પ્રમુખ આવ્યા પણ આ ૧૨ પ્રમુખોનો કુલ કાર્યકાળ માત્ર ૨૩ વર્ષ છે. બીજી તરફ જવાહરલાલ નહેરૂ, ઈન્દિરા, રાજીવ, સોનિયા અને રાહુલ ગાંધી એમ નહેરૂ-ગાંધી ખાનદાનની પાંચ વ્યક્તિ આઝાદી પછીનાં ૪૨ વર્ષ કૉંગ્રેસ પ્રમુખપદે રહી છે.
કૉંગ્રેસ પર નહેરૂ-ગાંધી ખાનદાનના વર્ચસ્વનો આ પુરાવો છે. આ વર્ચસ્વ તૂટવાનું નથી કેમ કે ખડગે અને થરુરમાંથી ખડગેની જીતની શક્યતા વધારે છે. ખડગે ખાનદાનના કહ્યાગરા છે તેથી એ સોનિયા અને રાહુલના ઈશારે જ ચાલવાના. શશિ થરુર કહ્યાગરા નથી એ જીતે તો સ્થિતિ બદલાશે, થરુર જીતે તો નહેરૂ-ગાંધી ખાનદાનના વર્ચસ્વને તોડીને બહારની કોઈ વ્યક્તિ કૉંગ્રેસ પ્રમુખ બને એવી ઈતિહાસ સર્જક ઘટના જ નહીં પણ સાચા અર્થમાં ખાનદાનનું પ્રભુત્વ દૂર થાય એવો ઈતિહાસ સર્જાશે. અલબત્ત એ શક્યતા ઓછી છે. થરુર પ્રમુખ બને તો કૉંગ્રેસમાં પરિવર્તન પણ આવી શકે પણ થરુર પ્રમુખ બને એવી શક્યતા ઓછી છે એ જોતાં એ વાત કરવાનો
મતલબ નથી.
ખડગે પ્રમુખ બનશે તો બેક સીટ ડ્રાઈવિંગ સોનિયા અને રાહુલનું રહેશે એ કહેવાની જરૂર નથી. એ સંજોગોમાં ભલે પ્રમુખ બદલાય પણ કૉંગ્રેસ નહીં બદલાય કેમ કે કૉંગ્રેસનો કે સોનિયા કૉંગ્રેસને ફરી બેઠી કરી શકે તેમ નથી.
કૉંગ્રેસનો મોટો વર્ગ માને છે કે, રાહુલ કૉંગ્રેસને ફરી બેઠી કરી શકે પણ વાસ્તવિક રીતે આ સવાલનો જવાબ ના છે. રાહુલની સૌથી મોટી તકલીફ એ છે કે તેને ચૂંટણી કઈ રીતે લડવી તેની જ સમજ નથી. રાહુલ એકદમ સ્ટિરિયોટાઈપ નેતા તરીકે વર્તે છે તેથી લોકોને એ અપીલ જ કરતો નથી. રાહુલ નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને વરસોથી એક જ પ્રકારના આક્ષેપો કર્યા કરે છે પણ કૉંગ્રેસ શું કરશે તેની વાત કરતો નથી.
રાહુલ પાસે કોઈ વિઝન છે કે તેની પાસે ભવિષ્યમાં સત્તા આવશે તો એ કશુંક નવું કરી બતાવશે તેવો ચમકારો પણ આજ લગી બતાવ્યો નથી. કૉંગ્રેસીઓ કરોડરજ્જુ વિનાના છે તેના કારણ એ લોકો રાહુલના નામે ખોટેખોટું ચિયરિંગ કર્યા કરે છે એ અલગ વાત છે પણ રાહુલ પાસે એ ક્ષમતા જ નથી કે તે કૉંગ્રેસને બેઠી કરી શકે.
કૉંગ્રેસને ફરી બેઠી કરવા જોરદાર વ્યૂહરચના અને નવા વિચારોની જરૂર છે પણ રાહુલ પાસે કશું નથી. ભાજપ પોતાના સંગઠનને મજબૂત બનાવીને ધીરે ધીરે તાકાત વધારતો જ જાય છે ત્યારે રાહુલ પાસે સંગઠનને મજબૂત કરવાની ક્ષમતા નથી. પરિણામે કૉંગ્રેસ જીતી શકતી નથી ને એક પછી એક નેતા કૉંગ્રેસ છોડીને ભાગી રહ્યા છે.
રાહુલ કૉંગ્રેસને ફરી બેઠી ના કરી શકે તેનું એક કારણ કૉંગ્રેસની મુસ્લિમ પાર્ટી તરીકેની છાપ છે. ૧૯૮૦ના દાયકાથી કૉંગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ સામે હિંદુઓમાં આક્રોશ વધી રહ્યો હતો પણ કૉંગ્રેસના નેતાઓ સમજી ના શક્યા. ૨૦૦૪ અને ૨૦૦૯માં સરકાર રચાઈ તેથી તેમને લાગ્યું કે હિંદુત્વના નામે ખાલી હાઉ ઊભો કરાઈ રહ્યો છે પણ સોશિયલ મીડિયાના વધતા પ્રભાવના કારણે હિંદુત્વ જોર પકડી રહ્યું છે એ ના સમજાયું.

Google search engine

[ad_2]

Google search engine