[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

ટ્રાવેલ સ્ટોરી-કૌશિક ઘેલાણી

કુદરતના મિજાજનો ખરો પરિચય ક્યાં અને કઈ ઘડીએ થઇ જાય એનો અંદાજો કળવો અશક્ય છે. કેટલાક સૂકા જંગલમાં જઈને નિરાશા અને હતાશા લઈને પાછા આવે છે તો કેટલાક મુઠ્ઠી ભરીને નિસર્ગનો પરમ આનંદ લઇ આવે છે. કેટલાકની આંખોમાં જંગલમાં વાઘ ન દેખાયો એની નિરાશા હોય છે અને કેટલાક જે દેખાયું એ જ મહત્ત્વનું હતું એવું સમજીને નિસર્ગની બુકના દરેકેદરેક પાનાઓને ખુલ્લા હૃદયથી માણે છે અને આવા નિખાલસ લોકોને હું જલ્દીથી પસંદ કરી લઉં છું. રણથંભોર નેશનલ પાર્કના એકદમ સૂકા જંગલમાં અસહ્ય ગરમી છતાં પોતાનું કરતબ બતાવી રહેલા આ મોરની કળાને જોઈને પળવારમાં બાળક હોય કે વૃદ્ધ ખુલ્લા મને હસી પડે, કોઈ પણ વ્યક્તિ નિરાશ હોય કે દુ:ખી પણ એક પળ માટે બધા જ દુ:ખને ભૂલીને કુદરતના આ મનોહર દ્રશ્યમાં એક પળ માટે તો પોતાની જાતને પણ ભૂલી જાય ખરો. દોસ્ત આ જ તો જાદુ છે કુદરતમાં કે એ વગર પૈસે, કોઈ જ અપેક્ષા વિના બસ આપવાની જ વૃત્તિ રાખે છે.
રણથંભોર શાના માટે જાણીતું છે?
રાજસ્થાનના વિંધ્યાચલ અને અરવલ્લી પર્વતમાળામાં આવેલ જંગલ એની અનન્ય ભૌગોલિક રચના અને ઐતિહાસિક ઇમારતો માટે જાણીતું છે. જંગલનો રાજા વાઘ અહીં મુક્ત મને મહાલતો જોવા મળે છે. સરળતાથી વાઘને જોવા માટે લોકો રણથંભોર નેશનલ પાર્ક આવે છે અને મોટા ભાગે તેઓ ક્યારેય વીલા મોઢે પરત ફરતા નથી. અહીં ચોતરફ ભૂતકાળની રાજકીય વૈભવની ચાડી ખાતા રજવાડાઓના મનમોહક મહેલો અને ઇમારતો છેક અંતરિયાળ જંગલોમાં, દૂર કોઈ ટેકરી ઉપર અને સાવ નિર્જન વિસ્તારમાં પણ અડીખમ ઊભા રહેલા જોવા મળે છે. સવાઈ માધોપુરથી ૧૩ કિમીનાં અંતરે આવેલ રણથંભોર નેશનલ પાર્ક આશરે ૪૦૦ સ્કવેર કિમી વિસ્તારમાં અને અલગ અલગ દસ ઝોનમાં ફેલાયેલું અદ્ભુત જંગલ છે. અહીં વિવિધ પ્રકારનાં પ્રાણીઓ, શિકારી પક્ષીઓ, ઘડિયાર પ્રજાતિનાં મગરમચ્છ, યાયાવર પક્ષીઓ વગેરે મળીને મનમોહક કુદરતી માહોલ બનાવે છે.
રણથંભોરનો ઇતિહાસ અને ભૌગોલિક રચના
રજવાડાઓના સમયમાં આ કુદરતી સંપત્તિની માલિકી જયપુર રોયલ ફેમિલીની હતી અને ત્યારે શિકાર કરવાની પ્રવૃત્તિ માટે આ રાજાઓ અને અંગ્રેજોની મનગમતી જગ્યા હતી. આઝાદી પછી ૧૯૫૫માં ભારત સરકારે સંપત્તિ હસ્તગત કર્યા પછી સવાઈ માધોપુર ગેમ સેન્ચ્યુરી તરીકે વિકસાવ્યું અને ૧૯૭૧માં પ્રોજેકટ ટાઇગર અંતર્ગત રણથંભોર ટાઇગર રિઝર્વ તરીકે રક્ષિત વિસ્તાર જાહેર કરાયો અને ૧૯૮૦માં નેશનલ પાર્ક ડિકલેર કરાયો. આ નેશનલ પાર્ક ૬ મુખ્ય ઝોન અને ચાર બફર ઝોન એમ દસ ઝોનમાં વહેંચાયેલો છે. અહીં રજવાડાંના સમયે બનાવેલાં તળાવો અને પાણીના સ્ત્રોતો છે જેથી સરળતાથી વાઘ અને અન્ય પ્રાણીઓ મળી રહે. જંગલમાં અલગ અલગ જગ્યાએ હન્ટિંગ લોજ બનાવવામાં આવી છે અને શિકાર માટે ભવ્ય ઝરુખાઓ પણ બનાવવામાં આવ્યા છે. એક સમયે જે ઝરુખાઓ વાઘનો શિકાર કરવા માટે વપરાતા હતા એ જ ઝરુખાઓનો ઉપયોગ આજે વાઘ શિકાર કરવા માટે કરે છે. અહીં પદમ તળાવ, મલેક તળાવ અને રાજબાગ જેવા તળાવો આવેલાં છે જે વાઘને રહેવા માટે ખૂબ જ અનુકૂળ સ્થળ છે.
રણથંભોરમાં સફારી
કુદરત પાસે દરેક માટે કંઈક ને કંઈક તો હોય જ છે. આજે રણથંભોર નેશનલ પાર્કના પ્રાઈમ ઝોન-૩માં લગભગ કલાક સુધી રિદ્ધિ અને એરોહેડની રાહ જોઈ પણ એ મેડમ ચકમો આપીને નીકળી ગયાં. આખા જંગલના દરેક ખૂણા ફરી વળ્યો પણ નિરાશા… છેલ્લે એક પણ ફોટોગ્રાફ લીધા વિના બહાર નીકળવા રાજબાગ તળાવ તરફ જિપ્સી લેવડાવી કે કદાચ રિદ્ધિ ત્યાં ફરતી ફરતી આવી ચઢે પણ ત્યાં પણ ન આવી. ત્યાં ઊભા રહીને ફરી અર્ધો કલાક રાહ જોઈ અને અચાનક જ કુદરતે અલગ જ રંગોમાં પ્રકૃતિનો પરિચય કરાવ્યો. રાજબાગ તળાવના શિકારખાનાને આથમતો સૂર્ય સ્પર્શી રહ્યો હતો, તળાવ વચ્ચે ઊભેલા ઝાડ પર બગલાઓનું ટોળું દિવસભરની ઉડાઉડ પછી આરામ ફરમાવવા આવી ચઢ્યું અને સંધ્યાનો સોહામણો રંગ ખીલી ઊઠ્યો અને તળાવ આખું સોનાના વરખથી મઢાઈ ગયું.
નિરાશા એને જ મળે જે કુદરતમાં ભરોસો ના કરે… આટલી શીતળતા ક્યાં મળે?
બીજા દિવસે સવારે ઉગતા સૂરજ સાથે જ જંગલની વાટે નીકળી પડ્યા. ઝોન-૩માં ચક્કર મારતાં મારતાં મગરમચ્છ ભાઈ નજરે પડ્યા. સવાર સવારના કુમળા તડકામાં તળાવ કિનારે આરામ કરી રહ્યા દીઠા. સામાન્ય રીતે ૨૦ થી ૪૦ વર્ષનું આયુષ્ય ધરાવતું આ પ્રાણી ગજબની તાકાત ધરાવે છે. રણથંભોર નેશનલ પાર્કના પદમ અને મલેક તળાવની બહાર આ રીતે સૂર્ય સ્નાન કરતા જોવા એ ક્યારેય નહિ ચૂકવા જેવી તક છે. આમ તો ઘણી જગ્યાએ મગર જોયા છે પણ એક ખૂબસૂરત બેકડ્રોપ સાથે મગરનો સુંદર નજારો હોય તો એક ચંબલ નદીનો ખુલ્લો કોતરાળ પટ અને રણથંભોર નેશનલ પાર્કમાં આવેલાં તળાવો. આ મગર મોટા ભાગે આળસુની જેમ કિનારે પડ્યો રહે છે. એના શરીરની રચના જ એ રીતે થઇ હોય છે કે સરળતાથી શિકાર કરી શકે. ૬૮ દાંત ધરાવતા એના મજબૂત જડબામાંથી શિકાર ભાગ્યે જ છટકી શકે છે. આંખ, કાન, નાક બધું જ ઉપરના ભાગે હોઈ એ આખો પાણીની સપાટી નીચે હોવા છતાં સરળતાથી શ્વાસ લઇ શકે અને જોઈ પણ શકે. તરવા માટે પોતાની પૂછડીનો જ ઉપયોગ કરતું આ પ્રાણી પાણીમાં રાજા થઇ જાય છે. અહીં રણથંભોરની જાણીતી વાઘણ “મછલી એ દસ ફૂટ મોટા મગર સાથે લડાઈ કરીને પોતાની કરતબનો પરિચય દુનિયા સમક્ષ કરાવ્યો અને વિશ્ર્વની સહુથી વધારે તસ્વીરો ખેંચાવનારી વાઘણ તરીકે મશહૂર થઈ ગઈ. આશરે ૨૦ વર્ષ જીવનારી આ વાઘણની અંતિમયાત્રા કોઈ મહાન વ્યક્તિ જેમ જ ફૂલોથી સજાવેલી નનામીમાં રાષ્ટ્રીય સન્માન સાથે નીકળી હતી અને હજારો પ્રકૃતિપ્રેમીઓની આંખો ભીની કરી ગઈ હતી. કોઈ પ્રાણી માટે આવી ઘટના કદાચ પહેલી વાર બની હશે. આ વાઘણનાં માનમાં ભારત સરકારે ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.
શક્તિ સાથે મુલાકાત
વાઘની શોધ કરતાં કરતાં અમે લગભગ રણથંભોરનો ખૂણેખૂણો ફરી વળ્યા પણ આજે દરેક રસ્તાઓ પર વાઘની હાજરીના પુરાવાઓ મળ્યા પણ ક્યાંય વાઘ ન દેખાયો. જંગલમાં માણસની ધીરજની તમામ પરીક્ષાઓ લેવાય છે. ઘણી વાર એવું પણ બને કે એક જ ક્ષણ માટે વાઘને જોવાનું ચૂકી જવાય અને ઘણી વાર અચાનક ભેટો થઈ જાય. અચાનક અમારી નજર એક ઝાડી પર પડી. કોઈને ભાગ્યે જ ખબર પડે એ રીતે દૂર ઝાડીમાં શાંતિથી એક વાઘણ સૂતી હતી. બહુ રાહ જોવડાવ્યા પછી એ બહાર નીકળી. પાંચેક મિનિટ જેટલો સમય વિતાવ્યા પછી કદાચ એને જામ્યું નહિ હોય અમારી સાથે એટલે પાછી ઝાડીમાં ગાયબ થઇ ગઈ. ડ્રાઇવરની સૂઝબૂઝ કહો કે અનુભવ, ગાડી એ વિસ્તારથી જ બહાર કાઢી લીધી. માંડ બે કિમી જેટલી ગાડી ચાલી હશે કે એણે ગાડી થોભાવીને કાન માંડ્યો, થોડી જ વારમાં વાંદરાઓનો ચેતવણી સૂચક કોલ સંભળાયો અને એણે ગાડી પછી લઈને સીધી જ પહેલાં જ્યાં હતા એ દિશામાં ભગાવી. એક વળાંક પાસે પહોંચતા જ અમે હેબતાઈ ગયા અને આ વાઘણ પણ અમને અચાનક જ જોઈને ચોકી ગઇ અને સીધો જ મોક ચાર્જ કર્યો. સ્વભાવે શાંત લાગતી આ વાઘણ બિલકુલ વિપરીત નીકળી. મોઢું ફાડીને દાંત બતાવ્યા અને અમને એહસાસ અપાવ્યો કે દૂર રહો. ગાડી રિવર્સ લઈને અમે પાછા ફર્યા કે મેડમ રસ્તા પર ચાલતાં ચાલતાં આવીને જીપ્સી સામે માત્ર ત્રણ ફૂટના અંતરે આવીને બેસી ગયા. આ વાઘણનું નામ હતું “શક્તિ, “ક્રિષ્નાની દીકરી અને રણથંભોર ટાઇગર રિઝર્વની વિશ્ર્વ પ્રસિદ્ધ “મછલીની પૌત્રી. અહીં દરેક વાઘને એની શારીરિક રચના અને ગુણો મુજબ નામ આપવામાં આવે છે. અહીં અત્યારે એરોહેડ, રિદ્ધિ-સિદ્ધિ, નૂરી, શક્તિ, ક્રિષ્ના જેવી વાઘણોનું રાજ ચાલે છે.
આખરે મહેનત રંગ લાવી. ઢળતી સાંજે રાજબાગ તળાવની નજીક એરોહેડ વીસેક ગાડીઓની સાથે સાથે ચાલીને પોતાના અલગ જ અંદાજમાં બધાને આશ્ર્ચર્યચકિત મૂકીને નીકળી પડી. સૂકાં પર્ણો પર દબાયેલા પગલે ચાલતી જંગલની મહાનાયિકાની છેલ્લી ઝલક જોઈને ડૂબતા સૂરજ સાથે કચવાતું મન લઈને જંગલ બહાર નીકળવું પડે ત્યારે કુદરત પણ એ કચવાયેલા મનને પોતાની રીતે રીઝવવાનો પ્રયત્ન કરે છે એવું અનુભવ્યું. ઢળતા સૂરજનો નારંગી રંગ આખા આસમાનના ભૂરા રંગ પર આધિપત્ય જમાવવા કોશિશ કરી રહ્યો હતો ત્યારે વાદળાઓ પણ સૂરજ સાથે છેલ્લી ઘડીની સંતાકૂકડી રમવાનું ચુક્યા ના હતા. અરવલ્લી અને વિંધ્યાચળની ગિરિમાળાઓ વચ્ચે વાઘની ત્રાડ શમી ગઈ હતી, હરણાંઓ ઝંપી ગયા હતા. વાંદરાઓએ સુરક્ષિત ઝાડનો આશરો લઈને સાવ જ મૂક અને સ્થિર બની ગયા હતા. પક્ષીઓએ પોતાના માળા તરફ પ્રયાણ કરી દીધું હતું. રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્કમાંથી બહાર નીકળતા જાણે જંગલની નીરવ શાંતિ આવનારી સંગીતમય સવારનો સંકેત આપી રહી હતી. ઝાડની ડાળીઓ વચ્ચેથી ડોકિયા કરી જતો સૂર્યપ્રકાશ ધરણીને અપલક સ્પર્શ કરતા કરતા હસીને જાણે દિવસની છેલ્લી વિદાય લેતો હોય એવું જ કૈક કારસ્તાન કરી રહ્યો હતો અને હું ધરણીની ઊડતી ધૂળ, ઢળતા સૂરજની રોશની, આસમાનનો કેસરિયો મિજાજ આ બધાની જ લિજજત ચૂપચાપ માણી રહ્યો હતો. ખરેખર ઝાડ, પાન, જમીન, રજકણ બધું જ આપણી સાથે વાત કરે છે જો આપણે એ સાંભળવા માટેની સમજ કેળવીએ તો જ… આથમતી સંધ્યાએ આછેરો ઉજાસ છોડીને જતો સૂરજ જાણે પોતાની પ્રિયતમાથી છૂટા પડતી વખતે સાથ ન છોડી શકતો હોય એમ વર્તી રહ્યો હતો પણ ધરણી તો તિમિરની આગોશમાં સમાવા આતુર હતી.
અમે મલેક તળાવ પર ગાડી ગોઠવીને જંગલના સન્નાટાને શાંત ચિત્તે માણી રહ્યા હતા. તળાવમાં સચેત થઈને ટહેલતા સાંભર હરણાઓ, કિનારે આરામ ફરમાવી રહેલો મગરમચ્છ અને પક્ષીઓ અમને કંપની આપી રહ્યાં છે. મારા હાથમાં હોત તો સમયને મુઠ્ઠીમાં જકડી રાખત.
કેવી રીતે બુક કરશો રણથંભોર? અહીંનું ભોજન અને પહોંચવાની સરળ રીત..
જંગલ સફારી પછી સાંજે અહીં મારવાડી ભોજનની લિજજત માણવા રસ્તા વચ્ચે જ દેશી ઢાબાઓમાં દાળ બાટી ચૂરમું મળી રહે છે જેમાં સાથે લસણની ચટણી પીરસવામાં આવે છે. આ સિવાય અહીં ત્રિનેત્ર ગણેશનું ઐતિહાસિક મંદિર આવેલું છે જે રણથંભોરનાં કિલ્લામાં સ્થિત છે. સવાઇ માધોપુર લગભગ દિલ્હી જતી બધી જ ટ્રેનનું સ્ટોપેજ છે, ત્યાંથી રણથંભોર માટે લોકલ રિક્ષા મળી રહે છે. અહીં રહેવા માટે ભવ્ય રિસોર્ટ છે એ સિવાય બજેટમાં આવી રહે એવી હોટલ્સ પણ ઉપલબ્ધ છે પણ જંગલમાં રહેવાનો અનુભવ કરવો હોય તો છઝઉઈ નું ઝૂમર બાવરી નામનું રેસ્ટ હાઉસ બુક કરી શકાય. સફારી રાજસ્થાન ટુરિઝમની વેબસાઈટ વિિંંાત://તતજ્ઞ.ફિષફતવિંફક્ષ.લજ્ઞદ.શક્ષ/ પર ઓનલાઇન જ બુક કરી શકાશે.

Google search engine

[ad_2]

Google search engine