[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારથી જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે ઉપડી ગયા છે ત્યારે શાહની યાત્રાના પહેલા જ દિવસે જમ્મુ અને કાશ્મીરના ઉચ્ચ પોલીસ અધિકારી હેમંત લોહિયાની હત્યા થતાં સનસનાટી મચી ગઈ છે. હેમંત લોહિયાની સોમવારે મોડી રાત્રે હત્યા કરવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીરના ડાયરેક્ટર જનરલ ઓફ પ્રિઝન્સ એટલે કે ડીજી, પ્રિઝન્સ હેમંત લોહિયાની સોમવારે મોડી રાત્રે તેમના જ ઘરમાં તેમના જ નોકર યાસિર અહમદ દ્વારા ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. હેમંત લોહિયા જમ્મુની બહારના વિસ્તાર ઉદયવાડામાં રહેતા હતા. તેઓ ૧૯૯૨ બેચના આઈપીએસ અધિકારી હતા. આ વર્ષે ઑગસ્ટમાં તેમને ડીજી જેલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને મહિના દિવસના ગાળામાં તો તેમની હત્યા થઈ ગઈ.
યાસિર અહમદે લોહિયાની હત્યા કર્યા બાદ તેમના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. લોહિયાના જ ઘરમાં રહેતો નોકર યાસિર હત્યા કર્યા પછી ભાગી ગયો હતો. પોલીસે સીસીટીવી વગેરેને આધારે તપાસ કર્યા પછી યાસિરને ઝડપી લીધો. યાસિરની પૂછપરછમાં લોહિયાની હત્યા પાછળનું કારણ બહાર આવવાની શક્યતા છે પણ એ પહેલાં બે આતંકવાદી સંગઠનોએ અલગ અલગ રીતે હત્યાની જવાબદારી લેતાં કાશ્મીરમાં આતંકવાદ ફરી ભડક્યો હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
લોહિયાની હત્યાના લગભગ ૧૦ કલાક બાદ મંગળવારે વહેલી સવારે આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે લોહિયાની હત્યાની જવાબદારી સ્વીકારી છે. ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે સોશિયલ મીડિયા દ્વારા હત્યા પોતે કરાવી હોવાનો દાવો કર્યો છે. સાથે સાથે પીપલ્સ એન્ટિ ફાસિસ્ટ ફ્રન્ટ (પીએએફએફ) નામના સંગઠને પણ હત્યાની જવાબદારી લીધી છે.
પાકિસ્તાનમાં રહીને કામ કરતા આતંકવાદી સંગઠન પીએએફએફના પ્રવક્તા તનવીર અહેમદ રાથેરે તો અખબારી યાદી બહાર પાડીને લોહિયાને પોતે મારી નાંખ્યા હોવાનો દાવો કર્યો છે. રાથેરનો દાવો છે કે, અમારી સ્પેશિયલ સ્કોડે ઉદયવાલામાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમારી ટીમે જમ્મુ અને કાશ્મીરના જેલ વિભાગના ડીજી એચ. કે. લોહિયા જેવા હાઈપ્રોફાઇલના ટાર્ગેટને મારી નાંખ્યા છે અને આવા હાઈપ્રોફાઈલ ઓપરેશનની આ માત્ર શરૂઆત છે. ભાજપના હિંદુવાદી શાસન અને તેના સાથીઓને અમારી ચેતવણી એ છે કે, અમે ગમે ત્યારે અને ગમે ત્યાં ટાર્ગેટને ઉડાવી શકીએ છીએ. કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે છે ત્યારે તેમના માટે આ અમારી નાનકડી ભેટ છે. અમે આ કામગીરી ચાલુ જ રાખીશું.
આપણે ત્યાં કાશ્મીરમાં બનતી કોઈ પણ ઘટનાને આતંકવાદી કૃત્ય માની લેવાની માનસિકતા છે. સાથે સાથે કોઈ આતંકવાદી સંગઠન દાવો કરે એટલે તેને પણ સાચો માની લેવાનું સામાન્ય વલણ છે તેથી આ બંને આતંકવાદી સંગઠનોના દાવાને પણ સૌએ સાચો માનીને ફરી કાશ્મીરમાં આતંકવાદ ભડક્યો છે ને ઉચ્ચ અધિકારીઓ પણ સલામત નથી એવી વાતો ચાલી રહી છે. આતંકવાદીઓ ઘરમાં ઘૂસીને ટોચના અધિકારીને મારી શકે તો સામાન્ય લોકોનું શું એવાં પતકડાં પણ રમતાં મૂકાયાં છે.
જમ્મુ અને કાશ્મીરમાં અત્યારે શું સ્થિતિ છે, આતંકવાદ કાબૂમાં છે કે નહીં એ અલગ ચર્ચાનો મુદ્દો છે ને તેની પંચાત અત્યારે નથી કરવી પણ લોહિયાની હત્યા આતંકવાદી કૃત્ય હોવાની શક્યતા ઓલમોસ્ટ ઝીરો છે તેમાં કોઈ શંકા નથી. આતંકી સંગઠન પીએએફએફ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલું પાકિસ્તાની આતંકવાદી સંગઠન છે. જમ્મુ અને કાશ્મીરથી કલમ ૩૭૦ હટાવ્યા પછી, આ નવા આતંકવાદી સંગઠનનું નામ ચર્ચાવા લાગ્યું છે પણ તેનો એવો ડર નથી. આ કારણે આ સંગઠને તક ઝડપીને લોહિયાની હત્યાની જવાબદારી સ્વીકારીને પોતાનો ખૌફ ઊભો કરવાની કોશિશ ભલે કરી પણ તેની વાતોમાં કોઈ દમ નથી.
લોહિયાની હત્યા યાસિરે કરી છે એવું પ્રાથમિક તપાસમાં લાગે છે પણ યાસિર આતંકવાદી નથી. આ કારણે જ પોલીસ આતંકવાદી કનેક્શન સ્વીકારી રહી નથી પણ યાસિરની માનસિક સ્થિતિને જવાબદાર ગણે છે. જમ્મુના એજીડીપીએ આપેલી વિગતો પ્રમાણે પોલીસ યાસિરને મુખ્ય આરોપી ગણી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળેલી વિગતો પ્રમાણે યાસિહ ડીપ્રેશનમાં હોવાથી ક્યારેક ક્યારેક ખૂબ જ આક્રમક બની જતો હતો. યાસિર છ મહિના પહેલાં જ લોહિયાને ત્યાં નોકરી પર રહ્યો હતો પણ અત્યાર સુધી કોઈ આતંકવાદી કનેક્શન બહાર આવ્યું નથી. લોહિયા પોલીસ અધિકારી હતા તેથી યાસિર આતંકવાદીઓ સાથે સંકળાયેલો છે કે નહીં તેની તપાસ તેમણે કરી જ હોય એ જોતાં તેનું આતંકવાદી સંગઠન હોવાની શક્યતા નહિવત્ છે.
કોઈને આ વાતો સામાન્ય લાગશે. લોહિયાની હત્યા આતંકવાદીઓએ કરાવી કે નહીં એ મુદ્દો મહત્ત્વનો પણ ના લાગે પણ એ મુદ્દો મહત્વનો છે. પોલીસે કહ્યું છે કે, અમે ઉંડાણપૂર્વક તપાસ કર્યા બાદ હત્યાનું કારણ શું છે એ કહી શકીએ ને અત્યારે કોઈપણ એંગલને સંપૂર્ણપણે નકારી શકીએ નહીં. યાસિર આતંકવાદી સંગઠનનો ઓવર ગ્રાઉન્ડ વર્કર હોઈ શકે છે એવી આશંકા પણ કેટલાક પોલીસ અધિકારી વ્યક્ત કરી રહ્યા છે તેથી પોલીસ આતંકવાદના એંગલથી તપાસ કરે તેમાં કશું ખોટું નથી.
લોહિયાની હત્યાની તપાસમાં સાબિત થાય તો એ વાત સ્વીકારવામાં પણ વાંધો ના હોઈ શકે પણ હાલના તબક્કે આતંકવાદીઓની વાત માની લેવી મૂર્ખામી કહેવાય ને આડકતરી રીતે તો જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓનું રાજ છે તેનો સ્વીકાર કરી લીધો કહેવાય. કાશ્મીરમાંથી આતંકવાદ સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે એવો દાવો કોઈ ના કરી શકે પણ આતંકવાદીઓએ ગમે તેને ગમે ત્યાં ઘૂસીને મારી શકે છે એવી સ્થિતિ પણ નથી. લોહિયાની હત્યાના મામલે આતંકવાદી એંગલનો સ્વીકાર કરી લેવાનો અર્થ એ જ થાય કે, કાશ્મીરમાં ભારતનું શાસન જ નથી.
લોહિયાની હત્યા કમનસીબ ઘટના છે તેમાં બેમત નથી પણ યાસિરે હતાશામાં કે બીજા કોઈ કારણસર કરી હોય તો તેમાં ટેરર એંગલ ના ઉમેરવો જોઈએ. માણસો હતાશામાં આત્યંતિક પગલાં ભરતા હોય છે. યાસિરે પણ એવું કર્યું હોય તો તેનો બચાવ ના થઈ શકે પણ તેને આતંકી કૃત્ય પણ ના કહેવાય.

Google search engine

[ad_2]

Google search engine