[ad_1]
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ભારતની મેઈડન નામની ફાર્માસ્યુટિકલ કંપનીએ બનાવેલાં ચાર કફ સિરપ વિશે એલર્ટ જાહેર કર્યું છે કેમ કે ગામ્બિયા નામના આફ્રિકન દેશમાં આ કફ સિરપ પીવાથી બાળકોને કિડનીના ગંભીર રોગ થયા ને ૬૬ બાળકો તો મરી ગયાં. ડબ્લ્યુએચઓએ આ કફ સિરપ અંગે ઉપરાછાપરી ફરિયાદો આવી પછી તપાસ કરી તો ખબર પડી કે, આ કફ સિરપ સલામત નથી અને ખાસ કરીને બાળકોમાં એના ઉપયોગથી ગંભીર સમસ્યાઓ થવાનું જોખમ તો છે જ પણ મૃત્યુનું જોખમ પણ છે.
આ કફ સિરપ પીવાથી ગામ્બિયામાં ૬૬ બાળકનાં કિડનીની સમસ્યાને કારણે મૃત્યુ થયાં છે. આ સિરપ અંગે ગામ્બિયામાં મોતના અહેવાલ હોવાથી ડબ્લ્યુએચઓએ પોતાના
રિપોર્ટમાં ગામ્બિયાનો ઉલ્લેખ કર્યો પણ દુનિયાના બીજા દેશોમાં પણ તેના કારણે મોત થયાં હોઈ શકે ને ભારતમાં પણ મોત થયાં હોઈ શકે એવી ચેતવણી ડબ્લ્યુએચઓએ આપી છે.
આ ચેતવણીને ગંભીરતાથી લેવી જોઈએ કેમ કે કફ સિરપને લોકો બહુ ગંભીરતાથી નથી લેતા, ગમે તે કંપનીના પી
નાંખે છે.
ડબ્લ્યુએચઓના રિપોર્ટમાં ડાઈઈથીલીન ગ્લાયકોલ અને ઈથીલીન ગ્લાયકોલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના કારણે ગંભીર સમસ્યાઓ સર્જાય છે એવ ડબ્લ્યુએચઓનો દાવો છે. આ બંને કાર્બન ઘટકો છે. સુગંધ અને રંગ વિનાના બંને ઘટકોનો સ્વાદ મીઠો હોય છે. બાળકોના સિરપમાં એટલા માટે ઉમેરવામાં આવે છે, જેથી તેઓ સરળતાથી પી શકે. અલબત્ત દવાઓમાં આ ઘટકોને મહત્તમ ૦.૧૪ મિલીગ્રામ પ્રતિ કિલો સુધી મિશ્રણ કરી શકાય છે પણ ૧ ગ્રામ પ્રતિ કિલો કે વધુ પ્રમાણમાં મિશ્રિત થાય છે તો મૃત્યુનું કારણ બની શકે છે. આ દવાની અસર તરીકે પ્રથમ બે દિવસમાં ઊલટી, ઝાડા, પેટમાં દુખાવો થવા લાગે છે. ત્રીજા-ચોથા દિવસે કિડની ફેલ્યર થાય છે. પેશાબ કરવામાં મુશ્કેલી પડે છે, બ્લડપ્રેશર વધે છે. હૃદયના ધબકારા પણ અનિયમિત થઈ જાય છે. પાંચમાંથી દસમાં દિવસ સુધી પેરાલિસિસ થઈ શકે છે. વ્યક્તિ ડીપ કોમામાં જઈ શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે. દર્દીની સ્થિતિ ગંભીર થઈ જાય પછી બચાવી લેવાય તો પણ કિડનીની સમસ્યા રહે છે.
આ બધી વાતો ડબ્લ્યુએચએઓના રિપોર્ટમાં કહેવાયેલી છે. ડબ્લ્યુએચઓના રિપોર્ટમાં કહેવાયેલી વાતો સાઉથની કોઈ ફિલ્મની સ્ટોરી જેવી લાગે પણ વાસ્તવમાં સત્ય છે. આ કફ સીરપ બનાવનારી કંપની હરિયાણાની મેઈજનન ફાર્માસ્યુટિકલ લિમિટેડ છે. જાણીને આઘાત લાગશે કે આ કંપની છેક ૨૨ નવેમ્બર ૧૯૯૦ના રોજ રજિસ્ટર થઈ હતી અને ચાર ડિરેક્ટરવાળી આ કંપનીની સામાન્યસભા ગયા વર્ષે નવેમ્બરમાં મળી હતી એવું કાગળ પર બતાવાય છે પણ વાસ્તવિકરીતે કંપનીના કોઈ પ્લાન્ટ તકે બીજું કશું જ નથી.
આ વર્ષે કંપનીએ પોતાની બેલેન્સશીટ પણ જમા કરાવી નથી. આઘાતની વાત એ છે કે, ડબ્લ્યુએચઓના રિપોર્ટમાં ઉલ્લેખ પછી કંપની છૂ થઈ ગઈ છે. એલર્ટ જારી કર્યા પછી કંપનીએ વેબસાઈટ બંધ કરી દીધી છે, જેથી લોકોને વધુ માહિતી મળી શકે નહીં.
ટૂંકમાં કંપની કાગળ પર સક્રિય છે પણ વાસ્તવિકરીતે કશું કામ જ નથી કરતી. મતલબ કે, ભળતી કંપનીઓ પાસેથી ગમે તેવી દવા કે સિરપ લઈને પોતાનાં લેબલ લગાવીને લોકોને ભડકાડી દે છે. આ લોકોના જીવ સાથે રમત કહેવાય ને કેટલા વરસોથી કંપની આ રમત કરી રહી છે એ ખબર નથી
એ જોતાં કેટલાં બાળકો તેના કારણે મોતને ભેટ્યાં હશે એ રામ જાણે.
આ મોતને ભેટનારાં બાળકોમાં ભારતીય બાળકો પણ હશે જ કેમ કે ડબ્લ્યુએચઓના રિપોર્ટમાં સાફ શબ્દોમાં કહેવાયું છે કે, આ પ્રોડક્ટ્સ માત્ર ગામ્બિયા સુધી મર્યાદિત નથી. ગામ્બિયામાં બાળકોનાં મૃત્યુ પછી આ કફ સીરપ વિશે તપાસ કરવામાં આવી તો તેમાં જાણવા મળ્યું કે તેની સામગ્રી જીવલેણ છે. એ પછી આ કફ સિરપ ક્યાં ક્યાં ગયાં હશે તેની તપાસ કરાઈ તો ખબર પડી કે બહુ દેશોમાં સિરપ પહોંચી છે. ડબ્લ્યુએચઓને તો શંકા છે કે ગેરકાયદેસરરીતે અને બિનસત્તાવાર માધ્યમો દ્વારા આ સિરપ અન્ય દેશોમાં પણ ગઈ હોઈ શકે.
આપણા માટે આઘાતજનક વાત એ છે કે, ડબ્લ્યુએચઓની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, આ તમામ કફ સિરપ ભારતીય બજારમાં પણ હાજર છે. વધારે આઘાતજનક વાત પાછી એ છે કે, તેનું ખુલ્લે આમ વેચાણ થાય છે અને મેડિસિન્સની ઈ-કોમર્સ વેબસાઇટ્સ દ્વારા પણ વેચવામાં આવે છે. આ રીતે કેટલાં લોકો સુધી કફ સિરપ પહોંચી હશે એ ખબર નથી પણ જાગ્યા ત્યારથી સવાર સમજીને હવે પછી તમામ રાજ્યો તેને બંધ કરાવે તો સારું.
જો કે મૂળ મુદ્દો આ કફ સિરપનો નથી. મૂળ મુદ્દો બીજો જ છે. આપણે ત્યાં કેવી લાલિયવાડી ચાલે છે અને લોકોના જીવ સાથે કેવી રમત થાય છે તેનો છે.
ગામ્બિયા બહુ નાનો દેશ છે અને અત્યંત ગરીબ દેશ છે. આ દેશ પાસે પોતાનું એવું કોઈ તંત્ર નથી કે જેના કારણે તે કોઈપણ દવામાં જીવલેણ કશું નથી તેની ચકાસણી કરી શકે. તેણે તો ભારતમાં મંજૂરી મળી છે તેથી પોતાને ત્યાં પણ મંજૂરી આપી દીધી. સવાલ એ છે કે, ભારતમાં કઈ રીતે મંજૂરી મળી? જે દવાથી બાળકોનાં મોત થાય છે એ દવાને ભારતમાં કઈ રીતે વેચવા માટે લીલી ઝંડી આપી દેવાઈ? આ સવાલનો જવાબ બધાંને ખબર છે પણ કમનસીબે કોઈનાથી કશું થઈ શકતું નથી.
આપણે વિચારવાની જરૂર એ છે કે, આ રીતે ભારતમાં કેટલી દવાઓને મંજૂરી અપાઈ હશે ને લોકોના જીવ લેવાનો ખેલ કેટલા મોટાપાયે ચાલતો હશે. દવા જેવી જીવનરક્ષક ચીજમાં પણ આ ધંધો થતો હોય તેનાથી વધારે આઘાતજનક બીજું કંઈ ના કહેવાય.
સદ્નસીબે આ કેસમાં ભારત સરકારે પોતાની રીતે તપાસ શરૂ કરી છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને બાળકોનાં મોત વિશે જાણ કરવામાં આવી પછી તપાસ શરૂ કરી દેવાઈ છે. રાજ્યોની સરકારોના અધિકારીઓને પણ તપાસમાં જોડાયા છે. આ તપાસના પગલે ભવિષ્યમાં આવું કશું ના બને એવું કંઈ થાય તો સારું.
[ad_2]