[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

તન-દુરસ્તી મન-દુરસ્તી – મુકેશ પંડ્યા

મુંબઈ અને તેની આસપાસ રહેતા લોકોને ઓક્ટોબર હીટનો અનુભવ હોય જ. ચોમાસું પૂરું થાય અને શિયાળો પૂરેપૂરો બેસે તે વચ્ચેનો શરદઋતુનો આ ગાળો ખરેખર રોગદાયક હોય છે. આ ઋતુ જે બીમારી વગર કાઢી શકે એ બાકીની ઋતુ સ્વસ્થ રીતે જીવી શકે છે. એટલે જ આપણે કોઈ વ્યક્તિને શુભેચ્છા આપવી હોય તો એમ કહીએ છીએ કે શતમ શરદ જીવેત! અર્થાત્ ૧૦૦ શરદઋતુ સ્વસ્થ રીતે જીવવાના આશીર્વાદ આપીએ છીએ.
ચોમાસામાં બધાં વાદળાં વરસી ગયા બાદ સૂર્યમાંથી નીકળેલાં પ્રખર કિરણો કોઈ પણ જાતના અવરોધ વગર પૃથ્વી પર આવે છે અને આપણને અસહ્ય ગરમીનો અનુભવ કરાવે છે. મુંબઈ જેવાં દરિયાઈ કાંઠાનાં શહેરોમાં આ ગરમી ભેજવાળી હોય છે, જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ એપ્રિલ-મે મહિનાની ગરમી કરતાં પણ વધુ નુકસાનકારક હોય છે.
આ ઋતુમાં દિવસે વધુ ગરમી હોય તો રાત્રે વળી ખુશનુમા ઠંડક પણ હોય છે. એટલે આપણને બે ઋતુનો અનુભવ થાય છે. આવી ડબલ સીઝન વધુ બીમારીને આમંત્રણ આપે છે. એટલે જ શરદઋતુમાં દવાખાનાં દરદીઓથી ઊભરાતાં હોય છે.
આવી ઋતુમાં તન-મનથી સ્વસ્થ રહેવા નીચે પ્રમાણેના ઉપાયો જરૂરથી અજમાવજો.
દિવસના ઓછું, રાત્રે વધુ બહાર નીકળો
આ ઋતુમાં દિવસે સૂર્યનાં પ્રખર કિરણો આવતાં હોય તેની સાથે અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ આવતાં હોય છે. આવાં કિરણોથી ચામડીને નુકસાન થાય અને પિત્તપ્રકોપ પણ વધે. આવા સંજોગોમાં કમસે કમ બપોરે ૧૨થી ૪ વાગ્યા સુધી બહાર ફરવાનું ટાળવું જોઈએ. આપણા પૂર્વજો અને ઋષિમુનિઓને આ બાબતનો અનુભવ હતો જ એટલે જ તેમણે આવા સમયમાં લોકો રાત્રે વધુ બહાર નીકળે તેવા ઉત્સવ મૂક્યા છે. નવરાત્રિ, શરદપૂર્ણિમા અને હવે થનગનતી આવી રહેલી દિવાળી, આ બધા રાત્રિના તહેવાર છે. રાત્રે ગરબા રમવાથી દિવસમાં ભેગું થયેલું પિત્ત પણ પરસેવા વાટે બહાર નીકળી જાય છે.
છત્રી વાપરવામાં શરમ ન અનુભવો
ચોમાસું પૂરું થઈ ગયા બાદ ઘણા લોકો છત્રીને માળિયા પર મૂકી દે છે. ખરેખર તો બપોરે તડકામાં ફરજિયાત બહાર નીકળવાનું થાય તો માથે છત્રી રાખવી જોઈએ. સૂર્યનાં હાનિકારક કિરણોથી બચવા આ શ્રેષ્ઠ રસ્તો છે. કમસે કમ માથા પર હેટ અને ચહેરા પર સારી ક્વોલિટીનું સન સ્ક્રીન લોશન તો જરૂર લગાડવું જોઈએ. આવી ઋતુમાં બપોરે બહાર નીકળવાથી શરીરમાં વધુ પડતો પરસેવો પણ થાય છે. પરસેવો સમયસર ઊડી ન જાય તો ચામડીના અનેક રોગો જેવા કે ખંજવાળ, ચકામાં, ખીલ, ફોડલી ગૂમડાં વગેરે થાય છે. જેમને વધુ પડતા પરસેવાની સમસ્યા હોય તેમણે યોગ્ય એન્ટિ પર્સપિરેન્ટ પણ વાપરવું જોઈએ. શરીર પર ઉદ્ભવતાં પ્રસ્વેદ બિંદુઓને સમયસર લૂછતાં રહેવું જોઈએ. વાતાવરણમાં રહેતા બેક્ટેરિયા આ પરસેવામાં પોતાનું ઘર ભાળી જાય છે અને ઝડપથી વૃદ્ધિ પામી શરીર માટે હાનિકારક સાબિત
થાય છે.
ફુલ લાઇફ સ્ટાઇલ અપનાવો
તન-મનને વધુ ઠંડક મળે તેવી રહેણીકરણી આ ઋતુમાં અપનાવવી જોઈએ, જેમ કે સફેદ કે હલકા રંગનાં વસ્ત્રો પહેરવાથી શરીરને ગરમીથી બચાવી શકાય છે. કાળા કે ઘેરા રંગનાં વસ્ત્રો પહેરવાનું ટાળો. ટાઇ, કોટ, પેન્ટને તિલાંજલિ આપીને ખૂલતાં ઢીલાં વસ્ત્રો અપનાવો. પોલિયેસ્ટર-નાયલોન છોડી સુતરાઉ વસ્ત્રો પહેરો.
ભોજનની વાત કરીએ તો શરીરને ઠંડી પ્રકૃતિનો પિત્તશામક ખોરાક આ સમયમાં મળે તેવી તકેદારી રાખવી જોઈએ, જેમ કે ઠંડું દૂધ, દૂધપાક, ખીર અને પૂરી, દૂધ-ભાત, દૂધ-પૌંઆ, જલેબી, વગેરે વગેરે શેરડીનો રસ, કલિંગર કે મોસંબી, ચીકુ જેવાં ફળોનો રસ પણ લઈ શકાય. તાજાં લીલાં શાકભાજીનો વપરાશ વધારો. હવે તમને સમજાયું હશે કે શ્રાદ્ધમાં દૂધપાક કે ખીરનાં ભોજન કેમ હોય છે, શરદપૂર્ણિમાએ દૂધ-પૌંઆ કેમ ખાવામાં આવે છે અને દશેરાએ જલેબી ખાવાનું શું મહત્ત્વ છે. આવા ખોરાક લેવાથી શરીરમાં ઠંડક તો રહે છે, સાથે પિત્ત પણ નિયંત્રણમાં રહે છે. વળી પરસેવાને લીધે શરીરમાંથી પાણી ઓછું થઈ જે ડિહાઈડ્રેશનની તકલીફ ઊભી થતી હોય છે તેનાથી બચી શકાય છે.
શરીરમાં પાણી યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે છે. શક્ય હોય તો પીવાનું પાણી ઠંડું રહે એવી બોટલ લઈને ઘરની બહાર નીકળવું જોઈએ. રસ્તામાં જ્યારે તરસ લાગે ત્યારે શીતળ ચોખ્ખું જળ પી તરસ પણ બુઝાવી શકાય અને શરીરનાં આંતરિક અંગોને પણ કૂલ રાખી શકાય.
આ ઉપરાંત તરવાની કસરત આ ઋતુમાં શ્રેષ્ઠ છે. ભીના કપડાને ફ્રીઝરમાં થોડો સમય મૂકી પછી તે ઠંડા અને સૂકા કપડા વડે શરીરને લૂછી તેને ઠંડક આપી શકાય. શીતલી પ્રાણાયામ કરતાં શીખી લો. આ પ્રાણાયામ શરીરને આ ઋતુમાં ઠંડું રાખે છે. મગજને ઠંડું રાખવા જ્યારે સમય મળે ત્યારે મેડિટેશન કરી શકાય.
આજથી દિવાળી સુધી હવે આ રીતે જીવશો તો શરીર તો ઠંડું રહેશે સાથે સાથે મસ્તક અને મગજ પણ કૂલ કૂલ રહેશે. દિવાળીનાં બધાં કામ કોઈ પણ બીમારી કે સમસ્યા વગર શક્તિ અને સ્ફૂર્તિથી કરી શકશો. ઉ

[ad_2]

Google search engine