[ad_1]
વડોદરાના કપુરાઈ ચાર રસ્તા પાસે કાન્હા આઇકોનમાં રહેતો જોશી પરિવાર 20 દિવસ પહેલા એકએક ગુમ થઇ ગયો હતો. પરિવારના બધા સભ્યોના ફોન પણ ઘરે સ્વીચ ઓફ હાલતમાં મળ્યા હતા. ત્યાર બાદ પોલીસને ઘરમાંથી 11 પાનાની સુસાઇડ નોટ મળી આવતા સગાવહાલાઓ ચિંતામાં મુકાયા હતા. પોલીસે પણ પરિવારને શોધવા સઘન તપાસ શરુ કરી હતી. આ વચ્ચે આ પરિવાર રવિવારે હેમખેમ પરત ફરતા સંબંધીઓ અને પોલીસને હાશકારો થયો છે.
પરત ફરેલા જોશી દંપતીએ જણાવ્યું હતું કે બંને સંતાનોનાં ભવિષ્ય વિશે વિચારીને થયું કે, આપઘાત એ ઉકેલ નથી. અમારા ગયાં પછી અમારા બાળકોનું શું થશે એ વિચારીને ભાંગી ગયા હતા. સંતાનોએ અમને સમજાવ્યા એટલે અમે પરત આવી ગયા છીએ. અમે સોશિયલ મીડિયામાં પોસ્ટ જોઈ તે જોઈને પરત ફરવાનું નક્કી કર્યું. દિલ્હીમાં અમે ફૂટપાથ પર રહેતા હતા અને ભીખ માંગીને ખાતા હતા.
રાહુલ જોશી અને તેમનાં પત્ની નીતા જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોતાને બેંકનો લોન એજન્ટ ગણાવતાં અલ્પેશ મેવાડા નામનાં શખ્સે તેમનું મકાન રી-ટ્રાન્સફર કરાવી આપવાનાં બહાને ટુકડે ટુકડે કરી તેમની પાસેથી 17 લાખ રૂપિયા પડાવી લીધા હતાં. આ સાથે 17 લાખ પૈકી તેમને આપેલી કેટલીક રકમનાં ચેક બાઉન્સ કરાવી અલ્પેશ મેવાડા વારંવાર પરિવારને જેલ કરાવવાની ધમકી પણ આપતો હતો. બાળકોએ પણ કહ્યું કે, તમે મરી જશો તો અમારું કોણ? તમે આપઘાત ન કરશો આપણે પરિસ્થિતિનો સામનો કરી લઇશું. બંને બાળકોની ચિંતાને જોઇ તેમને મરવાનું માંડી વાળ્યું અને ઘરે પરત ફરી પરિસ્થિતિનો સામનો કરવાનું નક્કી કર્યું.
શહેરનાં ડભોઇ રોડ વિસ્તારમાં કપુરાઇ ચોકડી પાસેનાં કાન્હા હાઇટ્સમાં રહેતાં અને વ્યવસાયે શિક્ષક રાહુલ જોશી તેમની પત્ની નીતા જોશી અને બે બાળકો સાથે 20 સપ્ટેમ્બરનાં રોજ ઘરેથી આત્મહત્યાના ઈરાદે નિકળી ગયાં હતાં.
વડોદરા પોલીસે જોશી પરીવારને અંતિમ પગલું ભરવા સુધી મજબૂર કરનારા શખ્સો સામે તપાસ શરુ કરી છે.
[ad_2]