[ad_1]
મુંબઇ: હિન્દી ફિલ્મ ‘આદિપુરુષ’નું ટિઝર જોયા બાદ ભડકેલા લોકોએ એના વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયાથી શરૂ થયેલો વિવાદ હવે કોર્ટ સુધી પહોંચી ગયો છે. જૌનપુરમાં ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપ પર કેસ કરવામાં આવ્યો છે.
રજૂઆત પહેલા જ ફિલ્મ ‘આદિપુરુષ’ વિવાદોમાં ફસાઇ ગઇ છે. સોશિયલ મીડિયા તેનો સતત વિરોધ થઇ રહ્યો છે. તેથી તેની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળ્યો છે. ફિલ્મના વિરોધમાં ઉત્તર પ્રદેશનાં જૌનપુરમાં આ ફિલ્મના નિર્માતા ઓમ રાઉત, અભિનેતા સૈફ અલી ખાન અને પ્રભાસ સહિત પાંચ જણની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ સિવિલ કોર્ટમાં દાખલ થયા બાદ ન્યાયિક મજિસ્ટ્રેટે ‘આદિપુરુષ’ હિન્દી ફિલ્મના નિર્માતા, અભિનેતા સહિત પાંચ જણની સાને સામે ફરિયાદ કરી છે. ફરિયાદના આધારે કોર્ટે ૨૭ ઓક્ટોબરે સુનાવણીની તારીખ નક્કી કરી છે.
આ સંપૂર્ણ મામલો ફિલ્મનું ટિઝર લોન્ચ થયું ત્યારથી જ ગરમાયેલો છે. ટિઝર જોયા બાદ ઘણાં લોકોએ હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવાનો આરોપ ફિલ્મના કલાકરો અને મેકર પર લગાવ્યો છે. જૌનપુરના જોગિયાપુર વિસ્તારના રહેવાસી અને સિવિલ કોર્ટના વકીલે તેમના વકીલ ઉપેન્દ્ર વિક્રમસિંહ મારફત કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ ફિલ્મનું ટીઝર પાંચ ઓક્ટોબરે રિલીઝ થયું હતું. ત્યારે બાદ મારા સિવાય પણ ઘણાં લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.
અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભગવાન શ્રીરામચંદ્ર અને માતા સીતાને આપત્તિજનક અને અશોભનિય પોશાકમાં દર્શાવવામાં આવ્યા છે. જેમાં અભિનેતા પ્રભાસ ‘રામ’ અને કૃતિ સેનન ‘સીતા’ના પાત્રમાં જોવા મળી રહ્યા છે. સૈફ અલી ખાન ‘રાવણ’ અને દેવદત્ત ગજાનન ‘હનુમાન’નું પાત્ર ભજવી રહ્યા છે. હનુમાનને ચામડાંના વસ્ત્ર પહેરેલા બતાવવામાં આવ્યાં છે. આ સિવાય અરજીમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ફિલ્મ દ્વારા ‘રાવણ’ને સારો ચિતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યુ છે, તેથી પણ લોકોની લાગણી દુભાઈ છે.
ફરિયાદમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે ‘આદિપુરુષ’નાં ટિઝરમાં જાહેર કરવામાં આવ્યું છે કે આ ફિલ્મ ‘વાલ્મિકી રામાયણ’ પર આધારિત છે. જ્યારે ફિલ્મનું ટિઝર જોયા બાદ તે સ્પષ્ટ થઈ ગયું કે આ ફિલ્મ તેનાથી સાવ અલગ છે. ‘આદિપુરુષ’ ફિલ્મનાં માધ્યમથી લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. લોકોની શાંતિ ભંગ થવાની સાથે-સાથે એકતા, અખંડિતતા પર પણ પ્રભાવ પડી રહ્યો છે. ફરિયાદમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે હિન્દુ દેવી-દેવતાઓ પર વિવાદિત ફિલ્મ બનાવ્યા સિલાય આરોપીઓ પાસે બીજો કોઈ મુદ્દો નથી બચ્યો. તેથી ફરિયાદીની અરજીને ધ્યાને લઇને કોર્ટમાંથી આ ફિલ્મના નિર્માતા, અભિનેતા સહિત પાંચ જણ સામે વિભિન્ન ધારાઓ લગાવીને સજાની માગ કરવામાં આવી છે.
[ad_2]