[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણના પગલે વિશ્ર્વમાં ફરી કોલ્ડ વોર શરૂ થશે, વિશ્ર્વ બે છાવણીમાં વહેંચાઈ જશે એવી અટકળો વ્યક્ત કરાતી હતી. છેલ્લા કેટલાક સમયથી બની રહેલી ઘટનાઓને જોતાં આ વાત સાચી પડી રહી હોય એવું લાગે છે.
યુક્રેન પર આક્રમણના પગલે અમેરિકા તથા યુરોપે રશિયા પર આર્થિક નિયંત્રણો લાદ્યાં તેના પગલે યુરોપના દેશોએ રશિયા પાસે ક્રૂડ ઓઈલ તથા બીજી ચીજો ખરીદવાનું બંધ કર્યું. તેના કારણે રશિયાએ ભારત સહિતના દેશોને સસ્તા ભાવે ક્રૂડ આપવા માંડ્યું. અમેરિકાએ તેની સામે ભારતને ચેતવણી આપેલી પણ રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ભારતના ફાયદામાં છે તેથી મોદી સરકારે તેને ના ગણકારી.
આ અવગણનાથી ફુંગરાયેલું અમેરિકા પાકિસ્તાન તરફ ઢળ્યું છે. પાકિસ્તાન લાંબા સમયથી આર્થિક ભીડમાં છે ને અમેરિકા પાસે ભીખ માંગ્યા કરતું હતું પણ અમેરિકા તેને ગણકારતું નહોતું. હવે આર્થિક તકલીફમાં ફસાયેલા પાકિસ્તાનને બહાર કાઢવા માટે અમેરિકા અચાનક વરસ્યું છે ને પાકિસ્તાનને ૩૫૮૦ કરોડ રૂપિયાની સહાય જાહેર કરી દીધી છે. ગયા અઠવાડિયે એટલે કે ૮ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ અમેરિકાએ પાકિસ્તાન એરફોર્સનાં ફાઇટર F-16ને અપગ્રેડ કરવાના બહાને પાકિસ્તાન એરફોર્સને ૩.૫૮ હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી નાંખી.
આ પહેલાં ૨૪ જૂન ૨૦૨૨ના રોજ ચીનની બૅંકો તરફથી પાકિસ્તાનને ૧૮,૨૮૦ હજાર કરોડ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરાઈ હતી. ચીન રશિયા પાસેથી ક્રૂડ ખરીદે છે તેની સામે અમેરિકાને વાંધો છે પણ ચીનને કશું કહી શકાય તેમ નથી તેથી અમેરિકા ભારત પર ખાર કાઢે છે. આ ખારના ભાગરૂપે અમેરિકા પાકિસ્તાન પર વરસ્યું છે ને ભારત રશિયા તરફ ઢળેલું રહેશે તો હજુ વરસતું જ રહેશે.
અમેરિકાએ પાકિસ્તાનને મદદનું એલાન કર્યું એ ઘટના ભારત માટે ઘણી બધી રીતે મોટી છે. એક સમયે અમેરિકા અને પાકિસ્તાન લશ્કરી સહયોગ કરીને ગોઠિયાં બનેલાં. પાકિસ્તાને આતંકવાદ સામે લડવાના બહાને અમેરિકાને બહુ ચૂસ્યું. ૨૦૧૮માં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે પાકિસ્તાનને લશ્કરી સહાય બંધ કરી નાંખેલી કેમ કે પાકિસ્તાન આતંકવાદીઓને પોષતું હતું. ટ્રમ્પે પાકિસ્તાનને મળતી ૧૬,૦૦૦ કરોડ રૂપિયાની લશ્કરી સહાય બંધ કરવાની જાહેરાત કરી હતી. અમેરિકી સરકારે સાફ શબ્દોમાં કહેલું કે, તાલિબાન અને હક્કાની નેટવર્ક જેવાં આતંકવાદી સંગઠનને ખતમ કરવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું હોવાથી તેને આતંકવાદના નામે સહાય ના આપી શકાય.
હવે ચાર વર્ષ પછી અમેરિકાની જો બાઈડન સરકારે ફરી એકવાર પાકિસ્તાનની આતંકવાદવિરોધી ક્ષમતાને વધારવા માટે લશ્કરી સહયોગ વધારવાના નામે સહાયની જાહેરાત કરી છે તેનો અર્થ એ જ થાય કે, અમેરિકા ફરી પાકિસ્તાનને હાથ પર લઈ રહ્યું છે ને ભારતને દબાવવા માગે છે.
પાકિસ્તાનને અમેરિકાએ ૩૯ વર્ષ પહેલાં ઋ-૧૬ ફાઈટર જેટ આપેલાં. આ લડાયક વિમાન ૧૯૮૩થી પાકિસ્તાની વાયુસેનાના કાફલામાં સામેલ છે. અમેરિકા સાથે પાકિસ્તાનનો લશ્કરી સહયોગ હતો તેથી અમેરિકા જ આ વિમાનોને અપગ્રેડ કર્યા કરતું પણ છેલ્લાં ચાર વર્ષથી બંને વચ્ચે લશ્કરી સહયોગ બંધ થઈ જતાં પાકિસ્તાનની હાલત બગડી ગઈ. ૩૯ વર્ષ જૂનાં આ ફાઈટર જેટનું મેઈન્ટેનન્સ કર્યા કરવું પડે પણ નબળી આર્થિક હાલત અને વિદેશી દેવાં હેઠળ દબાયેલા પાકિસ્તાન માટે આ ખર્ચ કરવો અશક્ય હતો. આ કારણે પાકિસ્તાને F-16 ના સૈન્ય અપગ્રેડેશન અને મેઇન્ટેનન્સ માટે અમેરિકા પાસેથી મદદ માગી હતી.
અમેરિકાએ પહેલાં આ વાતને ગણકારી નહોતી પણ પછી અચાનક જો બાઈડન સરકારે પાકિસ્તાનને ૩૫૮૦ કરોડ આપવાનો નિર્ણય કરી નાંખ્યો. અમેરિકાએ ચોખલિયાવેડા કરીને ફાઈટર જેટના અપગ્રેડેશન સિવાય અન્ય કોઈપણ પ્રકારનાં હથિયારો કે ઉપકરણો આપવાનો ઈનકાર કર્યો છે પણ એક વાર લશ્કરી સહયોગ ચાલુ થાય પછી એ ક્યાં જઈને અટકશે એ કહી ના શકાય. અમેરિકા પોતાની જૂની વાતને પણ ધોળીને પી ગયું છે એ જોતાં તેના પર કેટલો ભરોસો કરવો એ સવાલ છે.
અમેરિકા પાકિસ્તાનને લશ્કરી સહાય આપે તેના કારણે ભારતની સુરક્ષા સામે ખતરો ઊભો થાય છે તેથી પણ આ સમાચાર ભારત માટે મહત્ત્વના છે. અમેરિકા દ્વારા કરાતા અપગ્રેડેશનથી ઋ-૧૬ની રડાર અને જામિંગ ક્ષમતામાં વધારો થશે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ, એટલે કે પેન્ટાગોન અનુસાર, F-16ના અપગ્રેડેશનનો અર્થ આ એરક્રાફ્ટને નવેસરથી આધુનિક બનાવવાનો છે. અમેરિકાના લશ્કર દ્વારા એરક્રાફ્ટમાં ઘણા ફેરફાર કરીને આ વિમાનોને આધુનિક બનાવવામાં આવશે. અત્યાર સુધી F-16માં APG-68 રડાર હતાં પણ હવે APG-83 AESAવાં આધુનિક રડાર ફિટ કરવામાં આવશે કે જેથી વધારે દૂરનાં વિમાનોને પણ પકડી શકાય.
આ ઉપરાંતF-16ના એન્જિનને પહેલાં કરતાં વધુ શક્તિશાળી અને આધુનિક બનાવવામાં આવશે. અપગ્રેડેશન દ્વારા ઇલેક્ટ્રોનિક યુદ્ધની ક્ષમતામાં વધારો કરાશે. એફ-૧૬માં મિસાઈલ, હથિયારો અને જામિંગની ક્ષમતા વધારવા માટે આધુનિક ઉપકરણો લગાવવામાં આવશે અને સોફ્ટવેરને અપગ્રેડ કરવામાં આવશે. પાકિસ્તાનનું બીજું કોઈ દુશ્મન નથી તેથી તેનો ઉપયોગ ભારત સામે જ થશે તેથી અમેરિકા આડકતરીરીતે ભારત સામે મોરચો ઊભો કરી રહ્યું છે.
વિશ્ર્લેષકોનું માનવું છે કે, અમેરિકા આડકતરી રીતે ભારતને ચીમકી આપી રહ્યું છે. ભારત રશિયા તરફ ઢળવાનું બંધ કરે તો અમેરિકા પાકિસ્તાનને મળતી મદદ બંધ કરશે, બાકી મદદ વધાર્યા કરશે ને પાકિસ્તાનને એ જ જોઈએ છે. પાકિસ્તાન સરકારના ૨૦૨૧-૨૨ના ઈકોનોમિક સર્વેમાં પાકિસ્તાન પર કુલ ૬.૯૭ લાખ કરોડ રૂપિયાનું દેવું છે એવો સ્વીકાર કરાયો છે. આ કારણે પાકિસ્તાનને તો અમેરિકા જેવા મજબૂત સાથીની જરૂર છે જ તેથી પાકિસ્તાન તો અમેરિકાને લાલ જાજમ પાથરીને આવકારશે પણ સવાલ ભારતનો છે, ભારતે શું કરવું તેનો છે.
નરેન્દ્ર મોદી રશિયા સાથે સંબંધો ગાઢ કરીને કશું ખોટું કરી રહ્યા નથી. ભારતના વડા પ્રધાન તરીકે એ ભારતના હિતો સાચવે તેમાં કશું અયોગ્ય નથી. અમેરિકાએ મોદીને વારવા પહેલાં ધમકીઓ આપી જોઈ પણ મોદી ગાંઠ્યા નથી. મોદીએ આ વલણ ચાલુ રાખવું જોઈએ કેમ કે રશિયા સાથેના ગાઢ સંબંધોમાં આપણું હિત છે.
અમેરિકા અને ચીન બંને પાકિસ્તાન પર વરસી રહ્યાં છે તેના કારણે એવો સંકેત મળી રહ્યો છે કે, ફરી અમેરિકા-પાકિસ્તાન-ચીનની ધરી રચાઈ રહી છે. ભલે એ ધરી રચાતી, ભારત પોતાનાં હિતોની ચિંતા કરે છે એ યોગ્ય જ છે.



Post Views:
356




[ad_2]

Google search engine