[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હમણાં જમ્મુ અને કાશ્મીરની ત્રણ દિવસની યાત્રાએ જઈ આવ્યા. આ યાત્રા દરમિયાન શાહે કાશ્મીર પર કબજો કરીને બેસી ગયેલા ત્રણ પરિવારોની વાત કરી અને પહાડી વિસ્તારમાં રહેતાં લોકોને અનામત આપવાની જાહેરાત પણ કરી નાખી પણ કાશ્મીરી પંડિતો વિશે હરફ ના ઉચ્ચાર્યો.
જમ્મુ અને કાશ્મીરમાં રહેતા કાશ્મીરી પંડિતો લાંબા સમયથી તકલીફમાં છે. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ ટાર્ગેટ કિલિંગ કરીને કાશ્મીરમાં પાછા આવીને વસેલા હિંદુઓને નિશાન બનાવીને હત્યાકાંડ શરૂ કર્યા છે તેનાથી ફફડેલા હિંદુઓએ હિજરત કરવી પડી રહી છે.
કેન્દ્ર સરકારે કાશ્મીરીમાં હિંદુઓને ફરી વસાવવા માટે પ્રધાન મંત્રી પેકેજ જાહેર કરેલું. આ પેકેજ હેઠળ હિંદુઓને સરકારી નોકરીઓ આપી છે. કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં રહેવા માટે પંડિત કોલોની પણ બનાવી છે. આતંકીઓએ હિંદુ સરકારી કર્મચારીઓને નિશાન બનાવીને તેમની હત્યાઓ કરવા માંડતા આ કોલોની ખાલી થઈ ગઈ છે. સરકારી કર્મચારીઓ નોકરીઓ છોડીને પોતાના પરિવારો સાથે જમ્મુમાં ફરી નિરાશ્રિત બની રહ્યા છે.
આતંકવાદીઓએ રાહુલ ભટ્ટ, રજની બાલા, વિજય કુમાર સહિતના હિંદુઓની ક્રૂર ને ખુલ્લેઆમ કરેલી હત્યાઓએ હિંદુઓને અહેસાસ કરાવ્યો કે, કાશ્મીરમાં સલામતી નથી. પોતાનો જીવ બચાવવા મોટાભાગના કાશ્મીરી પંડિતો ભાગી રહ્યા છે. જેમને સરકારી નોકરીઓ અપાઈ છે એ નોકરીએ જતાં ફફડે છે. આ માહોલમાં શાહ કાશ્મીર જઈ રહ્યા છે ત્યારે પંડિતો વિશે કંઈક નક્કર કરવાની જાહેરાત કરશે એવી તો આશા હતી જ નહીં પણ બે શબ્દો બોલીને સધિયારો તો આપશે જ એવી આશા હતી. કમનસીબે આ આશા ના ફળી અને શાહ પંડિતો વિશે મૌન જ રહ્યા.
શાહના મૌનનો અર્થ એ છે કે, સરકાર પંડિતોની સલામતી વિશે કશું કરી શકે તેમ નથી. કાશ્મીરી પંડિતો પોતાના વતનમાં નિર્ભિક થઈને રહી શકે એ માટે સરકારની કશું કરવાની તાકાત છે કે નહીં એ અલગ મુદ્દો છે પણ હાલના તબક્કે સરકાર કશું કરી રહી નથી. કાશ્મીરને લગતી બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરાઈ અને પછી કાશ્મીરનું બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજન કરાયું ત્યારે સંસદમાં ચર્ચા દરમિયાન અમિત શાહે કાશ્મીર માટે જીવ આપી દેવાની તૈયારી હોવાનો હુંકાર કરેલો.
કાશ્મીર માટે બહુ લોકોએ જીવ આપ્યા છે અને હજુ આપી રહ્યા છે. અમિત શાહે પોતાનો જીવ આપવાની જરૂર નથી પણ જે લોકોના જીવ જઈ રહ્યા છે તેમને બચાવવાની જરૂર છે. કાશ્મીર ખીણમાં એક સમયે કુલ વસતીમાં ૬ ટકા હિંદુ હતા. હિંદુઓમાં મોટાભાગના કાશ્મીરી પંડિતો હતા પણ આતંકવાદ તથા સરકારની સુરક્ષા કરવામાં નિષ્ફળતાના કારણે મોટાભાગના હિંદુ ભાગી ગયા છે. અત્યારે કાશ્મીર ખીણની ૭૦ લાખની વસતીમાં ૯૭ ટકા મુસ્લિમો છે. હિંદુ-શીખો થઈને માત્ર ત્રણેક ટકા છે. મતલબ કે, મોટાભાગના હિંદુ જતા રહ્યા છે. ભાજપ એક સમયે આ હિંદુઓને કાશ્મીરમાં પાછા વસાવવાની વાતો કરતો હતો પણ અત્યારે તે જે રહે છે તેમની સુરક્ષાના મુદ્દે પણ બોલતો નથી. આતંકવાદીઓ બેફામ ‘ટારગેટ કિલિંગ’ કરીને હિંદુ-શીખો સહિતના બિનમુસ્લિમો અને બિનકાશ્મીરીઓની ખુલ્લેઆમ હત્યા કરી રહ્યા છે. આતંકવાદી સંગઠનો ખુલ્લેઆમ ધમકી આપે કે, કોઈપણ બિનકાશ્મીરી કાશ્મીરમાં ના રહે. કાશ્મીરમાં રહેતા હોય તો નિકળી જાય નહીં તો જીવ ખોવો પડશે.
આ સ્થિતિ શરમજનક કહેવાય કેમ કે આ દેશમાં હિંદુઓની બહુમતી છે, કહેવાતી હિંદુવાદી સરકાર છે છતાં કાશ્મીરમાં રહેતા હિંદુઓનું રક્ષણ કરી શકાતું નથી. આ કાશ્મીરી પંડિતોની કમનસીબી એ રીતે વધારે છે કે એ લોકો પોતાનો હિંદુ માને છે પણ હિંદુ સમાજ પણ તેમના રક્ષણ માટે આગળ આવતો નથી. કહેવાતા હિંદુવાદીઓ કાશ્મીરી પંડિતો વિશે નિવેદનો આપે છે, તેમની તકલીફો માટે મગરનાં આંસુ સારે છે પણ તેમને માટે લડવાની, તેમને પડખે ઊભા રહેવાની તેમનામાં તાકાત જ નથી.
વાસ્તવમાં હિદુંવાદીઓ કે હિંદુઓમાં કાશ્મીરી પંડિતો માટે લડવાની તાકાત હોત તો પંડિતોએ બેઘર જ ના થવું પડ્યું હોત. હિંદુવાદીઓએ કે હિંદુ સમાજે ૧૯૯૦ના દાયકામાં મુસ્લિમ આતંકવાદીઓ કાશ્મીરમાંથી હિંદુઓને ભગાડતા હતા ત્યારે તેમની સામે લડવાની મર્દાનગી નહોતી બતાવી. અત્યારે પણ કાશ્મીરમાં જઈને હિંદુઓને પડખે ઊભા રહીને આતંકવાદ સામે લડવાની હિંદુઓની તૈયારી નથી. મુઠ્ઠીભર આતંકવાદીઓ છ હજાર જેટલા હિંદુઓમાં ડર પેદા કરીને તેમને કાશ્મીરમાંથી ભાગવાની ફરજ પાડી રહ્યા છે ને આ દેશના સો કરોડ હિંદુઓ લાચાર બનીને તમાશો જોઈ રહેવા સિવાય કશું કરતા નથી તેનાથી વધારે શરમજનક શું કહેવાય.
કાશ્મીરમાં પહેલાં બહારનાં લોકો નહોતાં વસી શકતાં પણ હવે તો વસી શકે છે પણ કોઈ હિંદુવાદી સંગઠન પોતાના દસ હજાર કાર્યકરોને કાશ્મીર મોકલીને કાશ્મીરી પંડિતોને પડખે ઊભા રહેવાની હિંમત બતાવતો નથી. હિંદુઓનું શૂરાતન ‘કાશ્મીર ફાઈલ્સ’ જેવી મૂવી જોવામાં જાગે છે. પોપકોર્ન ખાતાં ખાતાં ને પેપ્સી પીતાં પીતાં એરકન્ડિશન્ડ મલ્ટિપ્લેક્સ થિયેટરમા મૂવી જોવાની ને પછી બહાર આવીને ચાઈનીઝ ફોન પરથી સોશિયલ મીડિયા પર મુસ્લિમોને ગાળો આપી દેવાની. આ દેશના હિંદુઓની કાશ્મીરના પંડિતો તરફની સહાનુભૂતિ તેનાથી આગળ વધતી નથી. હિંદુવાદી સંગઠનો પણ એ જ રીતે વર્તે છે. કાશ્મીર ખીણમાં હિંદુઓને ટકાવવા હોય તો હિંદુઓની વસતી વધારવી પડે. બહારથી લાવીને હિંદુઓને કાશ્મીરમાં વસાવવા પડે.
અલબત્ત માત્ર હિંદુઓને વસાવવાથી કામ ના ચાલે. બહારના લોકો આવીને વસે એટલે આતંકવાદીઓ હુમલા કરવાના જ હિંદુઓની સંખ્યા વધે તેમ તેમ હુમલા વધવાના. તેમાં માલમત્તાનું નુકસાન પણ થવાનું ને જીવ પણ જાય. આ દેશના હિંદુઓમાં એ ભોગ આપવાની તાકાત જ નથી. હિંદુઓમાં પોતાનાં બંધુ-બહેનો એવાં કાશ્મીરી પંડિતો માટે લડવાની ને તેમના માટે જીવ આપવાની તૈયારી જ નથી તેથી કાશ્મીરી પંડિતો સાવ ભગવાન ભરોસે છે. કલમો હટાવાઈને બીજું ઘણું કરાયું પણ તેમની સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી. પહેલાં પણ તેમને પોતાની સુરક્ષા જાતે કરવી પડતી હતી ને અત્યારે પણ જાતે જ કરવી પડે છે.

Google search engine

[ad_2]

Google search engine