[ad_1]
અંધેરી વિધાનસભા મતવિસ્તારમાંથી શિવસેનાના ધારાસભ્ય રમેશ લટકેના નિધન બાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજાઇ રહી છે. આ જગ્યા પર ભાજપ-બાળાસાહેબની શિવસેનાનો સંયુક્ત ઉમેદવાર ઊભો રહેવાનો છે, જેનો સામનો કૉંગ્રેસ,એનસીપીના સમર્થનવાળી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પક્ષના ઉમેદવાર સામે થશે. આ બેઠક માટે દિવંગત રમેશ લટકેની પત્ની ઋતુજા લટકેને ઠાકરે જૂથે ઉમેદવારી આપી છે, પણ એકનાથ શિંદે નવી ચાલ ચાલી રહ્યા છે.
ઠાકરે જૂથની ઉમેદવાર ઋતુજાને શિંદે જૂથમાં લાવીને તેને ઉમેદવાર તરીકે ઊભી રાખવાના પ્રયત્ન ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે અને આ વાત રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઇ રહી છે. જોકે, ઋતુજા લટકેનું રાજીનામુ મુંબઇ મહાનગરપાલિકામાંથી હજી સુધી મંજૂર થયું નથી.
ભાજપ-શિંદે જૂથ તરફથી હજી સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. શિંદે જૂથના નેતાઓની એવી માગ છે કે બાળાસાહેબની શિવસેના દ્વારા ઋતુજાને ઉમેદવાર બનાવવામાં આવે. અંધેરીની પેટાચૂંટણી શિંદે સામે ઠાકરે જૂથ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહી છે. તેથઈ ઋતુજા લટકેને શિંદે જૂથમાં લાવીને ઉમેદવારી આપવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવામાં 2 દિવસ બાકી છે. ભાજપ મૌન છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે.
ઉદ્ધવ ઠાકરેનું ધનુષબાણનું પ્રતિક જતું રહ્યું છે અને તેમને મશાલનું પ્રતિક ફાળવવામાં આવ્યું છે. ઉદ્ધવ સેનાએ મશાલના પ્રતિક સાથે પ્રચાર પણ શરૂ કરી દીધો હતો, પણ હવે ઠાકરેની મશાલ વિવાદમાં સપડાઇ છે. દિવંગત નેતા જ્યોર્જ ફર્નાન્ડિસની સમતા પાર્ટીએ પણ મશાલના પ્રતિક પર દાવો કર્યો છે. અંધેરી પેટા ચૂંટણીમાં સમતા પાર્ટી પણ પોતાનો ઉમેદવાર ઉતારવા જઇ રહી છે. શિવસેના ઠાકરે જૂથને મળેલું પ્રતિક સમતા પાર્ટીનું નોંધાયેલું પ્રતિક હોવાનું કહેવાય છે. પાર્ટીના પદાધિકારીઓએ આ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચને જાણ પણ કરી છે. 1996થી મશાલનું પ્રતિક સમતા પાર્ટી પાસે છે. કેન્દ્રીય પંચ બુધવારે સમતા પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધા પર નિર્ણય લે તેવી શક્યતા છે.
[ad_2]